અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના તમામ વેપાર ભાગીદાર દેશો પર વળતી ટેરિફ લાદવાની કરેલી જાહેરાતે સમગ્ર વિશ્વમાં ચિંતા અને અનિશ્ચિતતાનું વાતાવરણ સર્જી દીધું છે. અમેરિકાની મુલાકાતે ગયેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેના સંયુક્ત નિવેદન દરમિયાન પણ ટ્રમ્પે રેસિપ્રોકલ ટેરિફનો પુનરોચ્ચાર કર્યો હતો. લાંબા સમયથી ટ્રમ્પ આરોપ મૂકતા રહ્યા છે કે ભારત અમેરિકી ઉત્પાદનો પર જંગી જકાતની વસૂલાત કરી રહ્યો છે. ટ્રમ્પની વાત ખોટી પણ નથી. અમેરિકા ભારતીય આયાતો પર જેટલી જકાતની વસૂલાત કરે છે તેના 10 ટકા કરતાં પણ વધુ જકાત ભારત અમેરિકાથી થતી આયાત પર વસૂલે છે. ટ્રમ્પ ગણિતનો સીધો દાખલો ગણી રહ્યા છે કે અમેરિકામાં ઉત્પાદન કરો તો તમારે જકાત નહીં ભરવી પડે.
ટ્રમ્પનો આ નિર્ણય ભારત માટે અત્યંત ગંભીર અને મહત્વનો છે. ટ્રમ્પના વળતા જકાત પ્રહારથી જે દેશો પર સૌથી વધુ અસર થવાની છે તેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. ભારત અમેરિકી સામાન પર સરેરાશ 9.5 ટકા ટેરિફ વસૂલે છે જેની સામે અમેરિકા ભારતીય સામાન પર સરેરાશ 3 ટકા ટેરિફની વસૂલાત કરે છે.
ટ્રમ્પના ટેરિફ વોરના દુરોગામી પરિણામોનો ભારતે સામનો કરવો પડી શકે છે. ભારતની ફૂડ પ્રોડક્ટ્સ, વેજિટેબલ્સ, ટેક્સટાઇલ્સ અને ક્લોથિંગ સેક્ટરોને સૌથી મોટો ફટકો પડી શકે છે. ઇલેક્ટ્રિકલ મશીનરી, કિંમતી રત્નો અને જ્વેલરી, દવાઓ, ઓટોમોબાઇલ્સ, પોલાદ અને સ્ટીલ જેવી મહત્વની નિકાસો પણ ભારત અમેરિકામાં કરે છે. આ તમામ નિકાસો પર ટેરિફની અસર વર્તાઇ શકે છે.
ભારત અમેરિકા સાથેના વેપાર તણાવને ઘટાડવા માટે અમેરિકાના 30 કરતાં વધુ ઉત્પાદનો પરની જકાત ઘટાડવા અને અમેરિકાથી ડિફેન્સ અને એનર્જી ગૂડ્સની આયાતમાં વધારો કરવા વિચારણા કરી રહ્યો છે. જોકે ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર સંબંધ ઘણા જટિલ છે. ટ્રમ્પની ટેરિફ બંને દેશના બિઝનેસ અને ગ્રાહકો પર લાંબા ગાળાની અસરો સર્જી શકે છે. જોકે બદલાઇ રહેલી વૈશ્વિક કૂટનીતિક પરિસ્થિતિ અને ભારતના વધી રહેલું આર્થિક કદ ટ્રમ્પને કંઇક જતું કરવા મજબૂર કરી શકે છે. આજે ભારતનું નાક દબાવવું એટલું સરળ નથી. ભારતે પણ ટ્રમ્પની ધમકીઓને વશ થયા વિના કુનેહપુર્વક સોદાબાજી કરવી પડશે કારણ કે ભારતનું વિશાળ બજાર ગુમાવવા ટ્રમ્પ પણ તૈયાર નહીં હોય. એ વાતમાં કોઇ શંકા નથી કે આગામી સમયમાં બંને દેશ વચ્ચે આકરી સોદાબાજી થવાની જ છે એ માનસિક તૈયારી સાથે વડાપ્રધાન મોદીએ ભવિષ્ય માટેના નિર્ણયો લેવાં પડશે.
ભારતના વડાપ્રધાન મોદીની અમેરિકા યાત્રા દરમિયાન બંને દેશ વચ્ચેનો વેપાર 2030 સુધીમાં 500 બિલિયન ડોલર પર પહોંચાડવાનો લક્ષ્યાંક નક્કી કરાયો છે પરંતુ તેનો આધાર એક હાથ લે ઔર દૂજે હાથ દેની નીતિ પર રહેલો છે. ભારત અમેરિકાને જેટલી વેપાર સુવિધા આપશે તેટલી ટ્રમ્પ પાસેથી મેળવી શકશે. હાલ પુરતું તો ટેરિફમાં વધારો ગ્રાહકો માટે મોંઘવારી નોતરશે અને બિઝનેસો માટે સ્પર્ધાત્મકતા ઘટાડશે પરંતુ લાંબાગાળે ભારત અને અમેરિકા વચ્ચેની વેપાર ભાગીદારી વધુ સંતુલિત બની શકે છે.