ધાર્મિક-આધ્યાત્મિક, યોગ, રાજકારણ, સમાજ, રમત-ગમત, વૈશ્વિક અને દેશવિદેશના લગભગ તમામ મુદ્દા પર ગહન ચર્ચા માટે સાર્વત્રિક લોકચાહના પ્રાપ્ત કરી રહેલા ગુજરાત સમાચારના ખાસ ઝૂમ કાર્યક્રમ ‘સોનેરી સંગત’નો 6 ફેબ્રુઆરીએ પ્રકાશિત થયેલો 46મો અધ્યાય રંગબેરંગી બની રહ્યો. આ કાર્યક્રમ રંગબેરંગી હોવાનું કારણ તેનો મુખ્ય વિષય વસંતપંચમી રહ્યો. ઋતુઓના રાજા વસંતના આગમન અને વસંત પંચમી ઉપરાંત ‘સોનેરી સંગત’માં ગાંધીનિર્વાણ દિન અંગે પણ ચર્ચા કરવામાં આવી.
કાર્યક્રમનું સંચાલન કરતાં પૂજા રાવલે વસંત ઋતુ અંગે વાતાવરણ બાંધતાં કહ્યું કે, ‘જુઓ રુડો આ ઋતુરાજ આવ્યો, મુકામ એણે વનમાં જમાવ્યો...’ આ કાર્યક્રમમાં આપણે વસંત ઋતુનાં વધામણાં તો કરીશું જ સાથે સાથે નિર્વાણદિન નિમિત્તે ગાંધીજીને પણ યાદ કરીશું.
કાર્યક્રમની રૂપરેખા બાંધ્યા બાદ પૂજાબહેન રાવલે શબ્દસાધિકા અને ગાયિકા માયાબહેન દીપકને આમંત્રણ આપ્યું, જેમણે ‘જાગને જાદવા... કૃષ્ણ ગોવાળિયા’ ગીતથી સૌકોઈને ડોલાવ્યા હતા.
ભારતીબહેન વોરાએ આગળના કાર્યક્રમની ધુરા સંભાળતાં કહ્યું કે, વસંત પંચમી વિશિષ્ટ તહેવાર છે, જેમાં માનવ મનના નકારાત્મક વિચારોનો અંધકાર દૂર થાય છે અને નવી ઊર્જાનો સંચાર થાય છે. વસંત પંચમી ધાર્મિક દૃષ્ટિએ વાણી, વિદ્યા, જ્ઞાન અને કળાની દેવી સરસ્વતીની ઉપાસનાનો દિવસ છે.
વસંતના રંગે રંગાયેલાં ભારતીબહેન વોરાએ કહ્યું કે, જાણે રોજ નવા ઉમંગ સાથે સૂર્યોદય થાય છે. આ સમયે મન કહે છે કે, ‘ગાનારાને કોઈ ન ટાણું, ગાવું હોય તો ગાઈ લે ગાણું... વીતી કલને રોયા વિના, નૂતન કાલને ખોયા વિના ખેલતા જાઓ આજનું પાનું- વાય છે વાણું, ગાઈ લે ગાણું ગાનારાને કોઈ ન ટાણું.’
જ્યારે તમે મન મૂકી હસો અને વરસો છો ત્યારે વસંત ઋતુ મહોરે છે અને તમે ગાઈ ઊઠો છો કે, ‘જલસો પડી ગયો ભાઈ જલસો પડી ગયો, આ જિંદગી ખુશીથી ગુજારવાનો જલસો પડી ગયો.’ આ સમયે તેમણે પંકજભાઈ વોરાને યાદ કરતાં કહ્યું કે, પંકજ કહે છે કે, ‘આજે જીવન લાગે જીવવા જેવું. ખંડ-ખંડને અખંડ દોરે... સિવવા જેવું, છેલ્લા ફૂલ સુધી મોસમને દઉં મહેકાવી, શ્રુંગોના સૂરોને ગીત ખીણોનાં ગવડાવી, સૂના આંગણમાં સપનાના તુલસીક્યારા વાવી. નવા પહોરને લાગે ખીલવા જેવું, આજે જીવન લાગે જીવવા જેવું.’
જે બાદ ગળથૂંથીમાં જ સાહિત્યના સંસ્કાર મેળવનારાં, ટૂંકી વાર્તા માટે 1984માં ગુજરાતી સાહિત્ય ઉત્કર્ષ હરીફાઈના વિજેતા અને ગુજરાત સમાચારમાં 2010-11માં તેમની નવલકથાની શ્રેણી ‘કેડી ઝંખે ચરણ’ રજૂ કરનારા નયનાબહેન પટેલને ભારતીબહેને આવકાર્યાં. તેમના 2016માં પ્રકાશિત ‘આથમતી કોરનો ઉજાશ’ પુસ્તકને ગુજરાતી સાહિત્ય પરિષદે ઉત્તમ ડાયસ્પોરા સાહિત્ય તરીકે પુરસ્કૃત કર્યું છે.
નયનાબહેન પટેલઃ મને પ્રથમ વખત નવલકથા લખવા પ્રેરિત કરવાનો શ્રેય ગુજરાત સમાચાર અને સી.બી. પટેલને જાય છે. સી.બી. પટેલને શ્રેય આપ્યા બાદ નયનાબહેન પટેલ દ્વારા તેમની વાર્તા ‘વસંત પંચમી’નું મંચન કરવામાં આવ્યું, જેનાં પાત્ર દિવ્યાંગ સરસ્વતી (સતી), દાદીમા, દામિનીબહેન, નરેશભાઈ અને કેસરીનું સુંદર નિરૂપણ કરવામાં આવ્યું. (આ વાર્તા આગામી દિવસોમાં ગુજરાત સમાચારમાં પ્રકાશિત થશે.)
નયનાબહેન પટેલની વાર્તાના મંચન બાદ ભારતીબહેન વોરાએ ભદ્રાબહેન વડગામાને આમંત્રિત કરતાં જણાવ્યું કે, અનોખું વ્યક્તિત્વ ધરાવતાં ભદ્રાબહેને કારકિર્દીની શરૂઆત એક શિક્ષિકા તરીકે કેન્યામાં કરી હતી. જે બાદ તેઓ ડેપ્યુટી હેડ એડમિનિસ્ટ્રેશનના પદ સુધી પણ પહોંચ્યાં હતાં. 1973માં યુકે આવ્યા બાદ ડિપ્લોમા થઈ લાઇબ્રેરિયન તરીકે કારકિર્દીની નવી શરૂઆત કરી, જ્યાં 20 વર્ષના કાર્યને જોઈ પ્રિન્સેસ એન દ્વારા એવોર્ડ પણ મળ્યો હતો. તેમણે અનેક લેખ, નિબંધો, કવિતાઓ અને વાર્તાઓ પણ લખી છે.
ભદ્રાબહેન વડગામાઃ વસંત પંચમી એટલે કામદેવ અને રતિના પ્રથમ મિલનનો દિવસ. એટલે જ તેને મદનોત્સવ પણ કહેવાય છે. આ જ દિવસે શબરીનાં એંઠા બોર રામચંદ્રએ આરોગ્યા હતા, આ જ દિવસે ચાંદ કવિની કવિતાની ડોરે બંધાઈને અંધ મહારાજ પૃથ્વીરાજ ચૌહાણે શબ્દવેધી બાણની મદદથી મોહંમદ ઘોરીનો વધ કર્યો હતો. વસંત પંચમી એટલે સૂર અને શબ્દ, તો દેવી મા સરસ્વતીનો જન્મદિવસ પણ. વસંત પંચમી એટલે સાચા અર્થમાં ભારતીય વેલેન્ટાઇન્સ ડે.
કાર્યક્રમનો ગાંધી નિર્વાણદિનનો બીજો દોર શરૂ કરતાં ભારતીબહેન વોરાએ ડો. જગદીશભાઈ દવેને આમંત્રણ આપ્યું.
ડો. જગદીશભાઈ દવેઃ ગાંધીજી અંગે અવારનવાર એક સવાલ ઊભો થાય છે. ગાંધીવિચાર આજના સમયમાં ઉપયોગી ખરો? તે સમયે સમગ્ર શક્તિ ગાંધીવિચાર પ્રેરિત હતી તે સમય જુદો હતો. આજના કોમ્પ્યુટર યુગમાં રેંટિયોનો વિચાર જુનવાણી ન લાગે? જવાબ છે, આજના યુગમાં જ ગાંધીવિચાર વધુ જરૂરી બનતો જાય છે. ધર્મ અને જ્ઞાતિના વાડાનાં બંધનોથી પર માત્ર માનવધર્મ જ શ્રેષ્ઠ છે તે ગાંધીજીએ આચરી બતાવ્યું. આ ઉપરાંત જીવન આચરણ, વ્યવહારમાં સ્વચ્છતાના પાઠ, રાજકારણમાં અને અંગત જીવનમાં પારદર્શકતાનો પાઠ, પશ્ચિમી ઉદ્યોગીકરણનાં ભયસ્થાનો સામે ક્રાંતિ જગાવવાનો પાઠ અને ભારતના છેવાડાના માણસ સુધી શિક્ષણ વ્યવસ્થા માટે ગૂજરાત વિદ્યાપીઠ જેવી અનેક સંસ્થાઓ સ્થાપવા, અંગ્રેજી અને ગુજરાતી ભાષા વચ્ચે પીસાતાં બાળકો માટે માતૃભાષા અપનાવવા, ગીતાના અનાશક્તિ યોગને પોતે આચરી લોકોએ વ્યવહારમાં કેમ ઉતારી શકાય તેના પર ગાંધીજીએ ભાર મૂક્યો હતો.
ભદ્રાબહેને પોતાની યાદો વાગોળતાં જણાવ્યું કે, 1947-48ના એ સમયે ઝાંઝિબારના એ વિસ્તારની સાંકળી ગલીઓમાં લગભગ વસ્તી ભારતીયોની હતી. વહેલી પરોઢિયે કિશોરો પ્રભાતફેરીમાં ભાગ લેતા અને ‘જાગો-જાગો વાનરસેના આવે છે’નો સૂત્રોચ્ચાર કરતા. પ્રભાતફેરીની આગેવાની કરતો કિશોર હાથમાં અશોકચક્ર નહીં રેંટિયા સાથેનો તિરંગો લઈને ચાલતો, કારણ કે તે આઝાદી પહેલાં તિરંગા પર રેંટિયો હતો. ગાંધી નિર્વાણદિને અમે હવનનું આયોજન કર્યું હતું અને સમગ્ર ઝાંઝિબારના ભારતીયોએ તેમાં ભાગ લીધો હતો. મને યાદ છે કે તેમના અસ્થિ પણ નાઇલ નદીમાં પધરાવવા પૂર્વ આફ્રિકામાં મોકલાયા હતા, જેનાં દર્શન કરવા અમે ગયાં હતાં.
ભદ્રાબહેનની યાદો જાણ્યા બાદ ભારતીબહેને સિનિયર સોફ્ટવેર ડેવલપર, ભરતનાટ્યમના શિક્ષક અને પર્ફોર્મર અને ગુજરાતીમાં રેડિયો પ્રોગ્રામ કરતાં નિમિષાબહેન પરમારને આવકાર આપ્યો.
નિમિષાબહેન પરમારઃ 30 જાન્યુઆરી 1948એ બાપુએ તેમનો અંતિમ શ્વાસ લીધો, પરંતુ તેમના વિચારો આજે પણ અમર છે. જોગાનુજોગ ગત અઠવાડિયે હું અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતે હતી. 1915થી 1948 સુધીની મોહનથી મહાત્મા સુધીની સફર મેં જાણી. 1915માં ભારત પરત ફર્યા ત્યારથી 1948 સુધીમાં 2100થી વધુ દિવસ જેલમાં વિતાવ્યા. ભારતના પ્રથમ જેલવાસ સમયે તેમની ઉંમર 53 વર્ષ હતી, જ્યારે છેલ્લા જેલવાસ સમયે તેમની ઉંમર 73 વર્ષની હતી. 79 વર્ષના જીવનમાં ગાંધીજી પર 12 વખત હુમલા થયા, જે પૈકી દક્ષિણ આફ્રિકામાં 4 વખત અને ભારતમાં 8 વખત હત્યાના પ્રયાસે હુમલા થયા. દર રવિવારની સાંજથી સોમવારની સાંજ સુધી તેઓ મૌનવ્રત પાળતા હતા. જો કે પ્રથમ વખત આશ્રમના સંચાલક મગનલાલ ગાંધીનું બિહારમાં મૃત્યુ થતાં તેમના પરિવારને આશ્વાસન આપવા તેમણે મૌનવ્રત તોડ્યું હતું.
આફ્રિકાથી પરત ફર્યા બાદ ભારતના 12,075 દિવસ પૈકી 5217 દિવસ ગાંધીજીએ ભારતના સેંકડો ગામની મુલાકાત લીધી અને હજારો લોકોના સીધા સંપર્કમાં આવ્યા.
ઉલ્લેખનીય છે કે ગાંધીજી બંને હાથે લખી શકતા હતા. તેમના ડાબા હાથના અક્ષર સુવ્યવસ્થિત હતા. વર્ષ 1909માં તેઓ ઇંગ્લેન્ડથી દક્ષિણ આફ્રિકાની સ્ટીમરની મુસાફરીમાં હતા ત્યારે લખેલા પુસ્તક હિન્દ સ્વરાજ્યમાં તેમના બંને હાથના અક્ષર જોઈ શકાય છે. જ્યારે જમણો હાથ થાકી જતો ત્યારે ડાબા હાથથી લખવાનું શરૂ કરી દેતા.
પત્રકાર-તંત્રી તરીકે ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં ગુજરાતી, અંગ્રેજી, હિન્દી, તમિળ, ઉર્દૂ સાથે ભારતીય આંદોલન ચલાવ્યું. તો ભારત આવ્યા બાદ ગુજરાતી અને હિન્દીમાં અમદાવાદના નવજીવન અને અંગ્રેજીમાં યંગ ઇન્ડિયા જેવાં અખબારોનું તંત્રીપદ તેમણે સંભાળ્યું. અસ્પૃશ્યતા નિવારણની ઝુંબેશ આગળ વધારવા ગાંધીજીએ હરિજન (અંગ્રેજી), હરિજનબંધુ (ગુજરાતી) અને હરિજન સેવક (હિન્દી) જેવાં અખબારો શરૂ કરાવ્યાં, જે તેમના વિચારોનું પ્રમાણભૂત માધ્યમ બન્યાં.
નિર્વાણદિન નિમિત્તે ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપતાં સુંદર માહિતી પિરસાયા બાદ પ્રકાશક-તંત્રી સી.બી. પટેલે જણાવ્યું કે, આજના કાર્યક્રમમાં ગાગરમાં સાગર સમાયો છે. એક સુંદર કાર્યક્રમ થયો અને તેમાં પણ નારીશક્તિએ વસંત પંચમી અને ગાંધી નિર્વાણદિને પોતાના જ્ઞાનની સરવાણી વહાવી તે સરાહનીય રહી.