ટ્રમ્પ શાસન સામે પ્રચંડ જનાક્રોશઃ લાખો લોકો રસ્તા પર ઉતર્યા

Wednesday 18th June 2025 07:24 EDT
 
 

વોશિંગ્ટનઃ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે બીજો કાર્યકાળ સંભાળ્યો છે ત્યારથી ગેરકાયદે વસાહતીઓ વિરુદ્ધ આકરાં પગલાં લેવાનું શરૂ કર્યું છે. ટ્રમ્પે ‘અમેરિકા ફર્સ્ટ’ હેઠળ અનેક નીતિઓનો અમલ શરૂ કરાવ્યો છે. જોકે, ટ્રમ્પની નીતિઓને તાનાશાહી પ્રવૃત્તિઓ ગણાવી સમગ્ર દેશમાં તેનો પ્રચંડ વિરોધ થઈ રહ્યો છે. દેખાવકારોએ ટ્રમ્પની નીતિઓને લોકતંત્ર વિરુદ્ધ મોટા જોખમરૂપ ગણાવી છે અને પ્રમુખની શક્તિના કેન્દ્રિકરણને નકારી કાઢતા ઉગ્ર વિરોધ કર્યો છે. ટ્રમ્પના વિરોધમાં શનિવારે અમેરિકાના તમામ 50 સ્ટેટમાં 12 હજારથી વધુ સ્થળો પર દેખાવો થયા હતા અને અંતરિયાળ વિસ્તારથી લઈને શહેરોમાં લાખો લોકો રસ્તા, પાર્ક, પ્લાઝામાં ઉમટી પડયા હતા.
પ્રેસિડન્ટ ટ્રમ્પ અમેરિકન સેનાના 250મા સ્થાપના દિવસ અને તેમના 79મા જન્મદિનના પ્રસંગે ભવ્ય સેના પરેડની ઊજવણી કરી રહ્યા હતા તેવા સમયે અમેરિકામાં ઠેર ઠેર ટ્રમ્પ વિરુદ્ધ ‘નો કિંગ્સ’ અભિયાન હેઠળ દેખાવો થઈ રહ્યા હતા. લાખો અમેરિકનો ટ્રમ્પ સરકારની તાનાશાહી પ્રવૃત્તિઓ અને વિશેષરૂપે ગેરકાયદે વસાહતીઓ તથા ઘરેલુ નીતિઓના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. દેખાવકારો લોકતંત્ર અને ઈમિગ્રન્ટ્સના અધિકારોના રક્ષણના સમર્થનમાં આગળ આવ્યા હતા.
‘નો કિંગ્સ’ દેખાવોના આયોજકોએ જણાવ્યું હતું કે, દેશભરમાં 2,000થી વધુ સ્થળો પર લાખો લોકો ટ્રમ્પ વિરોધી અભિયાનમાં જોડાયા હતા. બીજી બાજુ વિવિધ રાજ્યોના ગવર્નરોએ દેખાવકારોને શાંતિપૂર્ણ રીતે દેખાવો કરવા હાકલ કરી રહ્યા હતા. જોકે, કેટલીક જગ્યાએ નેશનલ ગાર્ડ્સના સૈનિકો એકત્રિત થયા હતા અને તેમને દેખાવકારો સાથે ઘર્ષણ થયું હતું. જોકે, આવી ઘટનાઓ બહુ ઓછી બની હતી. ન્યૂ યોર્ક, ડેનવર, શિકાગો, ઓસ્ટીન અને લોસ એન્જેલસમાં ‘નો કિંગ્સ’ના બેનર હેઠળ દેખાવકારોએ માર્ચ કરી, ડાન્સ કર્યો અને ટ્રમ્પવિરોધી સૂત્રોચ્ચાર કર્યો હતો. એટલાન્ટામાં દેખાવોના સ્થળે 5,000થી વધુ લોકો એકત્ર થઈ ગયા હતા જ્યારે સીએટલમાં 70,000 વધુ લોકો શહેરની સૌથી મોટી રેલીમાં જોડાયા હતા. ગયા વર્ષના અંતમાં પ્રમુખ ટ્રમ્પનું સમર્થન કરનારા લોકો પણ મોટાપાયે દેખાવોમાં જોડાયા હતા.
ટ્રમ્પને મત આપ્યાનો અફસોસ
એરિઝોનમાં એક વ્યક્તિએ દેખાવકારોની ભીડમાં પીસ્તોલ લહેરાવતા અફરાતફરી મચી ગયી હતી. જોકે, પોલીસે તુરંત તેને કાબુમાં કરી લીધો હતો. વર્જિનિયામાં એક ચાલકે દેખાવકાર વચ્ચે કાર ઘૂસાડી દીધી હતી, જોકે, કોઈ ઘાયલ થયું નહોતું. પોલીસે તેની ધરપકડ કરી છે. લોસ એન્જલસમાં 54 વર્ષના પીટર વરાડીએ જણાવ્યું હતું કે તેમણે ગયા વર્ષે નવેમ્બરમાં આર્થિક કારણોસર ટ્રમ્પને મત આપ્યો હતો, પરંતુ જીવનમાં પહેલી વખત તે વિરોધ માટે આગળ આવ્યો છે. પીટર મેક્સિકન અને અમેરિકન ઝંડો ફરકાવતા વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. તેણે કહ્યું હતું, મેં ડોનાલ્ડ ટ્રમ્પને મત આપ્યો હતો, પરંતુ હવે તેમને ખેદ થાય છે. કારણ કે ટ્રમ્પનો ફાસીવાદ નવા સ્તરે પહોંચ્યો છે. ટ્રમ્પ અત્યારે લેટિન અમેરિકનો સામે કાર્યવાહી કરી રહ્યા છે. કોને ખબર કાલે કોના વિરુદ્ધ કરે? ભવિષ્યમાં તેના નિશાન પર ગે, અશ્વેતો પણ આવી શકે છે.
ટ્રમ્પના અભિગમ સામે નારાજગી
પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ તરીકે સત્તા પર આવ્યા તે પછી હાથ ધરેલી કામગીરીથી અમેરિકનો નારાજ છે. તેમનું માનવું છે કે ટ્રમ્પ ધીમે ધીમે તાનાશાહી તરફ આગળ વધી રહ્યા છે. ટ્રમ્પ બંધારણની અવગણના કરે છે, કોર્ટોના આદેશોનું પાલન નથી કરી રહ્યા. ગેરકાયદે વસાહતીઓ સાથે અમાનવીય વર્તન કરી રહ્યા છે. આ કારણે ‘નો કિંગ્સ’ નામથી આંદોલન મારફત ટ્રમ્પને જણાવાઇ રહ્યું છે કે અમેરિકા લોકતાંત્રિક દેશ છે. અહીં રાજા કે સરમુખત્યાર માટે કોઇ જગ્યા નથી. ટ્રમ્પ પોતાને રાજા અથવા તાનાશાહની જેમ રજૂ કરી રહ્યા છે.


comments powered by Disqus