ઇટલીના પ્યુગ્લિયામાં આવેલા પોલિગ્નાનો અ મારેમાં એક અવનવું રેસ્ટોરાં સહેલાણીઓમાં બહુ જાણીતું છે. દરિયાકિનારે એક કુદરતી ગુફામાં કંડારાયેલા આ રેસ્ટોરાંનું નામ છે ગ્રોટ્ટા પલાઝે. આ ત્રણ સદી પુરાણું રેસ્ટોરાં સમુદ્ર સપાટીથી 74 ફૂટની ઊંચાઈએ છે. તે દરિયાકિનારાના રેતાળ ખડકોમાંથી કોતરવામાં આવ્યું છે, અને તેમાં બેસીને એટલાન્ટિક સી નિહાળતા નિહાળતાં ભોજનની મજા માણી શકાય છે. સન 1700ના દાયકાથી આ ગુફામાં શાહી ભોજન અને સમારંભો યોજવામાં આવે છે. આ રેસ્ટોરાં ફક્ત ઉનાળામાં મે થી ઓક્ટોબર સુધી ઓપન રહે છે. રાત્રિભોજન માટે પ્રી-બુકિંગ જરૂરી છે અને કડક ડ્રેસ કોડ લાગુ છે. પુરુષોને શોર્ટ્સ અને સેન્ડલ પહેરવાની મનાઈ છે. રેસ્ટોરાંમાં ફક્ત 6 ટેબલ છે, અને સમુદ્રનો સીધો નજારો જોઈ શકાય છે. આ ગુફા પોલિગ્નાનો અ મારેમાં આવેલી સૌથી મોટી દરિયાઈ ગુફા છે, જે સદીઓ પહેલા દરિયાઈ મોજાંઓ દ્વારા ખડકોમાંથી કોતરાઇ હતી. દૂરથી જૂઓ તો તે સમુદ્ર વચ્ચે હવામાં લટકતી હોય તેવું લાગે છે.