સોનેરી સંગતમાં સ્ત્રીનું મહાત્મ્ય સમજાવતાં અનુરાધા પૌડવાલ-ભાવિની જાની

બાદલ લખલાણી Tuesday 18th March 2025 05:52 EDT
 
 

ગુજરાત સમાચારના વિશેષ ઝૂમ કાર્યક્રમ ‘સોનેરી સંગત’નો 50મા અધ્યાય 8 માર્ચે યોજાનારા મહિલાદિનને સમર્પિત રહ્યો. આ નિમિત્તે ખ્યાતિપ્રાપ્ત ગાયિકા પદ્મશ્રી અનુરાધા પૌડવાલે ખાસ સોનેરી સંગતમાં હાજરી આપી હતી. તો ગુજરાતી રંગમંચ અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ત્રણ-ત્રણ દાયકા સુધી પોતાની છાપ પાડનારાં ભાવિનીબહેન જાની પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
કાર્યક્રમની શરૂઆત અનુરાધા પૌડવાલે તેમના સૂરીલા કંઠે ‘યા દેવી સર્વભૂતેષુ...’ શ્લોક અને શિવસ્તુતિ ‘ૐકાર બિંદુસંયુક્ત, નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ, ૐકારાય નમોનમઃ’ પ્રસ્તુત કરી હતી. ઉલ્લેખનીય છે કે આ શિવસ્તુતિથી જ અનુરાધાજીની સંગીત સફર શરૂ થઈ હતી. અમિતાભ બચ્ચન અને જયા ભાદુરી અભિનિત ફિલ્મ અભિમાનમાં આ શિવસ્તુતિનું રીટા ભાદુરી પર ફિલ્માંકન કરાયું હતું, જેનો કંઠ અનુરાધાજી દ્વારા આપવામાં આવ્યો હતો.
કાર્યક્રમનું સંચાલન કરતાં જ્યોત્સનાબહેન શાહે અનુરાધાજીને પૂછયું કે, તમે અનેક લોકો માટે પ્રેરણાસ્રોત રહ્યાં છો, તમારા માટે શું મહત્ત્વનું છે?
અનુરાધાજીઃ વિશ્વભરમાં મહિલાઓએ ઘણી પ્રગતિ અને ઊંચાઈ મેળવી છે. આપણે જેની પૂજા કરીએ છીએ તે માતાજી પણ એક મહિલા છે. એક મહિલાને કેવું હોવું જોઈએ તે નવરાત્રીનાં રૂપોમાં જોવા મળે છે. માતા ખૂબ દયાળુ છે, સાથોસાથ ખૂબ શક્તિશાળી પણ છે. સાચા અર્થમાં સ્ત્રીનું રૂપ તે જ હોય છે.
• તમે સંગીત પ્રત્યે કેવી રીતે આકર્ષિત થયાં અને આપનો પ્રેરણાસ્રોત કોણ છે?
લતાજી મારો પ્રેરણાસ્રોત છે. મને નાનપણથી જ સંગીત પ્રત્યે રસ હતો. એસ.ડી. બર્મને મારો અવાજ સાંભળ્યો અને ગીત રેકોર્ડ કર્યું, જે બાદ અન્ય મ્યુઝિક ડિરેક્ટર્સ દ્વારા પણ મને સતત બોલાવાતી રહી હતી.
• આપ દ્વારા ગવાયેલા અગણિત ગીતો પૈકી એવું કયું ગીત છે, જે તમારા દિલની સૌથી નજીક હોય?
એવાં ગીત તો અનેક છે. દુર્ગા સપ્તશતી, શિવજીના અનેર સ્ત્રોત, ગંગાજીની આરતી છે, જેમાંથી એકનું નામ લેવું અયોગ્ય છે.
• 80અને 90ના દશક બોલિવૂડ સંગીતનો સ્વર્ણિમ યુગ હતો, એ યુગની એવી કઈ વિશેષતા હતી?
નેવુંનાં ગીતો આજે પણ લોકો ગાય છે અને તેના પહેલાંનાં ગીતો પણ. જોકે ’90ના નામ પર ‘આશિકી’, ‘દિલ હૈ કિ માનતા નહીં’ જેવી ફિલ્મોનાં ગીતો જાણીતાં છે. કોઈકોઈ એવા સ્ટાર ભેગા થાય છે અને બહુ સારું મ્યુઝિક બને છે, તે વખણાય જ છે.
• સંગીત ઉદ્યોગમાં એક મહિલાના રૂપમાં તમને કયા-કયા પડકારોનો સામનો કરવો પડ્યો?
સૌથી મોટો પડકાર પોતાની જાત સાથે જ હોય છે. દરેક વખતે તમારું પર્ફોર્મન્સ સારામાં સારું કેવી રીતે આપો.
• તમારો યાદગાર અનુભવ હોય તે અમને જણાવો.
મેં જ્યારે લતાજીનું ગીત સૌપ્રથમ વાર સાંભળ્યું તો તે મારો દૈવીય અનુભવ હતો. જાણે કે સ્વર્ગમાંથી આવતો અવાજ. આ પળ હું ક્યારેય ભૂલી શકીશ નહીં. બસ ત્યારથી હું લતા મંગેશકરથી પ્રેરિત થઈ. મેં કોઈ સંગીતની પ્રેક્ટિસ લીધી નથી. માત્ર લતાજીએ ગાયેલી ભગવદ્ ગીતા સાંભળીને તે ગાઈ-ગાઈને પ્રેક્ટિસ શરૂ કરી હતી.
• આપે બોલિવૂડથી ભક્તિ સંગીત તરફ સુંદરતાથી કેવી રીતે પોતાની જાતને પરિવર્તિત કરી?
હું કોઈ નક્કી કર્યા પ્રમાણે ભક્તિ સંગીત તરફ નહોતી આવી. મેં નક્કી કર્યું હતું કે, બોલિવૂડમાં હું જ્યારે સફળતાનાં શિખરો પ્રાપ્ત કરી લઈશ ત્યારે ભક્તિ સંગીત તરફ પ્રયાણ કરીશ.
• ફિલ્મી ગીતોની સરખામણીએ આધ્યાત્મિક ગીતો તમને કેવી અનુભૂતિ આપે છે?
સ્વભાવમાં જ જ્યારે ભક્તિ વણાઈ જાય ત્યારે આપમેળે પોતાની જાતને વાળી શકો છો. તમારે વધારે પરિવર્તનના પ્રયાસ કરવાના રહેતા જ નથી. જોકે સ્વભાવ તમારો કેવો છે તેનાથી મોટો ફેર પડે છે.
• ‘આદિ શંકરાચાર્ય’ના ‘દક્ષિણામૂર્તિ સ્ત્રોત્રમ્’ની પ્રેરણા કેવી રીતે મળી?
‘દક્ષિણામૂર્તિ સ્ત્રોત્રમ્’ હોળીના સમયે રિલીઝ કરવામાં આવશે. દક્ષિણામૂર્તિ સ્ત્રોત્રમ્ એ સ્ત્રોત છે જે આદિ શંકરાચાર્યએ લખેલો છે અને તેને શૈલેશ દાણીએ સંગીત આપ્યું છે. કહેવામાં આવે છે કે જો તમે સૌંદર્ય લહેરી ગાયું હોય તો તે પૂર્ણ દક્ષિણામૂર્તિ સ્ત્રોત્રમ્ ગાવાથી જ થાય છે.
• સંગીતમાં યોગદાન માટે આપને મળેલા પદ્મશ્રી સન્માનનું મહત્ત્વ તમારા માટે શું છે?
આ એવોર્ડ મળતાં ખુશી તો થાય જ છે, પરંતુ આ એક નૈતિક જવાબદારી પણ છે. પદ્મશ્રી કે પદ્મવિભૂષણ મળતાં જ તમે કંઈ કરી શકો એવું નથી. તે તમને કોઈ સ્પેશિયલ પાવર નથી આપતા. તમારે સમજવું પડશે કે આટલો મોટો એવોર્ડ મને મળ્યો છે, તો મારી નૈતિક જવાબદારી વધી ગઈ છે.
• આજના સમયમાં ટેક્નોલોજીના કારણે સ્વતંત્ર સંગીત નવા રૂપમાં વિકસિત થયું છે, તમે આજની મ્યુઝિક ઇન્ડસ્ટ્રીને કઈ નજરે જુઓ છો?
સમાજમાં જેવી પ્રવૃત્તિ રહેશે, તેના આધારે જ નવું મ્યુઝિક આવતું રહે છે. આજકાલની જનરેશનના જેવા વિચાર છે, તેવું જ તેમનું મ્યુઝિક છે. તેમાં સારું કે ખરાબ જેવી કોઈ બાબત જ નથી. જો ન ગમતું મ્યુઝિક છે તો કમાલનો ગાયક પણ તેમાં બાળકસમાન છે. સૂર ક્યારેય બદલાતા નથી. મને રિમિક્સ ગીતો ક્યારેય પસંદ નથી આવ્યાં.
• તમારા સામાજિક અને પરોપકારનાં કાર્યો અંગે અમને જણાવો.
અમે અમારા સૂર્યોદય ફાઉન્ડેશન દ્વારા અત્યાર સુધીમાં આશરે 5 હજાર બાળકોનો શ્રવણયંત્ર નિઃશુલ્ક આપ્યાં છે. એવાં અનેક લોકો છે, જેમને ખબર જ નથી કે તેમને ઓછું સંભળાઈ રહ્યું છે. અમે એચઆઇવી ગ્રસ્ત બાળકો માટે એક આખો ફ્લોર બાંધી આપ્યો છે. પાણી ન મળતું હોય તેવા અનેક વિસ્તારોમાં પાણી પહોંચાડ્યું છે, એજ્યુકેશન માટે ખૂબ કામ કર્યું છે.
• આંતરરાષ્ટ્રીય મહિલાદિન પર તમે મહિલાઓને શું સંદેશ આપવા માગો છો?
મહિલાને ખૂબ મોટી શક્તિના રૂપમાં જોઈ શકાય છે. તમે યંત્ર કહો, મંત્ર કહો, તંત્ર કહો, સર્વોચ્ચ શક્તિનું મૂર્ત સ્વરૂપ ગણી શકો છો. હાલના સમયમાં મહિલાઓ વધુ સશક્ત બની રહી છે, તેને યોગ્ય માર્ગની જ જરૂર છે. મહિલાઓ સૌમ્ય પણ છે અને સશક્ત પણ છે. આ બધા ગુણ માત્ર સ્ત્રીમાં જ હોય છે.
અનુરાધા પૌડવાલના જીવનસફર અને અનુભવ અંગે જાણ્યા બાદ જ્યોત્સનાબહેન શાહે ગુજરાતી રંગમંચ અને ફિલ્મોની 30 વર્ષથી વધુ સમયથી સેવા કરનારાં ભાવિનીબહેન જાનીને આમંત્રણ આપ્યું.
• ભાવિનીબહેન અભિનયનો શોખ આપને ક્યાંથી મળ્યો? શું આપના પરિવારમાંથી કોઈ અભિનયક્ષેત્રે ખેડાણ કરી ચૂક્યું છે?
ભાવિનીબહેનઃ મારી સાત પેઢીમાંથી કોઈએ અભિનયક્ષેત્રે કામ કર્યું નથી. જોકે મારી જન્મભૂમિ મોરબીમાં ખૂબ સારા વક્તા-સંતો અને ભવાઈ રમનારા થઈ ગયા. આસારામ વાઘજી અને વાઘજી મૂળજી નામના ભવાઈ રમનારા થઈ ગયા, ઓઝા બ્રધર્સ જેમનું નામ ઇતિહાસમાં સોનેરી અક્ષરે લખાયું છે. મને અભિનયનો વારસો મારી જન્મભૂમિએ ગળથૂંથીમાં પાયો છે. ધો.5માં હતી ત્યારે અમે બધા મોરબી ગયા ત્યારે જોયું કે રાજમહેલમાં ફિલ્મ શેઠ શગાળશા નામની ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. આ સમયે મનમાં રહેલો કલાકારનો એક્ટર જાગ્યો,. આ સમયે ગમે તેમ જુગાડ કરીને મનુકાંતભાઈ પટેલ પાસે પહોંચી ગઈ અને ફિલ્મમાં કામ કરવું હોવાનું કહ્યું. આ સમયે એક્ટિંગ આવડતી ન હોવાનું જાણી તેમણે મને ત્યાંથી જતા રહેવાનું કહ્યું. હું નાની હતી પરંતુ આત્મવિશ્વાસ ભરપૂર હતો. જો કે મેં ત્યાંથી જતાં-જતાં તેમને કહ્યું કે, ‘તમે તો ડાયરેક્ટર છો ને! આપ મને શીખવાડજોને. તમે શીખવાડશો તેમ હું કરીશ.’ બસ આ વાત તેમને ગમી ગઈ કે આ છોકરીને મેં આટલી ખખડાવી, છતાં તે ડર્યા વિના મને કહે છે કે તમે મને શીખવાડશો તેમ હું કરીશ. આમ 1975માં મેં શેઠ શગાળશા નામની ફિલ્મથી મેં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પદાર્પણ કર્યું. કોલેજમાં આવી ત્યારે 80ના દાયકામાં સમગ્ર ગુજરાતમાં યૂથ ફેસ્ટિવલમાં હું પ્રથમ આવતી. એ રંગમંચ પર આવતાં પહેલાં જ હું સ્ક્રીન પર બાળકલાકાર તરીકે આવી ચૂકી હતી.
• આપે કારકિર્દીનાં શિખર ક્યારે સર કર્યાં? આશરે કેટલી ફિલ્મોમાં કામ કર્યું હશે?
અત્યાર સુધીમાં 200થી વધારે ફિલ્મ કરી ચૂકી છું, જેમાં 8થી 10 હિન્દી ફિલ્મો અને સિરિયલ છે. ‘દાદા દેશ રે જોયા પરદેશ રે જોયા’ ફિલ્મ લોકોએ ખૂબ પસંદ કરી હતી. એ બાદ ઢોલો મારા મલકનો, ફક્ત મહિલાઓ માટે, ઝમકુડી જેવી અનેક ફિલ્મો કરી છે જે સુપરડુપર ગઈ.
• મહિલા તરીકે ફિલ્મ લાઇનમાં કામ કરવામાં પડેલી તકલીફનો સામનો કઈ રીતે કર્યો?
હવે તો દરેક લાઇનમાં કામ કરવામાં તકલીફ છે. આ તબક્કામાં બે જ રસ્તા છે. તમે કાં તો તલવાર ખેંચો અથવા આત્મસમર્પણ કરો. આ આત્મસમર્પણની વસ્તુ માતાએ ગળથૂંથીમાં પીવડાવી જ નહોતી. એટલે જ હું મારી લાઇનમાં બંડખોર કહેવાઉં છું. તૂટવું મારી તાસિર નથી, વિકટ પરિસ્થિતિમાં બંડખોર થઈ તલવાર ખેંચી લઉં છું. તમારી પાસે સ્કિલ છે, તો તમને કોઈ રોકી શકતું નથી. હા, તમારે સ્ટ્રગલ કરવી પડે. હું માનું છું કે લોઢું જેટલું આગમાં તપે અને એરણના ઘા પડે ત્યારે જ પોતાની તાકાતનું ભાન થાય.
• તમે કયા મોટા કલાકારો સાથે કામ કર્યું છે?
મેં બે વર્ષ પહેલાં અમિતાભ બચ્ચન સાથે ‘ફક્ત મહિલાઓ માટે’ ફિલ્મમાં કામ કર્યું. તેમની પાસેથી મેં જાણ્યું કે કામ માટેનું ડેડિકેશન શું હોય છે. ઢગલો મેડિસિન લઈને તેઓ કામ કરે છે. તેઓ નવા ડાયરેક્ટરને પણ ખૂબ માન આપે છે અને તેમણે દર્શાવેલાં દરેક સૂચનોનું પાલન કરી સીન આપે છે. તેમને જરાસરખો પણ અહમ્ નથી.
• તમે ત્રણ પેઢી સાથે કામ કર્યું, તેનો કેવો અનુભવ રહ્યો?
મેં સર અરવિંદ પંડ્યા સાથે કામ કર્યું છે, જેનું સિંહ જેવું વ્યક્તિત્વ. લવકુશ નામની ફિલ્મમાં ડ્રેસમેને મારી સામે કોસ્ચ્યૂમ ફેંકીને આદેશ આપ્યો કે, ચલો ફટાફટ પહેરીને આવી જાઓ, તમારા માટે સીન વેઇટ નહીં કરે. આ સમયે હું નાની હતી, પરંતુ માહ્યલામાં રહેલું આત્મસન્માન ઘવાયું હતું. મેં એ કોસ્ચ્યૂમ ન લીધો અને ગુસ્સામાં જતી રહી, બાદમાં તેનો આસિસ્ટન્ટ મને તે આપી ગયો. આ વસ્તુ અરવિંદ પંડ્યાએ જોઈ અને બાદમાં મને કહ્યું, ‘જો તારે લાંબી ઇનિંગ રમવી હોય તો કમ ખાના અને ગમ ખાના શીખવું પડશે.’ આ તેમની સોનેરી સલાહ જબરજસ્ત કામ કરી ગઈ. ક્યારેક તમારો સમય ન હોય ત્યારે તમારાથી નીચેનો માણસ પણ તમને ખખડાવી જાય, પરંતુ ચિંતા ન કરવી જવાબ સમય આપશે. અરવિંદ પંડ્યા, ઉપેન્દ્ર ત્રિવેદી સહિતના દિગ્ગજોએ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું સ્તર સુંદર રીતે સેટ કર્યું હતું. જો કે બાદમાં નરેશ કનોડિયા અને લિજેન્ડરી રમેશ મહેતાનો યુગ આવ્યો. જો કે તે સમયમાં દ્વિઅર્થી કોમેડી, હલકી સ્ક્રીપ્ટ અને ગીતોના દ્વિઅર્થી શબ્દોના કારણે સમાજનો અમુક વર્ગ ગુજરાતી ફિલ્મો જોતો બંધ થઈ ગયો અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર ગ્રહણ લાગી ગયું. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ફરી ઉદયની પણ હું સાક્ષી રહી છું. આ સમયમાં મેં ઘણી ફિલ્મો કરી. 2014માં શરૂ થયેલી અર્બન ફિલ્મોમાં મેં અનેક ફિલ્મો કરી.
હાલના સમયમાં યુવાનો સજ્જ થઈને, અભ્યાસ કરીને આવે છે. સિનેમેટોગ્રાફી, ડિરેક્શનને સારી રીતે જાણે છે. તેમનો ચોક્કસ વ્યૂ છે, ક્રિએટિવ છે. આ યૂથ સાથે કામ કરવાની ઘણી મજા પડે છે.
• ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને તે સિવાય મળેલા એવોર્ડ વિશે જણાવો?
ફિલ્મ-સિરિયલ ઇન્ડસ્ટ્રીમાં મને ટ્રાન્સમીડિયાના 12 સહિત 21 જેટલા એવોર્ડ મળ્યા છે. હા, મને કહેતાં આનંદ થાય છે કે 1997માં ગુજરાતે સરકારે મને બહાદુરી માટે ‘બ્રેવરી એવોર્ડ’ આપ્યો હતો. અખિલ હિન્દ મહિલા પરિષદે પણ મને બ્રેવરી એવોર્ડ આપ્યો હતો.
• આંતરરાષ્ટ્રીય મહિલાદિન નિમિત્તે મહિલાઓને શું કહેશો?
બહેનોઓ તમે લાઇટ હાઉસ છો, તમે બ્લેક કમાન્ડો છો. પરમાત્માએ તમારામાં વિશ્વાસ મૂક્યો તે પરમ શક્તિ છો તમે. ક્યારેય એવું ન વિચારતાં કે તમે નબળાં છો. બીજામાં વિશ્વાસ મૂકવા કરતાં જાતમાં વિશ્વાસ મૂકો. તમે મજબૂત છો. ચહેરા પર ભલે કરચલીઓ આવે, હૈયે કરચલી ન આવવી જોઈએ, તમે સિંહણ છો - શક્તિ છો.
કાર્યક્રમની પૂર્ણાહુતિ કરતાં પ્રકાશક-તંત્રી સી.બી. પટેલે કહ્યું કે, આજનો કાર્યક્રમ અદ્વિતીય રહ્યો. નારીશક્તિ સદા જીવંત. આપણા મુખ્ય મહેમાન અનુરાધાબહેન પૌંડવાલે આપણાં મૂ્લ્યોને સંગીત દ્વારા જે પ્રકારે વાચા અને ગૌરવ આપી છે. ભાવિનીબહેન એક ચિનગારી છે, જેમણે ઘણાબધાને પોતાના તરફ આકર્ષ્યા છે. તમે મને પ્રેરણા આપી છે.


comments powered by Disqus