પેટની ચરબી ઝડપથી ઘટાડતા 3 યોગાસન

Saturday 21st June 2025 08:03 EDT
 
 

આજકાલ અબાલવૃદ્ધ સહુ કોઇમાં ઓબેસિટી (મેદસ્વીતા)ની સમસ્યા વકરી રહી છે. ભાગદોડભરી લાઇફસ્ટાઇલ, અયોગ્ય ખાણીપીણી, અપૂરતી ઊંઘ સહિત અનેક બાબતો માટે કારણભૂત મનાય છે. બાળકોથી માંડીને વડીલોમાં વધુ પડતા વજનની સમસ્યા જોવા મળી રહી છે. વિશ્વના અનેક દેશો આ બીમારીને નાથવા માટે ઝઝૂમી રહ્યા છે, અને તેનું કારણ એ છે કે મેદસ્વીતા સાથે જોડાયેલી અનેકવિધ શારીરિક સમસ્યા. શરીરનું વજન વધી રહ્યાનો પહેલો સંકેત એ છે કે એકાદ માળની સીડી ચઢતાં પણ હાંફી જવું. જો તમે આની ઉપેક્ષા કરો છો તો થોડાક સમયમાં જ તમને બીજો સંકેત પેટ પર જોવા મળશે. જ્યારે પેટની ચરબી વધવાની શરૂઆત થાય ત્યારે સમજી લેવું કે શરીરની વધુ પડતી ઉપેક્ષા નુકસાનકારક સાબિત થઇ શકે છે. તો આવો આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પ્રસંગે જાણીએ પેટની ચરબી ઝડપથી ઘટાડતા ત્રણ યોગાસનો વિશે. જોકે કોઇ પણ યોગાસન શરૂ કરતી વેળાં ખાસ કાળજી લેશો કે કોઇ આસન માટે શરીરને વધુ કષ્ટ આપવાનું ટાળો. ધીમે ધીમે શરૂઆત કરો. સમયના વહેવા સાથે શરીર અનુકૂળ થઇ જશે. કોઇ બીમારી હોય તો તમારા જીપીને કન્સલ્ટ કર્યા બાદ યોગાસન કરો અથવા તો કોઇ યોગ નિષ્ણાતનું માર્ગદર્શન મેળવો.
• ભુજંગાસન
ભુજંગાસન પેટની ચરબી ઓછી કરવામાં સૌથી વધુ અસરકારક છે. તેમજ આ યોગાસન તમારા પેટના સ્નાયુઓને મજબૂત બનાવે છે અને તમારી પાચન તંત્રને પણ સુધારે છે. ભુજંગાસનને કોબ્રા પોઝ પણ કહેવામાં આવે છે.
- કેવી રીતે કરશો? • સૌથી પહેલા જમીન પર આસન પાથરીને તેની ઉપર પેટના બળે સૂઈ જાઓ. ત્યારબાદ ઊંડો શ્વાસ લો અને ધીરેથી તમારૂં માથું, છાતી તથા પેટને ઊંચા કરો, નાભિને જમીન પર રાખો. • ત્યારબાદ તમારા શરીરના ઉપરના ભાગને હાથના ટેકાથી પાછળની તરફ ખેંચો. • બંને હથેળી પર સરખો ભાર આવે તે રીતે પોઝિશન લો. • જો શક્ય હોય તો પીઠને બને તેટલી ધનુષની જેમ વાળો અને હાથ સીધા રાખો. • ત્યારબાદ શ્વાસ બહાર કાઢતા ધીરેથી તમારૂં પેટ, છાતી અને માથું જમીન પર પાછા લાવો.
- શું સાવધાની રાખશો? ગર્ભાવસ્થા દરમિયાન આ આસન ના કરવું. કાંડા કે પાંસળીમાં કોઈ ઈજા થઈ હોય કે લાંબા ગાળાના રોગ કે કરોડરજ્જુની બીમારી થઈ હોય અથવા તો જો કમરમાં કોઈ ફ્રેક્ચર કે મણકાની સમસ્યા હોય તો પણ આ આસન ના કરવું જોઈએ.
• ધનુરાસન
ધનુરાસન એક એવું આસન છે જેમાં તમે ધનુષ્ય જેવું પ્રતીક બનાવો છો. આમ કરવાથી કમર મજબૂત થાય છે અને લચીલાપણું વધે છે. સાથે જ માનસિક તણાવ પણ દૂર થાય છે. તેનો એક ફાયદો એ છે કે તે પાચનશક્તિમાં વધારો કરે છે.
- કેવી રીતે કરશો? • સૌપ્રથમ જમીન પર ઊંધા સૂઈ જાઓ. બંને પગ ભેગા રાખો. હવે પગને ઢીંચણમાંથી વાળીને પાનીઓ નિતંબ ઉપર આવે તેમ રાખો. પગની ઘૂંટીઓને જે તે બાજુના હાથથી પકડો. • હવે બંને હાથની મજબૂત પકડ રાખી બંને પગ ખેંચો અને સાથે સાથે આગળથી ધડને નાભિ સુધી ઊંચું કરી શરીરને ધનુષ્યાકાર કરો. માથું પાછળ ઝુકાવી આકાશ તરફ જુઓ. • આ સમયે નાભિની ઉપર અને નીચેનો માત્ર ચાર આંગળ જેટલો શરીરનો ભાગ જ જમીન પર અડકેલો હશે. ઉરુ અને પેટના બીજા ભાગ જમીનથી અધ્ધર હશે. અને બંને પગ માથું ને બરડો એક રેખામાં હશે એટલે કે વળેલા કે વાંકા નહીં હોય. • પાંચ-સાત સેકંડથી શરૂ કરી ત્રીસેક સેકંડ સુધી આસન સ્થિર રાખી પછી ઉલટા ક્રમથી આસન છોડવું.
- શું સાવધાની રાખશો? પ્રેક્ટિસ કરતાં ધ્યાન રાખો કે મસલ ઓવરસ્ટ્રેચ ન થાય. તેમજ ફાઇનલ પોશ્ચર ત્યારે થાય છે જ્યારે પગનો અંગૂઠો કાનને સ્પર્શે. માથું ઝૂકાવશો નહીં. અંગૂઠાને માથું અડે તેવો પ્રયાસ કરો.
• પવનમુક્તાસન
પવનમુક્તાસન પણ ઘણા સ્વાસ્થ્ય લાભ આપે છે. તેને ‘વિન્ડ રીલીઝિંગ પોઝ’ તેમજ ‘ગેસ રીલીઝિંગ પોઝ’ પણ કહેવામાં આવે છે. પવનમુક્તાસન એક એવું આસન છે જે તમારા પેટની ચરબી ઘટાડવામાં મદદ કરે છે. આ સાથે જ પેટના સ્નાયુઓને મજબૂત બનાવે છે અને તમારી પાચન તંત્રને પણ સુધારે છે.
- કેવી રીતે કરશો? • સૌથી પહેલા જમીન પર સૂઈ જાઓ. ત્યારબાદ બંને પગને ઢીંચણમાંથી પેટ તરફ લઇ જવા. • ત્યારબાદ બંને હાથ ભેગા કરીને ઘુંટણ ઉપર લોક કરવા અને દાઢીનો ભાગ ઘુંટણ તરફ લઇ જવો. ત્યાર પછી થોડાક સેકન્ડ રોકાઇને પહેલા માથુ જમીન પર મુકવું. • ત્યારબાદ હાથ મૂળ સ્થિતિમાં કમર પાસે જમીન પર મુકવા. છેલ્લે બંને પગ સીધા કરીને જમીન તરફ મૂળ સ્થિતિમાં લઇ જવા.
- શું સાવધાની રાખશો? સર્વાઇકલનો દુખાવો, પેટની નાની-મોટી સર્જરી કરાવી હોય, ઘુંટણમાં વધારે પડતો દુખાવો હોય, હાઇ બ્લડ પ્રેશર હોય કે સાઇટીકાનો દુખાવો હોય તેવી વ્યક્તિએ આ આસન ન કરવું જોઈએ.


comments powered by Disqus