લંડનઃ શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર (SRMD) લંડન સ્પિરિચ્યુઅલ સેન્ટરમાં રવિવાર 9 નવેમ્બરે પ્રકાશ, પ્રેમ અને કોમ્યુનિટીની ભાવનાથી છલકાતું દિવાળી ઓપન હાઉસ યોજયું હતું. હર્ટ્સમીઅર, હર્ટફોર્ડશાયર, હેરો અને આસપાસના વિસ્તારોમાંથી પરિવારો, ધાર્મિક પ્રતિનિધિઓ અને સ્થાનિક મહાનુભાવો એકતા અને સેવાની શક્તિ તેમજ અંધકાર પર પ્રકાશના વિજયની ઊજવણીમાં એકત્ર થયા હતા. 350થી વધુ મહેમાનોએ સાંસ્કૃતિક ઉત્સવના આનંદ, રચનાત્મક વર્કશોપ્સ અને આધ્યાત્મિક ચિંતન સાથે કાર્યક્રમ માણ્યો હતો.
મુલાકાતીઓએ દીવાની બનાવટ અને રંગોળીની કળા, દિવાળીના કાર્ડ બનાવવા, શણગાર અને બાળકોની પ્રવૃત્તિ, સાંસ્કૃતિક નૃત્યોની રમઝટ, ભારતીય નાસ્તા અને મીઠાઈઓની બનાવટ સહિતની કામગીરી શીખવા અને જાણવામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. SRMD લંડન સ્પિરિચ્યુઅલ સેન્ટરની ગાઈડેડ ટુર્સ સાથે મુલાકાતીઓને મિશન પાછળના પ્રેરણામૂર્તિ શ્રીમદ રાજચંદ્રજી તેમજ સેન્ટરના સ્થાપક પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજી અને મિશનના મૂલ્યો અને ઉપદેશો વિશે જાણવાની તક સાંપડી હતી.
હેરોના ડેપ્યુટી મેયર કાઉન્સિલર યોગેશભાઈ તેલી અને મેયોરેસ નીલાબહેન તેલી, એલ્સ્ટ્રી એન્ડ બોરહામવૂડના ડેપ્યુટી મેયર કાઉન્સિલર તુષાર કુમાર, બોરહામવૂડ કેનિલવર્થના કાઉન્સિલર પરવીન રાણી અને કાઉન્સિલર પ્રભાકરભાઈ કાઝા, એલ્સ્ટ્રીના કાઉન્સિલર હાર્વે કોહેન, બોરહામવૂડ હિલસાઈડના કાઉન્સિલર આદિત્ય કાઝા, એજવેરના કાઉન્સિલર નીતિનભાઈ પારેખ, રેનેર્સ લેનના કાઉન્સિલર કૃષ્ણા સુરેશ, બુશી સેન્ટ જેમ્સના કાઉન્સિલર ક્રિસ શેન્ટોન, હેડસ્ટોનના કાઉન્સિલર સાસી સુરેશ સહિતના અગ્રણીઓ, કિરીટભાઈ વાડિયા (ઈન્ટરફેઈથ રિલેશન્સ, BAPS સ્વામિનારાયણ સંસ્થા), બ્રહ્માકુમારીઝ, જીત ધેલરીઆ (જૈન વિશ્વ ભારતીના સહાધ્યક્ષ) અને રાધા મોહન દાસ (ભક્તિવેદાંત મેનોર) સહિતના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
SRMD UKના પ્રેસિડેન્ટ મયૂરભાઈ મહેતાએ જણાવ્યું હતું કે દિવાલી ઓપન હાઉસ એકતા, કૃતજ્ઞતા અને સેવાની તેજસ્વી અભિવ્યક્તિ હતું.

