શુક્રવાર તા. ૧૪ નવેમ્બર ૨૦૨૫ની સવારે પ્રોજેક્ટ 'લાઇફ' અને લાઇફ ગ્લોબલ ઓસ્ટ્રેલિયાના સહયોગથી તક વંચિત અમદાવાદની તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતી ૨૫૦ ગરીબ વિધવા, ત્યકતા, વિકલાંગ અને અસહાય મહિલાઓને સશક્તિકરણ કરવાના કાર્યક્રમનો શુભારંભ અમદાવાદના એલિસબ્રીજમાં આવેલ ગજ્જર હોલ, નિર્માણ ભવનમાં કરવામાં આવ્યો.
આ કાર્યક્રમ હેઠળ દર ક્વાર્ટરે ૨૫૦ બહેનોને સિવણકામ, હાથ ભરતકામ તથા મશીન એમ્બ્રોઇડરી, બ્યુટી પાર્લર, કેટરીંગ, કમ્પ્યુટર ઓપરેશન આદી વિવિધ પ્રકારના કૌશલ્યની ત્રણ મહિનાની પ્રાથમિક તાલીમ ઉપરાંત હોલીસ્ટીક એમ્પાવરમેન્ટ કરવા માટે સેલ્ફ ડિફેન્સ, જાતીય સમાનતા અને બેંકિંગ, બજેટિંગ તથા ફાઈનાન્સની તાલીમ તથા જરૂરત મુજબની એડવાન્સ ટ્રેનીંગ પણ અપાય છે, ત્યારબાદ તેઓને નિઃશુલ્ક સાધન સહાય અને માર્કેટ લિંકેજ આપીને સ્વનિર્ભર બનાવાય છે.
ગુજરાત રાજ્યની અનેક જરુરિયાતમંદ મહિલાઓના અંધકારમય જીવનમાં પ્રકાશ ફેલાવવાનું કામ પ્રોજેક્ટ ‘લાઈફ’ કરી રહી છે. ગુજરાતના ૨૦૦ જેટલા હોલસેલર્સ અને રીટેઇલર્સ સાથેના જોડાણથી આ બહેનોને ત્વરિત રોજગારીની તકો ઉભી થઈ રહી છે.
આ સત્રનું ઉદ્ઘાટન તનાહ મારાહ, ક્વીન્સલેન્ડ, ઓસ્ટ્રેલીયાના “વુમન્સ મેંનટોરીંગ ફાઉન્ડેશનના સ્થાપક પુષ્પા વાઘેલાના હસ્તે કરાયંુ. જેઓ કેન્યામાં જન્મ્યાં હતા. અન્ય મુખ્ય મહેમાનોમાં મીસ કરી ચાન, “ફોર ધ લવ ઓફ ચિલ્ડ્રન સોસાયટી ઓફ આલ્બર્ટા, કેનેડા, કેલગરી, કેનેડાના સભ્ય, યુ.એસ.એ. થી આવેલા ડો.નલિની વસા (૮૩), જેઓ ૫૬ વર્ષનો દીર્ઘ અનભુવ ધરાવતાં નેફ્રોલોજીસ્ટ છે. હાલ ફ્લોરીડામાં સ્થાયી થયાં
છે. પ્રોજેક્ટ 'લાઇફ'ના પ્રાઇમરી સ્કુલ ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ એજ્યુકેશન પ્રોગ્રામના
સપોર્ટર છે.
ગુજરાત સરકારના “ધ સેન્ટર ફોર એન્ટરપ્રિન્યોરશીપ ડેવલપમેન્ટના મેનેજર ધર્મેન્દ્ર પંડ્યા, હિમાંશુ મકવાણા, એન્ટરપ્રિન્યોર ડેવલપમેન્ટ સેકટર પ્રોફેશ્નલ (સમાજ સશક્તિ કરણના હિમાયતી), સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડીયા, અમદાવાદના ડેપ્યુટી રીજીયોનલ હેડ અજય કોલ, “ગુજરાત સમાચાર’’ ના કન્સલ્ટીંગ એડીટર જ્યોત્સનાબહેન શાહ, પ્રોજેક્ટ ‘લાઇફ’ના સહ-સ્થાપક કિરિટભાઇ વસા, ૨૬ વર્ષથી ફરજ બજાવતા પ્રોજેક્ટ 'લાઇફ', રાજકોટના ચીફ ડેવલપમેન્ટ અને ઓપરેટીંગ ઓફિસર ઋષિકેશ પંડયા હતા.
મહેમાનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય બાદ “હમકો મનકી શક્તિ દેના’’ પ્રાર્થનાથી કાર્યક્રમનો પ્રારંભ થયો.
સૌ પ્રથમ જે બહેનોએ તાલીમ મેળવીને સફળ થયા તેઓેએ પોતાની આપવીતિ સહ અનભુવ અને સફળતા બાદ આવકની વિગત સાથે મેળવેલ સધ્ધરતાની, આત્મવિશ્વાસની રસપ્રદ માહિતી રજુ કરી જે પ્રેરણાદાયી હતી.
તેઓેએ પોતાના જીવનમાં બદલાવ માટે દાતાઓ અને પ્રોજેક્ટ 'લાઇફ'નો ખાસ આભાર માન્યો. મહિને રૂ. ૨૦,૦૦૦ થી ૫૦,૦૦૦ સુધીની કમાવાની ક્ષમતા ધારણ કરવા સાથે પોતાના જેવી બહેનોને પણ મદદ કરી પગભર થવામાં સહાય કરે છે જેથી એક ચેઇન ઉભી થાય છે એ સરાહનીય છે.
તાલીમ લેવા આવેલ બહેનોએ પણ અશ્રુસજળ આંખોએ અને ગળગળા સ્વરે પોતાની કથની રજુ કરી ત્યારે સાંભળનારાના હૈયાં હચમચી ગયા. મહેમાનોએ પ્રાસંગિક વક્તવ્યોમાં બહેનોને જીવનમાં આગળ આવવા અને સબળા બનવા પ્રેરીત કરી.
નોંધનીય છે કે છેલ્લા ૧૭ વર્ષમાં પ્રોજેક્ટ 'લાઈફ', રાજકોટ, ગુજરાતના મહિલા સશક્તિકરણ કાર્યક્રમ હેઠળ ૧૨,૭૫૦થી વધુ બહેનોને સ્વરોજગારી આપીને સ્વાવલંબી બનાવ્યા છે, જેથી ૫૧,૦૦૦થી વધારે તેમના જરૂરિયાતમંદ પરિવારજનો લાભાન્વિત થયા છે. કાર્યક્રમ અગાઉ પ્રોજેક્ટ 'લાઈફ' દ્વારા ચાલતા મહિલા સશક્તિકરણના નિઃશુલ્ક ચાલતા તાલીમ વર્ગોને નજરે નિહાળવાનો અવસર મળ્યો.

