આખરે સ્ટાર્મર સરકારે ગ્રુમિંગ ગેંગ મામલામાં દેશવ્યાપી તપાસને મંજૂરી આપતાં હજારો પીડિત સગીરાઓને ન્યાયની આશા જાગી છે. દાયકાઓ પહેલાં શરૂ થયેલી આ અપરાધિક પ્રવૃત્તિના કારણે ન જાણે કેટલી સગીરા અને બાળકો નરાધમોનો શિકાર બન્યાં અને તેમના જીવનો વેરવિખેર થઇ ગયાં.
સૌથી પહેલાં 2002માં મુખ્યત્વે પાકિસ્તાની મૂળના પુરુષોની ગેંગો દ્વારા સગીરાઓને નિશાન બનાવવામાં આવતી હોવાના અહેવાલો સામે આવ્યાં હતાં પરંતુ તે અગાઉના વર્ષોમાં પણ આ અપરાધિક દુષણ અસ્તિત્વમાં હતું. રોધરહામમાં 1997થી સગીરાઓનું શોષણ કરાતું હોવાનું સામે આવ્યું હતું. મુખ્યત્વે બ્રિટિશ પાકિસ્તાનીઓના સુનિયોજિત નેટવર્ક દ્વારા સગીરાઓ અને બાળકોનું જાતીય શોષણ જાણે કે એક પેટર્ન બની ગઇ હતી.
આ પેટર્ન અનુસાર 11થી 16 વર્ષની મુખ્યત્વે શ્વેત સગીરાઓને શિકાર બનાવવામાં આવતી હતી. ટેક્ષી ડ્રાઇવર અથવા ટેક અવેમાં કામ કરતાં અને ગેરકાયદેસર ડ્રગ કાર્ટેલો સાથે સંકળાયેલા આ અપરાધીઓ દ્વારા પોતાના પરિવારોથી અસંતુષ્ટ એવી સગીરાઓ શોધી કાઢવામાં આવતી, તેમને આલ્કોહોલ અને ડ્રગની આદતમાં ફસાવાતી અને ત્યારબાદ એક વ્યક્તિ તેની સાથે શારીરિક સંબંધ બાંધતો. એકવાર સગીરા જાળમાં ફસાઇ ગયા બાદ તેના મિત્રો અને સગાઓ પણ તેના શરીરને ચૂંથતા રહેતા હતા.
ગ્રુમિંગ ગેંગોના આ આતંક સામે પગલાં લેવા ઉગ્ર માગણીઓ છતાં એક પછી એક આવેલી સરકારો તેમજ પોલીસ અને સામાજિક કાર્યકરોએ પણ આંખ આડા કાન જ કર્યાં હતાં. ઉલટાનું પીડિતો સાથે જ પોલીસ દ્વારા દુર્વ્યવહાર કરાતો હતો. તેમની ફરિયાદોમાં અધકચરી તપાસ કરીને કેસની ફાઇલો અભેરાઇ પર ચડાવી દેવાઇ હતી. જેમ હોરાઇઝન આઇટી સ્કેન્ડલમાં ન્યાયની કસુવાવડ થઇ હતી તેવી જ રીતે સેંકડો સગીરાઓ ન્યાયથી વંચિત રહી અને બળાત્કારીઓ ખુલ્લેઆમ ફરતાં હતાં.
સરકારો અને પોલીસ તેમના પર રેસિસ્ટનો થપ્પો ન લાગે તે ભયથી નરાધમો સામે પગલાં લેતાં ખચકાતાં હતાં. સ્થાનિક સત્તાવાળાઓને રેસિસ્ટ તણાવમાં વધારાનો ભય સતાવતો હતો. તેના કારણે સજ્જડ પુરાવાને અવગણીને ગ્રુમિંગ ગેંગોના કારનામાઓને છાવરવાનું પાપ કરાતું હતું.
દાયકાઓથી થઇ રહેલા આ શોષણને અટકાવવા, અત્યાર સુધી ભોગ બનેલી પીડિતાઓને ન્યાય અપાવવા આખરે સરકારે દેશવ્યાપી તપાસની જાહેરાત કરી છે જે આવકાર્ય છે. નેશનલ ક્રાઇમ એજન્સી પણ પોલીસ સાથે તપાસમાં જોડાવાની છે. અભેરાઇ પર ચડાવી દેવાયેલા સેંકડો કેસોમાં પુનઃ તપાસ શરૂ થશે. આજે યુવાન બની ચૂકેલી ઘણી પીડિતાઓ પોતાના પર ગુજારાયેલા અત્યાચારો વર્ણવવા સામે આવી રહી છે. ન્યાયની આશા ઉજળી બની છે. સાથે સાથે ગ્રુમિંગ ગેંગોના છૂપા પાપ ઉઘાડા પડશે અને નરાધમો જેલના સળિયા પાછળ ધકેલાશે. શરત એટલી છે કે નેશનલ ઇન્કવાયરી પારદર્શક અને કોઇપણ પ્રકારના ભય વિના થવી જોઇએ.