વિજયભાઇ સાથે વીતાવેલા સંસ્મરણોસહ શોકભરી શબ્દાંજલિ

- જ્યોત્સના શાહ Wednesday 18th June 2025 08:43 EDT
 
 

ભવસાગરમાં નાવ ઝૂકાવી, ત્યાં તો અચાનક આંધી ચઢી આવી,
સામે કિનારે જાવું છે, પ્રભુ તારૂં ગીત મારે ગાવું છે..’
શ્રી વિજયભાઈ રૂપાણીના કંઠે ગવાયેલ આ સ્તવનના શબ્દો મુજબ સાચે જ આંધી આવી અને એમને સામા કિનારે લઈ ગઈ....
ગુરૂવાર તા.૧૨ જુન ૨૦૨૫ના ગોઝારા દિને આપણે કલ્પી પણ ના શકીએ એવો અકસ્માત અમદાવાદ એરપોર્ટ પરથી ટેક ઓફ થતા એર ઇન્ડીયાના વિમાન બોઇંગ ૭૮૭ મેક્સ ડ્રીમલાઇનર AI 171ને નડ્યો. એ સમાચાર વાયુ વેગે પ્રસરી ગયા. ડ્રીમલાઇનરને નડેલ આ પ્રથમ ભયાનક અકસ્માતે સંખ્યાબંધ કુટુંબોના જીવનને ગમની ગર્તામાં ધકેલી દીધાં છે. ગુજરાતની ધરતી પર થયેલ આ કરૂણ દુર્ઘટનાએ માત્ર ભારતને જ નહિ સમગ્ર વિશ્વને હચમચાવી મૂક્યું છે. પોતપોતાના સપના સાકાર કરવાના મનોરથ સાથે ઉડ્ડયન કરતા ૨૪૧ સહપ્રવાસીઓ (એકને બાદ કરતા) સાથે ગુજરાતના લોકલાડીલા નેતા અને ભૂતપૂર્વ મુખ્ય મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જીવ ગુમાવ્યાના ખબર મળતાં જ ઊંડા આઘાત અને ઘેરા શોકની લાગણી વ્યાપી ગઇ. એમના ધર્મ પત્ની અંજલિબહેન લઁડનમાં હતાં. વિજયભાઇ એમની દિકરી રાધિકા અને ફેમીલીને મળવા લંડન આવી રહ્યા હતા. એમના નિવાસસ્થાને રાંદલમાના લોટા તેડવાના હતા એમાં હાજરી આપવા આવી રહ્યા હતા એ મંગળ પ્રસંગ પર મોતનો માતમ છવાઇ જશે એવું સ્વપ્ને ય વિચારી ન શકાય.
અમારા તંત્રીશ્રી સી.બી. પટેલ સહિત તંત્રીમંડળના સભ્યોના મોબાઇલ આ કરૂણાંતિકાના મેસેજોથી ઉભરાઇ ઉઠ્યા. આ સમાચાર સાચા ન નીવડે એવું મનોમન વિચારી રહ્યા હતા. ક્રમશ: જેમ સમાચાર અપડેટ થતા ગયા તેમ જાણ થઇ કે, વિજયભાઇએ આ ફાની દુનિયામાં સદેહે જીવીત નથી ત્યારે સ્તબ્ધ થઇ જવાયું. “નથી જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે” એમ કહેવત છે પણ આ તો ઘડી પછી શું થવાનું છે એય પામર માનવીને ખબર નથી!
ગુરૂવારે જ આ આઘાતજનક સમાચાર મળતાં જ તાત્કાલિક એમના જીવનસંગિની અંજલિ બહેન અને દિકરી રાધિકાના પરિવારે અમદાવાદની ફ્લાઇટ પકડી ત્યાં પહોંચી ગયા. એરપોર્ટ પર ભારે કરૂણાજનક દ્રશ્ય સર્જાયું. અંજલિબહેનના હૈયાફાટ રૂદનથી અને વિલાપથી ઉપસ્થિત સૌની આંખો અશ્રુસજળ બની ગઇ.
લંડનથી દુબઇ અને દુબઇથી મુંબઇ તેમજ મુંબઇથી ચાર્ટડ પ્લેનમાં તેમની સાથે ભાજપના અગ્રણી નિતિન ભારદ્વાજ અને ધનસુખ ભંડેરી પણ અમદાવાદ ગયા હતા. આઘાતથી અત્યંત વ્યથિત અંજલિબહેનને એમના ગાંધીનગર ખાતેના બંગલે લઇ જવાયાં હતાં.
વ્યક્તિ રહે કે ન રહે, એ આપણા સંસ્મરણોમાં સદાય જીવંત રહે છે. દેહ નશ્વર છે પરંતુ આત્મા અમર છે. એમના સંગમાં વીતાવેલ પ્રસંગોની યાદ તાજી કરી એમના પ્રેરક જીવનને અનુસરી જીવન મહેંકાવીએ એવી પ્રાર્થના સહ શાબ્દિક અંજલિ..
તેઓશ્રી ૨૦૨૧માં લંડન આવ્યા ત્યારે એમના માનમાં ‘ગુજરાત સમાચાર’ “એશિયન વોઇસ’ એ એક સન્માન સમારંભ યોજ્યો હતો.
ABPLપરિવાર સાથે એમના પરિવારનો આત્મિક સંબંધ સદાકાળનું એક સંભારણું બની રહેશે. ૨૩ ઓક્ટોબર ૨૦૨૧ના એ કાર્યક્રમ દરમિયાન શ્રી વિજયભાઇને નજીકથી જાણવાનો અવસર અને ઇન્ટરવ્યુ લેવાની તક મળી હતી એ અત્રે તાજી કરી સદ્ગતને ભાવભરી અંજલિ.

રંગીલા રાજકોટથી રાષ્ટ્રપ્રેમના પગલે રાજકારણમાં વિજયભાઇની વિજયયાત્રા

૨૦૧૬માં ગુજરાતના મહાઅમાત્યનો તાજ શિરે ધારણ કરી પાંચ વર્ષ સુધી એ હોદ્દો શોભાવનાર પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી હાલ લંડનની ટૂંકી મુલાકાતે આવ્યા છે. એમના આગમનના સમાચારથી "અતિથિ દેવો ભવ"ના આગ્રહી અમારા હોંશીલા તંત્રી/પ્રકાશક શ્રી સી.બી.પટેલે એમના સત્કારના ચક્રો ગતિમાન કરી દીધાં. બમ્પર દિવાળી વિશેષાંકની તડામાર તૈયારીઓ વચ્ચે ય પોતાનો પત્રકારત્વનો ધર્મ અને સંસ્કાર વારસો પ્રથમ ક્રમે રાખી પોતે તો કામે લાગ્યા અન્યોને પણ લગાડી દીધાં. શનિવાર ૨૩ ઓક્ટોબર ૨૦૨૧ના રોજ હેઝના નવનાત ભવનમાં નવનાત વણિક એસોસિએશન યુ.કે, "ગુજરાત સમાચાર" અને "એન.સી.જી.ઓ"ના સંયુક્ત ઉપક્રમે માનનીય શ્રી વિજયભાઇ રૂપાણીના સન્માન સમારંભનું શાનદાર આયોજન કરાયું હતું.
 પૂર્વ મુખ્ય મંત્રીશ્રી વિજયભાઇ અને એમનાં ધર્મ પત્ની અંજલિ બહેન પાંચ વર્ષના વ્યસ્ત જીવનમાં, કોવીદ-૧૯નો લોકડાઉન હળવો થતા જ સમય કાઢી એમની વ્હાલસોયી દિકરી રાધીકા, જમાઇ નિમિત મિશ્રા અને દોહિત્ર શૌર્યને મળવા લંડન આવી પહોંચ્યા હતાં. એમના આ અંગત સમયમાંથી યુ.કે.ના ગુજરાતી સમાજને મળવાની તક એમણે સહર્ષ વધાવી લીધી.
એમની સાથે થયેલ રસપ્રદ વાતો અને એમનું પ્રેરક વ્યક્તિત્વ વાચકોને જરૂર જાણવું ગમશે.
એકવડો બાંધો. ચહેરા પર હાસ્ય અને સ્થિતપ્રજ્ઞતા. વાણીમાં ગંભીરતા. કર્તવ્યનિષ્ઠ સ્વભાવ. હોદ્દો ઊંચો હોય કે ન હોય નમ્રતા એમનું ઘરેણું. ખાનદાની અને આકર્ષક વ્યક્તિત્વ. છાંટો ય અહંકારનો નહિ! જનજન સાથે આત્મીયતા કેળવનાર વિજયભાઇની સરળતા, સાદગી, સંવેદનશીલતા, સમતા એમની લોકપ્રિયતાના પરિબળો છે.
જૈન ધર્મના સિધ્ધાંતો જીવનમાં પચાવ્યા છે એવા શ્રી વિજયભાઇને મળવાનો આ અવસર યુ.કે.ના ગુજરાતીઓને મળ્યો હતો.
જીવન ઝરમર :
ભારતીય કેલેન્ડરમાં ઓગષ્ટ એટલે ક્રાંતિનો મહિનો. એ મહિનાની બીજી તારીખે ૧૯૫૬માં શ્રી રમણીકલાલ અને માયાબેન રૂપાણીના આ સુપુત્રનો જન્મ થયો હતો. સાત ભાઇ-બહેનોમાં વિજયભાઇનો સાતમો નંબર. રંગુન, મ્યાનમાર- બર્મા એમની જન્મભૂમિ. બર્માની રાજકીય અસ્થિરતાને કારણે એમના પિતાશ્રી ૧૯૬૦માં રંગુનથી સ્થળાંતર કરી રાજકોટ પરત આવ્યા.
નાની ઉમરથી જ આર.આર.એસ.માં જોડાયા જેથી શિસ્ત અને રાષ્ટ્રપ્રેમના પાઠ રગેરગમાં વહેતા થયા. એમણે ધર્મસિંહજી આર્ટસ કોલેજમાંથી બી.એ. કર્યું અને એલ.એલ.બી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી કર્યું. વિદ્યાર્થી કાળ દરમિયાન અખિલ ભારતીય પરિષદમાં સક્રિય બન્યા.
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘમાં જોડાયા અને દેશ માટે કંઇક કરી છૂટવાની ભાવના જાગી.
ભારતીય જનતા પાર્ટી સ્થપાઇ ત્યારથી એ સાથે સક્રિયપણે સંકળાયા અને પોતાનું અનુદાન નોંધાવતા રહ્યા. ક્રમશ: એમની રાજકીય કારકિર્દીનો આંક ઊંચો જતો ગયો.
૧૯૭૬માં ભારતના તત્કાળ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ કટોકટી લાદી ત્યારે ઇમરજન્સી દરમિયાન એક વર્ષ જેલવાસ ભૂજ અને ભાવનગરમાં ભોગવ્યો હતો.
૧૯૭૮ થી ૧૯૮૦ સુધી આર.આર.એસ.ના પ્રચારકની ભૂમિકા ભજવી હતી. ૧૯૮૭માં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોર્પોરેટર તરીકે ચૂંટાયા અને ડ્રેનેજ કમિટીના ચેરમેન બન્યા.
ત્યારબાદ ૧૯૮૮થી ૧૯૯૬ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડીંગ કમિટીનું ચેરમેન પદ શોભાવ્યું. ૧૯૯૬-૯૭માં રાજકોટના મેયર બન્યા. એ વખતે લેસ્ટર- રાજકોટને ટ્વીન સીટી બનાવવાના ભાગરૂપે લેસ્ટર-લંડનની મુલાકાત એમણે લીધી હતી.
એ મુલાકાત યાદ કરતા જણાવ્યું કે, “ એ વેળા હું "ગુજરાત સમાચાર" કાર્યાલયમાં આવ્યો હતો અને પટેલ સાહેબને મળ્યો હતો. એમનો મિલનસાર સ્વભાવ અને સૌના સન્માનની ભાવના હૈયે સ્પર્શી જાય એવી.”
૧૯૯૮માં ભા.જ.પ.ના ગુજરાત યુનિટના જનરલ સેક્રેટરીની ભૂમિકા નિભાવી અને શ્રી કેશુભાઇ પટેલની સરકારમાં મેનીફેસ્ટો કમિટીના ચેરમેન તરીકે સેવા આપી હતી. ૨૦૦૬માં ગુજરાત ટૂરીઝમના ચેરમેન બન્યા. ૨૦૦૬ થી ૨૦૧૨ રાજ્યસભાનું સભ્ય પદ શોભાવ્યું. ભા.જ.પ.ના ગુજરાત યુનિટના જનરલ સેક્રેટરી તરીકે ચાર ટર્મ સેવા સાદર કરી. ૨૦૧૩માં નરેન્દ્ર મોદીજીના સરકારમાં ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેનનો હોદ્દો શોભાવ્યો.
ઓગષ્ટ ૨૦૧૪માં વજુભાઇ વાળાએ ગુજરાત ધારાસભામાંથી રાજીનામું આપ્યું ત્યારે પેટા ચૂંટણી યોજાઇ. જેમાં ઉમેદવારી નોંધાવી વિજયભાઇનો ભારે બહુમતિથી વિજય થયો.
આનંદીબેન પટેલ ગુજરાતના મુખ્ય પ્રધાન હતા એમની પ્રથમ કેબીનેટ વિસ્તરણ વખતે નવેમ્બર ૨૦૧૪માં મિનિસ્ટ્રી ઓફ ટ્રાન્સપોર્ટ, વોટર સપ્લાય, લેબર અને એમ્પલોયમેન્ટ મિનિસ્ટર તરીકે એમની વરણી થઇ. ૭ ઓગષ્ટ ૨૦૧૬માં આનંદીબેનના અનુગામી તરીકે મુખ્યપ્રધાનનો તાજ એમના શીરે મૂકાયો. સંજોગવશાત્ ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ રાજીનામુ ધરી દઇ મુખ્યપ્રધાન પદનો ત્યાગ કર્યો.
રાજીનામુ આપ્યા બાદ રાજભવનની બહાર નીકળ્યા ત્યારે પત્રકારો એમને ઘેરી વળ્યા. એકાએક રાજીનામુ આપવાનું કારણ?
એમણે સહજતાથી જણાવ્યું કે, “ અમારા પક્ષની આ સ્વાભાવિક પ્રક્રિયા છે. પક્ષના કાર્યકરોને જુદા જુદા સમયે જુદી જુદી જવાબદારી સંભાળવાની હોય છે. અમે એને પોસ્ટ નથી કહેતા, જવાબદારી કહીએ છીએ. હવે પક્ષ મને જે જવાબદારી સોંપશે એને હું શિરોમાન્ય કરીશ.”
“મારા રાજીનામાથી પક્ષને નવી નેતાગીરીની તક મળશે. અને અમે ગુજરાતને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ નવી ઊંચાઇ તરફ લઇ જઇશું"
આસાનીથી ગાદી પરથી સન્માનભેર ઉતરી જવાના પગલાની વાત કરતા જણાવ્યું કે, પદ અને ખુરશીનો મોહ સાચા સમાજસેવકોને નથી હોતો. સેવા જ એમનો મંત્ર હોય છે.
મુખ્ય પ્રધાનપદ દરમિયાનની સિધ્ધિઓ :
• સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છમાં પાણીની સુવિધા માટે ૧૭,૦૦૦ કરોડ રૂપિયાની "સૌની યોજના" પૂર્ણ કરી. • ખેડૂતોને દિવસ દરમિયાન પાણી મળી રહે એ માટે નવી "કિસાન સૂર્યોદય યોજના" કરી. • ખારા પાણીને મીઠું બનાવવાની કામ શરૂ કરાવી દીધું. • ખેડૂતોને ૦% વ્યાજે ધીરાણ આપવાની યોજના શરૂ કરી. • ૧૦,૦૦૦ કરોડ રૂપિયાની સિંચાઇ પાણી યોજના કરી. • પાંચ વર્ષની સરકાર માલિકીનું બોર્ડ " સી.એમ. ડેશ બોર્ડ" બનાવી. • લેન્ડ ગ્રેવીંગનો કાયદો કડક બનાવ્યો. • “લવ જેહાદ" વિરૂધ્ધ કડક કાયદો બનાવ્યો. (મુસ્લિમ યુવકો હિન્દુ કન્યાઓને ભગાડી બળજબરી લગ્ન કરાવતા એ સામે).
બાળપણથી જ આર.એસ.એસ.ના સિધ્ધાંતોને વરી એને વફાદાર રહ્યા છે. એમની વિચારસરણી, સંસ્કાર અને સ્વભાવ પારદર્શક રહ્યા છે. એમના વ્યક્તિત્વનું મજબૂત પાસું ધર્મના સંસ્કાર અને ઉદારતા રહ્યા છે. પડકાર ઝીલવામાં તત્પર અને અસરકારકતાને ધારદાર રાખવામાં હંમેશા માને છે. સ્વેચ્છાએ સ્વાશ્રયથી સામાજિક કાર્યકર બનીએ તો એ ફળદાયી જ નીવડે એવું દ્રઢપણે તેઓ માને છે. આજના રાજકારણમાં કેવા પ્રકારની અપેક્ષા હોય છે? પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા જણાવ્યું કે, “ આજના સમયમાં પોલીટીક્સ પર્ફોમન્સ અને ડીલીવર કરશો તો જ ટકી શકાશે. એમાં ગિમીકસ કે સુપરસ્ટીસીયસથી નહિ ચાલે.
અંગત જીવન : એમના પિતાએ સ્થાપેલ કંપની "રસિકલાલ એન્ડ સન્સ"ના ભાગીદાર છે અને સ્ટોકબ્રોકર તરીકે કામ કર્યું હતું. ૧૯૮૦માં અંજલિબેન સાથે અમદાવાદમાં લગ્નગ્રંથીથી જોડાયા બાદ રાજકોટમાં નિવાસ શરુ કર્યો અને સ્થાનિક રાજકારણમાં સક્રિય બન્યા. એમના રીસેપ્શનમાં નરેન્દ્રભાઇ મોદીએ હાજરી આપી હતી. એમને ત્રણ સંતાનો છે. દિકરો ઋષભ અને દિકરી રાધિકા. નાનો દિકરા પુજીતનું અકસ્માતમાં દુ:ખદ અવસાન થયા બાદ એના નામની ચેરિટી "પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ" શરૂ કરી છે.
“યે જીંદગી એક મુવીકી તરહ હૈ, અપના કિરદાર અચ્છી તરહસે નિભાઓ કી લોગ કહે, યે સુપરહીટ હૈ.” કોઇ કવિએ લખેલ આ પંક્તિઓ વિજયભાઇના જીવનને લાગુ પડે છે.
અમદાવાદમાં ફેબ્રુઆરી ૨૦૨૫ના નારી રત્નોના સન્માન સમારંભના અતિથિવિશેષ શ્રી વિજયભાઇ
ABPL ગ્રૂપના ન્યૂઝવીક્લીઝ ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ સાથે વર્ષોથી સંકળાયેલા ત્રણ નારીરત્નો જ્યોત્સનાબહેન શાહ, કોકિલાબહેન પટેલ અને માયાબહેન દીપકને સન્માનવાનો વિશેષ કાર્યક્રમ શનિવાર 8 ફેબ્રુઆરી ૨૦૨૫ની સાંજે અમદાવાદના સિંધુભવન વિસ્તારમાં આવેલી કોર્ટયાર્ડ બાય મેરિયોટ હોટેલ ખાતે યોજાયો હતો. મુખ્ય અતિથિ શ્રી વિજયભાઈ રુપાણી દ્વારા ABPL ગ્રૂપની પ્રકાશન યાત્રામાં 40 કરતાં વધુ વર્ષોથી જોડાયેલાં બે નારીરત્નો જ્યોત્સનાબહેન શાહ અને કોકિલાબહેન પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ નારીરત્નો આપણા ગુજરાતનું ગૌરવ છેઃ વિજયભાઇ રુપાણી
પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રુપાણીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે આપણે સહુ ત્રણ નારીરત્નો -જ્યોત્સનાબહેન શાહ, કોકિલાબહેન પટેલ અને માયાબહેનનું સન્માન કરવા અહીં એકત્ર થયા છીએ. ત્રણે બહેનોને ખૂબ ખૂબ અભિનંદન. તેઓ આપણા ગુજરાતનું ગૌરવ છે. છેલ્લાં 40-50 વર્ષથી યુકે-લંડનમાં રહીને બંને બહેનોએ પત્રકારત્વના ક્ષેત્રમાં અને માયાબહેને સંગીતના ક્ષેત્રમાં જે યોગદાન આપી રહ્યાં છે તે નોંધપાત્ર છે.
શ્રી વિજયભાઇએ કહ્યું હતું કે શોર્ટ કટ બધે જ ચાલે છે. ફક્ત રાજકારણમાં જ શોર્ટ કટ નથી. (તેમનો સંદર્ભ આ જ દિવસે જાહેર થયેલા દિલ્હી વિધાનસભાના ચૂંટણી પરિણામોમાં ‘આપ’ના પરાજય અને ભાજપના વિજય સંદર્ભે હતો.)
આજે તો સોશિયલ મીડિયાનો પ્રભાવ છવાયો છે. આવા સંજોગોમાં યુકેમાં રહીને આપણા પટેલ સાહેબ સમાજને સાચી દિશા ચીંધવાના પત્રકારત્વ, મૂલ્યો સાથે જોડાયેલા છે.
હું સૌ પહેલા 1996માં લંડન ગયો હતો ત્યારે સી.બી.ને પહેલી વખત તેમની ઓફિસમાં મળવાનું થયું હતું. પરંતુ, ત્યાં બેઠા બેઠા સતત ગુજરાતની ચિંતા અને ગુજરાત પ્રત્યે તેમનો પ્રેમ નિહાળ્યો છે. આજે પણ વીડિયો કોન્ફરન્સથી તેમની સાથે વાત થઈ તો દિલ્હીના સમાચારથી તેઓ એટલા ખુશ જણાયા હતા. તેઓ દેશની ચિંતા કરે છે અને લોકો સાથે જોડાયેલા છે. આવા સી.બી. પટેલ સાથે વર્ષો સુધી જોડાયેલા રહીને જ્યોત્સનાબહેન શાહ અને કોકિલાબહેન પટેલ ઘડાયાં છે. એ પણ એમનું સદ્ભાગ્ય છે કે તેમણે આટલાં વર્ષ સળંગ કામ કર્યું. તેમણે વધુમાં કહ્યું કે, મને જ્યોત્સનાબહેને આમંત્રણ આપ્યું કે અમારો કાર્યક્રમ છે, મુખ્ય અતિથિવિશેષ તરીકે ખાસ ઉપસ્થિત રહેજો, અને મને પણ બહુ આનંદ થયો આવા શુભ પ્રસંગે નિમિત્ત બનવાનો મને મોકો મળ્યો તે મારા માટે આનંદની વાત છે. હું આ બંને બહેનો હજુ પણ શેષજીવન પત્રકારત્વના ક્ષેત્રમાં વધુ અને વધુ લોકોની સેવા કરતાં રહે તેવી શુભકામના પાછવું છું.
આ પછી, વિજયભાઈ રુપાણી અને જોરાવરસિંહ જાદવના હસ્તે માયાબહેન દીપકનું સન્માન કરવામાં આવ્યું હતું.
બાદમાં, માયાબહેનના હસ્તે જ્યોત્સનાબહેન શાહ અને કોકિલાબહેન પટેલનું સ્મૃતિભેટ સાથે સન્માન કરવામાં આવ્યું હતું.
એક નિરાભિમાની, નિ:સ્વાર્થ, મૂલ્યનિષ્ઠ રાજનીતિને વરેલા આગવી કોઠાસૂઝ ધરાવતા જીવદયાપ્રેમી, જૈન સમાજના પનોતા પુત્ર શ્રી વિજયભાઇ રૂપાણીના આત્માને ABPL પરિવાર ભાવસભર સ્મરણાંજલિ, ગુણાંજલિ અને ભાવાંજલિ નતમસ્તકે પાઠવે છે.
એક મોટા ગજાના કદાવર રાજનેતા શ્રી વિજયભાઇ અરિહંતશરણ પામ્યાના વાયુવેગે પ્રસરેલા સમાચારે માતમની લાગણી છવાઇ ગઇ. દેશવિદેશમાં વસતા એમના ચાહકોના શોક સંદેશાઓ અને શ્રધ્ધા સુમનનો જાણે ધોધ વરસી ઉઠ્યો. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી વિજયભાઇના જીવનસંગિનીને આશ્વાસન આપવા એમના ગાંધીનગરના નિવાસસ્થાને પહોંચ્યા ત્યારે તેઓ પોતે જ ગળગળા અને ભાવુક બની ગયા હતા.
ઓમ શાંતિ: શાંતિ: શાંતિ: