ખસ્તાહાલ એનએચએસની સેવાઓ બહેતર બનાવવા માટે સ્ટાર્મર સરકારે મોટો જુગાર રમ્યો છે. કોરોના મહામારી બાદ એનએચએસની સેવાઓ તદ્દન ખાડે ગઇ હતી અને હજુ તેમાં કોઇ નોંધપાત્ર સુધારો જોવા મળી રહ્યો નહોતો. એએન્ડઇ, ક્રિટિકલ કેર અને ડેન્ટલ કેર ઝંખતા લાખો દર્દીઓને અક્ષમ્ય વિલંબનો સામનો આજે પણ કરવો પડી રહ્યો છે. આવી સ્થિતિમાં ગયા સપ્તાહમાં વડાપ્રધાન સર કેર સ્ટાર્મર દ્વારા એનએચએસ ઇંગ્લેન્ડને નાબૂદ કરી આરોગ્ય સેવાઓ સરકાર હસ્તક લેવાની જાહેરાત કરવામાં આવી. લાખ રૂપિયાનો સવાલ એ છે કે શું એનએચએસની સેવાઓમાં સુધારો આવી જશે?
એનએચએસને સરકારના હસ્તક્ષેપથી દૂર રાખવાના 12 વર્ષના પ્રયોગનો એક રીતે અંત આવી ગયો છે તેમ છતાં હવે સરકાર દ્વારા એનએચએસની કામગીરી સુધારવા માટે કેવા પ્રકારના પગલાં લેવાશે અને આ જવાબદારી કેટલા અંશે સરકાર સફળતાપુર્વક નિભાવી શકશે તે અંગેના અસંખ્ય સવાલોનો જવાબ હાલ પુરતો તો દેખાઇ રહ્યો નથી. અત્યારે તો એમ જ લાગી રહ્યું છે કે 2010ના દાયકામાં એનએચએસનો પ્રારંભ કરાયો ત્યારે પ્રવર્તતી અંધાધૂંધી હવે પછીના સમયમાં પણ જોવા મળી શકે છે. તે સમયે એનએચએસને રાજકીય માઇક્રોમેનેજમેન્ટમાંથી મુક્ત કરીને સ્વતંત્ર બોર્ડ હસ્તક સોંપવાનો પ્રયોગ કરાયો હતો જે આજે 12 વર્ષે સંપુર્ણપણે નિષ્ફળ ગયો હોવાનું પૂરવાર થઇ ચૂક્યું છે.
જોકે આમ થયા બાદ પણ એનએચએસને સંપુર્ણ સ્વતંત્રતા તો ક્યારેય પ્રાપ્ત થઇ નહોતી. એનએચએસના ટ્રસ્ટોને ભંડોળ માટે તો હંમેશા સરકારો પર જ આધારિત રહેવું પડ્યું હતું. એનએચએસની કામગીરી મોનિટર કરતા સરકારી અધિકારીઓની સંખ્યામાં ઉત્તરોતર વધારો થતો રહ્યો હતો. એનએચએસ અને ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ સોશિયલ કેરના અધિકારીઓ દ્વારા પોતાની રીતે લેવાતા નિર્ણયોના કારણે નીતિઓમાં પણ ટકરાવ જોવા મળી રહ્યો હતો.
સરકાર હવે આ ટકરાવોને દૂર કરવાનો જોખમી જુગાર રમી રહી છે. નિષ્ણાતોના સ્થાને હવે સરકારી અધિકારીઓ અને રાજકીય નેતાઓ એનએચએસ એટલે કે જાહેર આરોગ્યનું ભાવિ નક્કી કરશે. લેબર સરકારનો એકમાત્ર ધ્યેય તો ખર્ચમાં કાપ મૂકવાનો છે. ડુપ્લિકેશન નાબૂદ કરવાની નીતિ હજારો નોકરીઓનો ભોગ લેશે તો સાથે કર્મચારીઓની ઘટેલી સંખ્યા આરોગ્ય સેવાઓની કાર્યક્ષમતાને જરૂર પ્રભાવિત કરવાની છે. સરકાર હાલ તો લાંબાગાળાના ફાયદા ગણાવી રહી છે પરંતુ તે કેટલા સફળ થશે તે તો સમયને જ આધિન રહેશે....
