ભારતના બિહાર રાજ્યની વિધાનસભા ચૂંટણીના બહુપ્રતિક્ષિત પરિણામો જાહેર થઇ ચૂક્યાં છે. દિલ્હીની ગાદી પર સત્તારૂઢ ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએ ગઠબંધને 243માંથી 202 બેઠક જ્યારે તેજસ્વી યાદવના નેતૃત્વ હેઠળના મહાગઠબંધનને ફક્ત 35 બેઠક પ્રાપ્ત થઇ. ચૂંટણીના પરિણામ ન કેવળ વિપક્ષ પરંતુ નીતિશ કુમારના નેતૃત્વ હેઠળના સત્તાધારી ગઠબંધન માટે પણ ચોંકાવનારા રહ્યાં હતાં.
સૌથી મહત્વનો સવાલ એ છે કે શું કોઇપણ પાર્ટીને અમાપ સત્તા આપવી લોકશાહી માટે યોગ્ય છે? તંદુરસ્ત લોકશાહીમાં મજબૂત વિપક્ષ પણ એટલો જ મહત્વનો છે તેનું ઉદાહરણ અમેરિકી સંસદમાં જોવા મળે છે. અમેરિકી કોંગ્રેસમાં સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચેનું સંતુલન એટલું મજબૂત છે કે તુંડમિજાજી અને માથાફરેલ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ તેમની મનમાની કરી શક્તાં નથી. તાજેતરમાં ટ્રમ્પને કોંગ્રેસમાં બજેટ પસાર કરાવતા આંખે પાણી આવી ગયાં અને મજબૂત વિપક્ષને કારણે અમેરિકાના ઇતિહાસનું સૌથી લાંબુ લોકડાઉન જોવા મળ્યું.
બિહારમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં જે રીતે એનડીએના ઉમેદવારોને સફળતા મળી તે જોતાં એમ લાગી રહ્યું છે કે રાજ્યના મતદારોએ તેમના ભાવિનો વિચાર કર્યા વિના જ ઇવીએમમાં બટન દબાવ્યાં હશે. ભારતીય ચૂંટણીઓમાં આમ પણ મફતની રેવડીઓનું કલ્ચર ઘણું બદનામ છે. આરોપ મૂકાઇ રહ્યો છે કે સત્તાધારી નીતિશ કુમારની સરકાર દ્વારા જે રીતે રોજગાર યોજનાના ઓથા હેઠળ મહિલાઓના બેન્ક ખાતાઓમાં રૂપિયા 10,000ની રકમ જમા કરાવવામાં આવી તેના કારણે બિહારની મહિલા મતદારોએ એનડીએ ગઠબંધનના ઉમેદવારોને ખોબલે ખોબલે મત આપ્યા છે.
કહેવત છે કે એવરી થિંગ ઇઝ ફેયર ઇન લવ એન્ડ વૉર.... ચૂંટણી પણ એકપ્રકારનો જંગ છે અને તેને જીતવા માટે રાજકીય પક્ષો દ્વારા નીતનવા હથકંડા અપનાવવામાં આવે છે. તેમાં સૌથી મોટો હથકંડો મફતની રેવડીઓ છે. ભારતીય લોકશાહીમાં આ દુષણ આજકાલનું નથી. તામિલનાડુમાં તત્કાલિન નેતા સ્વર્ગસ્થ જયલલિતા દ્વારા ચૂંટણી પહેલાં મતદારોને લોભામણા વચનો આપીને ચૂંટણીઓ જીતાતી હતી તે કોઇથી અજાણ નથી. જયલલિતાએ શરૂ કરેલું રેવડી કલ્ચર દેશની તમામ રાજકીય પાર્ટીઓને માફક આવી ગયું છે.
દેશના કોઇપણ રાજ્યમાં ચૂંટણી હોય, દરેક પાર્ટી મતદારોને આકર્ષવા નીતનવા લોભામણા વચનો આપતાં રહે છે. એવું નથી કે બિહારમાં ફક્ત એનડીએ ગઠબંધન દ્વારા જ મફતની રેવડી વહેંચવામાં આવી. વિપક્ષી મહાગઠબંધને પણ દરેક પરિવારમાં એક સરકારી નોકરી સહિતની રેવડીઓના વચન અપાયાં હતાં. જે બિહારમાં વાર્ષિક માથાદીઠ આવક રૂપિયા 72,000ની આસપાસ હોય ત્યાં એકસામટા રૂપિયા 10,000 મળે તો મતદાર વિચલિત થઇ જ શકે છે. પરંતુ આ રીતે વિચલિત થઇને મતદાર પોતાનું જ અને સાથે સાથે રાજ્ય અને દેશનું પણ નુકસાન કરી રહ્યો છે. ભારતના રાજકારણીઓ પણ સારી રીતે સમજી ગયાં છે કે જનતાને મફતની રેવડી આપતા રહો અને સત્તા પ્રાપ્ત કરતા રહો. રેવડીની લાલચમાં મતદારો આંખોમીંચીને ઉમેદવાર પર મહોર મારી રહ્યાં છે. બિહારમાં ચૂંટાઇ આવેલા 100 કરતાં વધુ ઉમેદવારો પર હત્યા, બળાત્કાર, હત્યાના પ્રયાસ જેવા ગંભીર ક્રિમિનલ કેસ નોંધાયેલા છે. જેની સામે આ વખતે પહેલીવાર ચૂંટણી જંગમાં ઝંપલાવનાર ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરની જનસૂરાજ પાર્ટીએ ભણેલા ગણેલા, સ્વચ્છ પ્રતિભા ધરાવતા ઉમેદવારો ચૂંટણીમાં ઉતાર્યા તેમ છતાં તેમની પાર્ટીનો એકપણ ઉમેદવાર ચૂંટાઇ આવ્યો નથી. આ ભારતની લોકશાહીનું સૌથી મોટું દુર્ભાગ્ય છે. મતદારોને તેમના રોજગાર, રોટી –કપડાં – મકાન, મોંઘવારી, શિક્ષણ, આરોગ્ય સેવાઓ જેવા જીવનના અત્યંત મહત્વના મુદ્દાઓ હવે મહત્વના લાગતા નથી. તેમને ફક્ત રાજકીય પક્ષો દ્વારા અપાતી અલ્પજીવી રેવડીઓમાં જ વધુ રસ છે. ભારતના મતદારોનું બૌદ્ધિક સ્તર તળિયે બેઠું છે. ઓછામાં ઓછું મતદારોએ લોકશાહીને જીવંત અને ધબકતી રાખવા માટે કોઇ રાજકીય પાર્ટીને અમાપ સત્તા આપવી જોઇએ નહીં. તેમાં જ ભારતીય લોકશાહીનું હિત છે.
