બલુચિસ્તાન, સિંધ, ખૈબર પખ્તુનવા અને પંજાબમાં ચાલી રહેલા ઘટનાક્રમો દર્શાવે છે કે પાકિસ્તાન પતનના આરે પહોંચી ગયો છે. 1947માં ભારત સાથે આઝાદ થઇ અસ્તિત્વમાં આવેલા પાકિસ્તાનમાં અત્યાર સુધીની લશ્કરી સરમુખત્યારશાહી, વંશીય દમન અને આર્થિક ગેરવહીવટના કારણે એક અફર કટોકટીનું નિર્માણ થયું છે. પાકિસ્તાનમાં બેફામ બની રહેલી અલગતાવાદી ચળવળોએ ઉઠાવેલા શસ્ત્રો દર્શાવી રહ્યાં છે કે પાકિસ્તાનના દહાડા ભરાઇ ગયા છે અને તેમાં ગમે ત્યારે ભંગાણ સર્જાઇ શકે છે.
પાકિસ્તાની શાસકો અને સેનાની દાયકાઓ લાંબી લૂટના કારણે કુદરતી સ્ત્રોતોથી સમૃદ્ધ છતાં સૌથી ગરીબ રહી ગયેલા બલુચિસ્તાનમાં બળવાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. તાજેતરમાં બલૂચ બળવાખોરો દ્વારા પાકિસ્તાની સેના પર થયેલા હુમલા દર્શાવે છે કે હવે પાણી માથા ઉપરથી વહી રહ્યું છે. આવો જ કંઇક અસંતોષ ખૈબર પખ્તુનવા અને સિંધ પ્રાંતમાં પણ જોવા મળી રહ્યો છે અને તાજેતરમાં બલોચ, સિંધી અને પશ્તુન નેતાઓએ હાથ મિલાવતા સ્થિતિ વધુ વિકરાળ બને તેવી સંભાવના છે. બલુચિસ્તાનની જેમ સિંધમાં પણ આઝાદીની હૂતાશન ઉગ્ર બની રહી છે. સિંધી બળવાખોરોની તાજેતરની પ્રવૃત્તિઓ છેક ઇસ્લામાબાદ સુધી પહોંચી છે તો ખૈબર પખ્તુનવાના પશ્તુનોમાં પણ રાષ્ટ્રવાદ પ્રબળ બની રહ્યો છે. અહીં તેહરિક એ તાલિબાન પાકિસ્તાન સક્રિય છે અને લાંબાસમયથી પાકિસ્તાની સેનાને હંફાવી રહ્યું છે.
બીજીતરફ પાકિસ્તાની કબજા હેઠળના કાશ્મીરમાં પાકિસ્તાની શાસકો સામેનો જુવાળ ઉગ્ર બની રહ્યો છે. ભારતના નિયંત્રણ હેઠળના જમ્મુ-કાશ્મીરમાં વિકાસને જોઇ પીઓકેના લોકો હવે સારી રીતે સમજી ગયાં છે કે પાકિસ્તાની શાસકોએ તેમનું શોષણ જ કર્યું છે. પીઓકેના મોટાભાગના લોકો ભારત સાથે જોડાઇ જવાની તરફેણ કરી રહ્યાં છે. આમ પાકિસ્તાનનો ઘટનાક્રમ સ્પષ્ટ સંકેત આપી રહ્યો છે કે ધર્મના આધારે રચાયેલો દેશ ચાર ટુકડામાં વિભાજિત થવાની દિશામાં આગળ વધી રહ્યો છે.
