ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં 39 અપ જાફર એક્સપ્રેસ પેશાવર જવા માટે 11 માર્ચે સવારે 9 વાગ્યે ક્વેટાથી રવાના થઈ હતી. બપોરે 1 વાગ્યે તે ટ્રેનને હાઇજેક કરી લેવામાં આવી હતી. 11 માર્ચે બપોરે 1 વાગ્યે બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA)એ ટ્રેનને નિશાન બનાવી એન્જિન પર રોકેટ લોન્ચરથી હુમલો કર્યો હતો. જે બાદ 14 માર્ચે પાકિસ્તાન આર્મી પ્રથમ વખત મીડિયાને લઈને ઘટનાસ્થળે પહોંચી હતી, જ્યાંનું દૃશ્ય ખૂબ જ ભયાવહ હતું. ઠેકઠેકાણે લાશો પડી હતી. હવે રેસ્ક્યૂ ઓપરેશન પૂર્ણ થયા બાદ બીએલએ દ્વારા દાવો કર્યો છે કે, એક સમયે 200થી વધારે મુસાફરો અમારા કબજામાં હતા, જેને મારી નાખવામાં આવ્યા છે. જો કે પાકિસ્તાની આર્મી આ અંગે ચુપકીદી સેવી રહી છે.
પાકિસ્તાન સેનાનો દાવો
પાકિસ્તાન આર્મીના બ્રિગેડિયર ઉમર અલ્તાફે જણાવ્યું કે, આ વિસ્તારમાં ટ્રેનથી દૂર પહાડો પર પણ લાશો પડી હતી, જ્યારે જાફર એક્સપ્રેસ ટ્રેનની આસપાસ પણ લાશો વિખરાયેલી પડી હતી. આ તમામ લાશો બીએલએના લડાકુઓની છે, જે રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન સેનાની ગોળીઓનો શિકાર બની ગયા છે. રેસ્ક્યૂ ઓપરેશન એટલે મુશ્કેલ હતું, કારણ કે બંધકોની વચ્ચે કેટલાક સ્યૂસાઇડ બોમ્બર પણ ઊભા હતા. સૌપ્રથમ તેમની ઓળખ કરી સ્નાઇપર્સે તેમને નિશાન બનાવ્યા હતા. આ સમગ્ર ઓપરેશન દરમિયાન 31 લોકોનાં મોત થયાં, જેમાં 23 સેનાના જવાન, 3 રેલવે કર્મચારી અને 5 મુસાફરનો સમાવેશ થાય છે. ઓપરેશનમાં જાફર એક્સપ્રેસના 354 બંધકને મુક્ત કરાવાયા હતા.
214 સૈનિક બંધકો હોવાનો બીએલએનો દાવો
પાકિસ્તાન દ્વારા 354 બંધકોને મુક્ત કરાવવાની સામે બીએલએ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, અમારી પાસે કુલ 214 સૈનિક બંધકો હતા, જે તમામને મારી નાખવામાં આવ્યા છે. જો કે બીએલએ દ્વારા આ અંગેનો કોઈ પુરાવો નથી અપાયો. મુસાફરોએ જણાવ્યું છે કે, બીએલએએ જે લોકો પરિવાર સાથે હતા તેમને રવાના કરી દીધા હતા. પૂછપરછ કરી બલૂચ લોકોને અને ફોર્સ સાથે જોડાયેલા લોકોને અલગ કરાયા હતા, જેમાંથી કેટલાક લોકો તો વર્દીમાં જ હતા જેમને બીએલએએ પહેલા દિવસે જ ગોળી મારી દીધી હતી. તે દિવસે ટ્રેનમાં 200થી વધારે પાકિસ્તાની સેના, ISI અને પોલીસ કર્મચારીઓ મુસાફરી કરી રહ્યા હતા.
ક્યાં છે બીએલએના 33 લડાકુઓની લાશ?
પાકિસ્તાન સેનાના પ્રવક્તા પ્રમાણે ટ્રેન હાઇજેકિંગમાં જેટલા લોકોનાં મોત થયાં છે તેમની લાશો ક્વેટા રેલવે સ્ટેશન પર લાવવામાં આવી છે, જ્યાંથી લાશોને તેમના ઘરે રવાના કરી દેવાઈ છે. બીએલએના માર્યા ગયેલા 33 લડાકુની લાશ અંગે પાકિસ્તાન સેના કે બીએલએ દ્વારા કોઈ જાણકારી આપવામાં આવી નથી.
એક સપ્તાહમાં 2500 પાક. સૈનિકોએ સેના છોડી
તાજેતરમાં પાકિસ્તાની સેના પર બલૂચઅને અન્ય બળવાખોરોએ હુમલા વધારી દીધા છે, ત્યારે પાકિસ્તાની સેનાની અંદર આ હુમલાની ગંભીર અસર જોવા મળી. અહેવાલ પ્રમાણે વધતા હુમલા વચ્ચે મોટી સંખ્યામાં સૈનિકો સેનાની નોકરી છોડવા લાગ્યા છે. રિપોર્ટમાં દાવો કરાયો છે કે, એક સપ્તાહમાં જ પાક. સેનાથી 2500 સૈનિકોએ રાજીનામાં આપી દઈ નોકરી દીધી છે.
બલૂચો બાદ ટીટીપીએ મોરચો ખોલ્યો
પાકિસ્તાનમાં મંગળવારે બલૂચિસ્તાન લિબરેશન આર્મી (બીએલએ) દ્વારા જાફર એક્સપ્રેસ ટ્રેનને હાઇજેક કર્યાબાદ તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી)એ પણ મોરચો ખોલ્યો છે. જેના પગલે પાકિસ્તાન આર્મી માટે વધુ એક સંકટ ઊભું થયું છે. ટીટીપીએ પાકિસ્તાન સેનાને ‘કેન્સર’ ગણાવતાં કહ્યું કે, તે ઓપરેશન (અલ-ખંદક) દ્વારા સેનાને નિશાન બનાવશે.