બે પાનકાર્ડ કેસમાં એમપી એમએલએ મેજિસ્ટ્રેટ કોર્ટે સપા નેતા આઝમખાં અને તેમના પુત્ર અબ્દુલ્લા આઝમને સાત-સાત વર્ષની જેલની સજાની સાથે 50-50 હજાર રૂપિયાના દંડની સજા સંભળાવી છે. કોર્ટના આદેશ પછી તેમને જિલ્લા જેલમાં મોકલી દેવાયા છે.
• પશ્ચિમ બંગાળ રાજભવનમાં કોમ્બિંગ ઓપરેશનઃ ટીએમસી સાસદ કલ્યાણ બેનરજીના આક્ષેપો પછી પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સી. વી. આનંદ બોઝે સોમવારે રાજભવનમાં સ્નિફર ડોગ્સ, બોમ્બ સ્કોડ, કોલકાતા પોલીસ અને સીઆરપીએફના જવાનો સાથે કોમ્બિગ ઓપરેશન કરાવ્યું હતું
• ડિજિટલ એરેસ્ટ કરી રૂ. 31 કરોડ પડાવ્યાઃ બેંગલુરુમાં ડિજિટલ એરેસ્ટની ચોકાવનારી ઘટના સામે આવી છે. ડિજિટલ એરેસ્ટ વોરંટ મારફતે નકલી સીબીઆઇ અધિકારીઓએ પાછલા 6 મહિનામાં બેંગલુરુની એક મહિલા પાસેથી રૂ. 31 કરોડ પડાવ્યા હોવાનું બહાર આવ્યું છે.
• એન્ટિ ટેન્ક મિસાઇલ ખરીદવા રૂ. 2095 કરોડનો કરારઃ સંરક્ષણ મંત્રાલયે ભારતીય સેના માટે એન્ટિ ટેન્ક મિસાઈલો ખરીદવા સરકારી કંપની ભારત ડાયનેમિક્સ લિમિટેડ સાથે રૂ. 2095 કરોડનો કરાર કર્યો છે. સેનાની યુદ્ધ ક્ષમતાઓને વધારવા આ મિસાઇલો ખરીદવામાં આવી રહી છે
• 2028માં ચંદ્રયાન-4 લોન્ચ કરવાનું ઇસરોનું લક્ષ્યાંકઃ ઇસરો ચેરમેન વી નારાયણને કહ્યું કે, સરકાર દ્વારા ચંદ્રયાન-4 મિશનને મંજૂરી અપાઈ છે, જેને 2028માં લોન્ચ કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.
• મોદીએ ભુતાનમાં હાઇડ્રો પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યુંઃ ભુતાનમાં દ્વિપક્ષીય સમજૂતી હેઠળ નિર્મિત 1020 મેગાવોટના હાઇડ્રો પાવર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરાયું. મોદીએ કહ્યું, પ્રોજેક્ટે ભુતાનની હાઇડ્રો પાવર ક્ષમતામાં 40 ટકાનો ફાળો આપ્યો છે.
• યુક્રેન-ફ્રાન્સ વચ્ચે ઐતિહાસિક સોદોઃ યુક્રેને રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધમાં હવાઈ તાકાત વધારવા ફ્રાન્સ પાસેથી 100 રફાલ ફાઇટર જેટ મેળવવા પેરિસમાં કરાર કર્યા. રશિયાના હુમલા તીવ્ર બની રહ્યા છે ત્યારે ઈમ્મેન્યુએલ મૈક્રોને કહ્યું, આ સોદાથી યુક્રેનની ક્ષમતા મજબૂત બનશે.
• ચીની અવકાશયાત્રીઓ પૃથ્વી પર પરત ફર્યાઃ એક સપ્તાહથી વધુ સમયના વિલંબ બાદ આખરે ત્રણ ચીની અંતરીક્ષ યાત્રી સ્પેસ સ્ટેશન પરથી પરત ફર્યા છે. તેઓ જે યાનમાં સવાર હતા તે અંતરીક્ષમાં જમા કાટમાળ સાથે ટકરાવાથી નુકસાનગ્રસ્ત થયું હતું.
• ફિલિપાઇન્સમાં લાખો લોકો રસ્તા પર ઉતર્યાઃ મનીલામાં લાખો નાગરિકાએ પૂર નિયંત્રણમાં ભ્રષ્ટાચાર કૌભાંડના વિરોધમાં અત્યાર સુધીની સૌથી મોટી રેલી કાઢી હતી. આ કૌભાંડમાં કોંગ્રેસના પ્રભાવશાળી સભ્ય અને સરકારી અધિકારી સામેલ હોવાનો આરોપ મુકાઈ રહ્યો છે.
• બાંગ્લાદેશમાં ફેબ્રુઆરીમાં ચૂંટણીઃ મોહંમદ યુનુસે આગામી સામાન્ય ચૂંટણીની જાહેરાત કરી છે. યુનુસે ગુરુવારે જણાવ્યું હતું કે, ચૂંટણીઓ આવતા વર્ષે ફેબ્રુઆરીમાં યોજાશે. આ જાહેરાત રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી યોજવા માટે લાંબા સમય સુધી દબાણ બાદ કરાઈ છે.
• પાકિસ્તાનની બે મોરચે લડવા તૈયારીઃ પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે ભારતને યુદ્ધ માટે ખુલ્લો પડકાર ફેંક્યો છે. ઉશ્કેરણીજનક ભાષણમાં પાકિસ્તાન રક્ષામંત્રી ખ્વાજાએ કહ્યું કે, પાકિસ્તાનની ભારત અને અફઘાનિસ્તાન બંનેે મોરચે એકસાથે લડવાની તૈયારી રાખે છે.
• કેલિફોર્નિયામાં વિદેશીઓનાં ડ્રાઇવિંગ લાઇસન્સ રદઃ અમેરિકાના રાજ્ય કેલિફોર્નિયાએ ઇમિગ્રન્ટ્સના 17,000 ડ્રાઇવિંગ લાઇસન્સ રદ કરવા જાહેરાત કરી. આ વિદેશીઓને અમેરિકામાં રહેવાની મંજૂરી કરતાં લાઇસન્સની એક્સપાયરી મુદત વધુ હોવાનું બહાર આવ્યા પછી આ નિર્ણય લેવાયો.

