એશિયન વોઈસ અને ગુજરાત સમાચારના સહયોગમાં રોયલ એર ફોર્સ દ્વારા સોમવાર 10 માર્ચે ઈન્ટરનેશનલ વિમેન્સ ડે નિમિત્તે તેમના પાંચમા વિમેન ઈન કન્વર્ઝેશન ઈવેન્ટમાં ‘ઈન્સ્પાયર ઈન્ક્લુઝન’ વિષય સાથે પેનલ ચર્ચાનું આયોજન કરાયું હતું. આ ઈવેન્ટ ધ તાજ, લંડન ખાતે યોજાયો હતો જેમાં નેટવર્કિંગ અને પેનલચર્ચાનો સમાવેશ થયો હતો. વિવિધ પ્રોફેશન્સ અને પશ્ચાદભૂ ધરાવતી મહિલાઓએ ઈવેન્ટમાં હાજરી આપી હતી.
પ્રતિષ્ઠિત ઓડિયન્સમાં ABPL ગ્રૂપના ચેરમેન અને ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના એડિટર-ઈન-ચીફ સીબી પટેલ પણ ઉપસ્થિત હતા. ગ્રૂપ કેપ્ટન ગારેથ ટેઈલર અને સ્ક્વોડ્રન લીડર આમિર ખાન ગણવેશધારી RAF પર્સોનેલની ટીમ સાથે હાજર રહ્યાા હતા. એશિયન બિઝનેસ પબ્લિકેશન્સ લિમિટેડ (ABPL) વતી એશિયન વોઈસના મેનેજિંગ એડિટર રુપાંજના દત્તાએ ઈવેન્ટની યજમાની સંભાળી હતી. તેમણે ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના 50થી વધુ વર્ષના સમૃદ્ધ ઈતિહાસમાં ઘણી મહિલાઓએ આપેલા વિશિષ્ટ યોગદાન વિશે જણાવ્યું હતું.
રોયલ એર ફોર્સમાં સ્ત્રી સશક્તિકરણઃ ગ્રૂપ કેપ્ટન ગારેથ ટેઈલર
ગ્રૂપ કેપ્ટન ગારેથ ટેઇલર પોતાના સંબોધનમાં RAF અને એશિયન વોઈસ અને ગુજરાત સમાચાર સાથે વર્તમાન પાર્ટનરશિપ મારફત સતત સપોર્ટ આપવા બદલ સીબી પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે બાસ્કેટબોલ કોચ, યુવા બાળાઓ પર દેખરેખ રાખવાની પોતાની ભૂમિકા વિશે જણાવી સ્પોર્ટ્સ તેમજ નેતૃત્વ, કોમ્યુનિકેશન અને ટીમવર્ક જેવી કુશળતાઓ વચ્ચે સમાંતર ભૂમિકાઓને હાઈલાઈટ કરી હતી. તેમણે રોયલ એર ફોર્સમાં પુરુષ સમકક્ષો સાથે ખભા મિલાવી કામ કરતી સ્ત્રીઓ સંદર્ભે લૈંગિક સમાનતાને અપાતા સક્રિય પ્રોત્સાહન વિશે પણ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ‘2017માં તમામ ભૂમિકા-કામગીરીઓ બધા માટે ખુલ્લી મૂકાઈ હતી અને ત્યારથી મહિલા પ્રતિનિધિત્વમાં સ્થિરપણે વધારો થતો આવ્યો છે. આ ઝડપી ગતિએ આગળ વધતું રહે તે અમારું લક્ષ્ય છે.’ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે RAF સમગ્રતયા પ્રતિભાઓનો અસરકારક ઉપયોગ થાય તેની ચોકસાઈ સાથે ગુણવત્તાને આધારિત, સમાવેશી અને સામાજિકપણે ખુલ્લું છે.
પેનલચર્ચાનો આરંભ
આ પછી પેનલિસ્ટોએ ‘એક્સિલરેટિંગ એક્શન’ તરફના પગલાંની ચર્ચા હાથ ધરી હતી. ગ્રૂપ કેપ્ટન ટેઈલરના સંબોધન પછી ફેસિલિટેટર, એક્ઝિક્યુટિવ કોચ તેમજ DEI લર્નિંગ અને ડેવલપમેન્ટ નિષ્ણાત તેમજ પેનલનાં મોડરેટર મમતા સાહાની રાહબરીમાં પેનલિસ્ટોએ તેમના માટે ‘એક્સિલરેટિંગ એક્શન’નો અર્થ શું છે તે કામગીરી હાથ ધરી હતી. પેનલમાં NHS ઈંગ્લેન્ડ માટે ઓક્યુપેશનલ હેલ્થ એન્ડ વેલબીઈંગમાં નેશનલ ક્લિનિકલ એક્સપર્ટ ડો. શ્રીતિ પટ્ટણી OBE, ક્લેરમોન્ટ હાઈ સ્કૂલ એકેડેમી ખાતે ટીચિંગ એન્ડ લર્નિંગના વડા શાલીના પટેલ તેમજ હર્ટ્સમીઅર બરો કાઉન્સિલના કાઉન્સિલર, હર્ટફોર્ડશાયર પોલીસ માટે ફેરનેસ એન્ડ લેજિટિમસી પેનલના અધ્યક્ષ અને શિવા ફાઉન્ડેશનના સ્થાપક અને ડાયરેક્ટર મીનલ સચદેવનો સમાવેશ થતો હતો.
ડો. શ્રીતિ પટ્ટણી માટે ‘એક્સિલરેટિંગ એક્શન’નો અર્થ સ્ત્રીઓ આત્મવિશ્વાસ સાથે આગેકૂચ કરે, પોતાના મૂલ્યમાં વિશ્વાસ ધરાવે અને કામગીરી સંભાળે તેવો થતો હતો. તેમણે આશા વ્યક્ત કરી હતી કે આપણે જેવી રીતે ઈતિહાસમાં સ્ત્રીઓ પ્રત્યે કૃતજ્ઞતાથી નિહાળીએ છીએ તેવી જ રીતે ભાવિ પેઢીઓ પણ આપણા માટે આમ જ કરે.
મીનલ સચદેવે શિક્ષણ અને જાગરૂકતાથી આગળ વધીને પરિવર્તનનું ઉત્તરદાયિત્વ તમામ હસ્તક રહે તેવી ચોકસાઈ સાથે ગવર્નન્સ, ફ્રેમવર્ક્સ, કાનૂની બાબતો અને સેક્ટરો વચ્ચે સહકારો પર ધ્યાન કેન્દ્રિત કરવાના અર્થસભર પગલાંની આવશ્યકતાઓને હાઈલાઈટ કરી હતી.
પેનલિસ્ટોએ ભાવિ જનરેશન્સ માટે અવરોધોમાંથી પાર ઉતરવાની બાબતો પણ હાથ ધરી હતી. શાલીનાએ વધુ મહિલાઓને સશક્ત બનાવવા પોતાની જ સિદ્ધિઓના ઉપયોગ થકી અન્યોને ઊંચે લાવવાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. મીનલે ઉમેર્યું હતું કે પોતાની શંકાઓનો નાશ કરવાનું અને અંદર ગંઠાઈ ગયેલી માન્યતાઓ સામે પ્રશ્નો ઉઠાવવાનું પણ મહત્ત્વનું છે. ડો. પટ્ટણીએ મહિલાઓ વિરુદ્ધ અચેતન માનસમાં રહેલા પૂર્વગ્રહોનો સામનો કરવા સાથે અન્યો પણ વિકસી શકે તેવી સ્પેસ રચવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
આ ઉપરાંત, તેમણે અંગત યાત્રાઓ વિશે પણ આત્મચિંતન રજૂ કર્યું હતું. તેમણે સીમા કે મર્યાદા સ્થાપિત કરવા, ખાસ કરીને એવા વિશ્વમાં જ્યાં ઘણી મહિલાઓ આમ કરવા ઝઝૂમી રહી હોય છે તેના મહત્ત્વ વિશે પણ ચર્ચા કરી હતી. તેમણે ભાવિ પેઢીઓ આત્મવિશ્વાસ અને લક્ષ્ય સાથે નેતૃત્વ કરી શકે તેવા ઈરાદાસરના ઉછેરનીઆવશ્યકતા પર પણ ભાર મૂક્યો હતો.
વાર્તાલાપમાં ઓડિયન્સની સામેલગીરી
પેનલિસ્ટ્સ સાથે ઓડિયન્સના સભ્યો દ્વારા વાતચીત થકી લૈંગિક સમાનતા વિશે કેટલાક મહત્ત્વના પાસાઓ પણ બહાર આવ્યા હતા. ઓડિયન્સના એક સભ્યે એક સ્ત્રી અન્યોને આગળ વધવામાં મદદ કરવાના બદલે તેમના માટે દ્વાર બંધ કરી દે છે તેવો મુદ્દો ઉઠાવ્યો હતો. આનો પ્રતિભાવ આપતાં ડો. પટ્ટણીએ આ કમનસીબ વાસ્તવિકતાનો સ્વીકાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે આ રાતોરાત બદલાઈ જવાનું નથી. વ્યક્તિઓએ જ નિશ્ચિત કરવું પડશે તે તેઓ દ્વાર બંધ કરનારા ન બને. આના બદલે તેમણે આગામી પેઢીની સ્ત્રી ઊંચે ચડી શકે તે માટે નિસરણી લગાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું રહેશે.
ભાવિ પેઢીઓ માટે ટકાઉ પરિવર્તન સર્જવા બાબતે પ્રશ્ન કરાયો તેના પ્રતિભાવમાં મીનલે સામાજિક ધોરણો બદલવાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભાવિ પેઢીઓના દિલોદિમાગમાં લૈંગિક સમાનતા કોઈ સમસ્યાના નિરાકરણ તરીકે નહિ પરંતુ, માપદંડ તરીકે છવાઈ જવી જોઈએ. શાલીનાએ ઉમેર્યું હતું કે વર્તમાન ડિજિટલ વિશ્વમાં યુવા વર્ગ સામે શું આવી રહ્યું છે તે તપાસવાનું અને તેઓ જે વિષયોનો ઉપયોગ કરી રહ્યા છે તેમાંથી યોગ્ય સંદેશાઓ મેળવી રહ્યા છે તે જોવાનું પણ મહત્ત્વપૂર્ણ છે.
સમાનતાની અંદર વાજબીપણાના વિષય પર શાલીનાએ ભારપૂર્વક કહ્યું હતું કે પ્રયાસો ઉપરછલ્લાં નહિ પરંતુ, સાચાં હોવા જોઈએ. તેમણે અર્થસભર પરિવર્તન પર ધ્યાન કેન્દ્રિત કરવાના અનુરોધ સાથે સાચી અસર વિનાના દેખાવ ખાતરની ચેષ્ટાઓ સામે ચેતવણી ઊચ્ચારી હતી. પેનલિસ્ટોએ સીમાઓની સ્થાપના અને અમલ, સ્ત્રીઓ શેનાથી સશક્ત બની શકે તેમજ સ્ત્રીઓનાં સશક્તિકરણ માટે જરૂરી પગલાંના પ્રશ્નો પર પણ ઉત્તરો આપ્યાં હતાં. તેમની સમજના પરિણામે, લૈંગિક સમાનતા હાંસલ કરવામાં ઈરાદાપૂર્વકની કાર્યવાહીઓ, સપોર્ટ સિસ્ટમ્સ અને એડવોકસીના મહત્ત્વને મજબૂતી પ્રાપ્ત થઈ હતી.
સીબી પટેલનો આભાર પ્રસ્તાવ અને સંદેશો
ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના એડિટર-ઈન-ચીફ સીબી પટેલે તેમના આભાર પ્રસ્તાવ અને સંદેશામાં આ ચર્ચાના પગલે આશાવાદ અને મૂલવણીને વ્યક્ત કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ‘આપણે બધા જાણીએ છીએ તેમ વર્તમાન વિશ્વના વિવિધ વિસ્તારોમાં તંગદિલી અને પડકારોનું અસ્તિત્વ છે. આમ છતાં, આ જ્ઞાનવર્ધક સત્ર પછી હું ભવિષ્ય વિશે વિશ્વાસપૂર્ણ, ખુશ અને આશાવાદી છું - ભલે તે યુકે હોય કે વિશ્વ હોય.’
(ફોટો સૌજન્યઃ એરિન જૌહરી)