મોસ્કોઃ વિદેશ મંત્રી એસ. જયશંકરે મંગળવારે શાંઘાઈ કો.ઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) સભ્ય દેશોના પ્રતિનિધિમંડળોના વડાઓ સાથે રશિયન રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી. જયશંકર SCO કાઉન્સિલ ઓફ હેડ્સ ઓફ સ્ટેટ મીટિંગમાં ભાગ લેવા મોસ્કો પહોંચ્યા હતા. રશિયન રાષ્ટ્રપ્રમુખ સાથેની તેમની મુલાકાત અંગે એસ. જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કહ્યું, ‘આજે રાષ્ટ્રપ્રમુખ પુતિન સાથે SCO પ્રતિનિધિમંડળના અન્ય વડાઓ સાથે મુલાકાત કરી.’
ક્રેમલિનમાં યોજાયેલી આ બેઠકમાં રશિયાના વડાપ્રધાન મિખાઇલ મિશુસ્તિન, ઇરાનના ઉપરાષ્ટ્રપ્રમુખ મોહંમદ રઝા આરિફ, બેલારુસના વડાપ્રધાન એલેક્ઝાન્ડર તુર્ચિન, કઝાકિસ્તાનના વડાપ્રધાન ઓલજસ બેક્ટેનોવ, કિર્ગિસ્તાનના વડાપ્રધાન અદિલબેક કાસિમાલિયેવ, તાજિકિસ્તાનના કોખિર રસુલઝોદા અને ઉઝબેકિસ્તાનના અબ્દુલ્લા અરિપોવ તેમજ પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન ઇશાક ડાર અને SCO સેક્રેટરી જનરલ નુરલાન યર્મેકબાયેવ હાજર રહ્યા હતા.
SCOએ તેનો પ્રભાવ વધારવો જોઈએ: પુતિન
રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને મંગળવારે સભ્ય દેશો વચ્ચે આર્થિક વિકાસ અને સહયોગ માટે એશિયન સંગઠન તરીકે SCO ની વિશ્વસનીયતા અને પ્રભાવ વધારવા હાકલ કરી હતી. રશિયાના વડાપ્રધાન મિખાઇલ મિશુસ્તિનની અધ્યક્ષતામાં બે દિવસીય બેઠક બાદ ક્રેમલિનમાં SCO સરકારના વડાઓ સાથેની બેઠક દરમિયાન પુતિને આ ટિપ્પણી કરી હતી.
પુતિને કહ્યું કે, ‘આપણા બધાનો એક સામાન્ય ધ્યેય છે, યુરેશિયાઈ ખંડ અને ખરેખર વૈશ્વિક સ્તરે સૌથી મોટા પ્રાદેશિક સંગઠનો પૈકી એક તરીકે SCOની વિશ્વસનીયતા અને પ્રભાવ વધારવાનો. સ્વાભાવિક રીતે સંગઠનના સભ્ય દેશો વચ્ચે નક્કર અને વ્યવહારુ કાર્યો નક્કી કરવામાં અને બહુપક્ષીય સહયોગને વિસ્તૃત કરવામાં સરકારોની ભૂમિકા ખાસ હોય છે.’

