છેલ્લા 3 વર્ષથી ચાલી રહેલા રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો અંત લાવવા માટે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ મોટો જુગાર રમી રહ્યાં છે. ટ્રમ્પ અને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન વચ્ચે સામ, દામ દંડ અને ભેદની પરદા પાછળની લડાઇ હાલ ચરમ પર ચાલી રહી છે. ટ્રમ્પ આ યુદ્ધના અંતમાંથી અમેરિકા માટે લણી શકાય તેટલા લાભ લણી લેવાની ગણતરી સાથે આગળ વધી રહ્યાં છે તો પુતિન યુરોપમાં રશિયાનું સ્થાન મજબૂત કરવા તમામ પગલાં ફૂંકી ફૂંકીને ચાલી રહ્યા છે. જો આ કૂટનીતિમાં ટ્રમ્પ સફળ થશે તો દાયકાના સૌથી વિનાશકારી યુદ્ધ પૈકીના એકનો અંત આવી શકે છે પરંતુ જો નિષ્ફળ જશે તો યુક્રેનનું સાર્વભૌમત્વ અને અસ્તિત્વ દાવ પર લાગી જશે.
ટ્રમ્પ બંને દેશ વચ્ચે શાંતિ સ્થાપવાના બણગા તો ફૂંકી રહ્યા છે પરંતુ પુતિન સાથેની તેમની વાતચીતના પરિણામની સીધી અસર તો યુક્રેનને થવાની છે અને દુર્ભાગ્યની વાત એ છે કે આ શાંતિ મંત્રણામાં યુક્રેનનું કોઇ પ્રતિનિધિત્વ જ નથી. એક મહાસત્તા સામે ત્રણ ત્રણ વર્ષથી બાથ ભીડી રહેલા ખમીરવંતા દેશ માટે આનાથી વિપરિત અને ગંભીર સ્થિતિ શું હોઇ શકે?
યુક્રેન માટે તો આગળ ખાઇ અને પાછળ કૂવાની જ સ્થિતિ છે કારણ કે આ સોદામાં યુક્રેનના જ આર્થિક, ઉર્જા, ખનીજ અને પ્રાદેશિક હિતો દાવ પર લાગી રહ્યાં છે. જે કોઇ બાંધછોડ કરવાની છે તે યુક્રેને જ કરવાની આવશે. ડોનાલ્ડ ટ્રમ્પે તો સ્પષ્ટ કરી દીધું છે કે યુદ્ધમાં અમેરિકા તરફથી અપાયેલી તમામ પ્રકારની સહાયની કિંમત યુક્રેને ચૂકવવાની જ છે. આ માટે અંકલ સેમે યુક્રેનને તેના ખનીજ ભંડારો અમેરિકાને સોંપી દેવા મજબૂર પણ કરી દીધો છે. બીજીતરફ રશિયા યુક્રેનના જીતી લીધેલા મહત્વના પ્રદેશો પરત કરે તેવી કોઇ સંભાવના નથી અને પુતિને આ મામલે સ્પષ્ટ સંકેત પણ આપી દીધાં છે. રશિયા જે શરતો અમેરિકા સામે પ્રસ્તુત કરી રહ્યો છે તે ટ્રમ્પની શાંતિ કરાર કરાવવાની કુશળતાની અગ્નિપરીક્ષા બની રહેશે.
અમેરિકા અને રશિયા દ્વારા યુદ્ધવિરામ સંભવિત બને તો પણ તેની અસરો લાંબાગાળા સુધી રહેશે. યુદ્ધ વિરામ સફળ રહેશે તો વૈશ્વિક પરિમાણોમાં નોંધપાત્ર બદલાવો જોવા મળશે. પરંતુ આ મામલામાં કોઇપણ નિષ્ફળતા વિશ્વમાં સરમુખત્યારી પરિબળોને વધુ મજબૂત બનાવશે.
