બાંગ્લાદેશમાં વર્ષ 2024ના વિદ્યાર્થી આંદોલનમાં માનવતા વિરુદ્ધ ક્રુર અપરાધો આચરવાના મામલામાં બાંગ્લાદેશની જ ઇન્ટરનેશનલ ક્રાઇમ ટ્રિબ્યુનલ દ્વારા પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાને ફાંસીની સજા ફટકારવામાં આવી. ભારતની દ્રષ્ટિએ જોઇએ તો ભારતીય કૂટનીતિ માટે આ એક મોટા ફટકાસમાન ચુકાદો ગણી શકાય કારણ કે બાંગ્લાદેશમાં શેખ હસીના અને તેમની અવામી લીગ ભારતના ચુસ્ત સમર્થક હતાં.
2024માં બાંગ્લાદેશમાં વિદ્યાર્થી આંદોલને શેખ હસીનાની સત્તા ઉથલાવી દીધી. આ કોઇ બાંગ્લાદેશનો આંતરિક મામલો સહેજ પણ નહોતો. જે રીતે ભારતના પાડોશી દેશોમાં ભારત વિરોધી તાકાતોના ઉદય માટે પાકિસ્તાન, ચીન અને અમેરિકા પ્રયાસ કરી રહ્યાં હતાં તેમાં તેમને મહત્વની સફળતા પ્રાપ્ત થઇ હતી. પહેલાં શ્રીલંકા અને પછી નેપાળમાં સત્તા પરિવર્તન, માલદિવનું ભારત વિરોધી વલણ અને પાકિસ્તાનની ભારત સાથેની કાયમી દુશ્મનીએ ભારતીય ઉપખંડમાં ભારતના પ્રભુત્વને ઘટાડવામાં મહત્વની ભુમિકા ભજવી હતી. એકમાત્ર બાંગ્લાદેશ શેખ હસીનાના નેતૃત્વમાં ભારતની પડખે હતો પરંતુ ત્યાં પણ કટ્ટરવાદીઓએ વિદ્યાર્થીઓના આંદોલનના બહાને સત્તાપરિવર્તન કરી ભારત વિરોધી તાકાતોને સત્તામાં બેસાડી દીધી હતી. આ ઘટનાક્રમની મુખ્ય ફલશ્રુતિ એ હતી કે જે પાકિસ્તાનના બે ટુકડા કરીને ભારતે બાંગ્લાદેશની રચના કરાવી હતી એજ બાંગ્લાદેશ આજે પાકિસ્તાનના ખોળામાં બેસી ગયો છે.
ભારતના દ્રષ્ટિકોણથી શેખ હસીનાને ફાંસીની સજાના દુષ્પરિણામો ભારત સામે પણ આવીને ઊભા રહેશે. ફાંસીની સજાની સુનાવણી બાદ હાલ ભારતમાં આશ્રય લઇ રહેલા શેખ હસીના માટે બાંગ્લાદેશના દ્વાર હંમેશ માટે બંધ થઇ ચૂક્યાં છે. બાંગ્લાદેશા કાર્યકારી વડાપ્રધાન યુનુસે ફેબ્રુઆરી 2026માં સંસદની ચૂંટણી કરાવવાની જાહેરાત તો કરી છે પરંતુ શેખ હસીનાના નેતૃત્વ વિના તેમની અવામી લીગ ચૂંટણીમાં કેટલી સફળ રહેશે તેના પર શંકાઓ સેવાઇ રહી છે. તેનો સીધો અર્થ એ થયો કે હવે બાંગ્લાદેશમાં ભારત વિરોધી તાકાતો જ સત્તામાં આવશે. ભારતના કટ્ટર દુશ્મનો ગણાતા પાકિસ્તાન અને ચીન માટે તો આ પરિસ્થિતિ અત્યંત સાનુકૂળ બની રહેશે.
બીજીતરફ અમેરિકા પાકિસ્તાનને પોતાની કાખમાં બેસાડવાના ભરપૂર પ્રયાસ કરી રહ્યો છે. અમેરિકાને અફઘાનિસ્તાન ગુમાવ્યા પછી ભારતીય ઉપખંડમાં પગદંડો જમાવી રાખવા માટે પાકિસ્તાનની તાતી જરૂર છે. એટલે તો પ્રમુખ ટ્રમ્પ પાકિસ્તાની સેનાધ્યક્ષ અસીમ મુનિરને અછોવાના કરી રહ્યાં છે.
આમ ભારતની આસપાસ ભારત વિરોધીઓની એક ધરી આકાર લઇ ચૂકી છે. ભારતે તેની કૂટનીતિને નવા પરિમાણો સાથે અમલી બનાવવી પડશે અને ફરી એકવાર પાડોશી દેશોનો વિશ્વાસ જીતીને તેની વિરુદ્ધ થઇ રહેલાં કાવતરાંને નિષ્ફળ બનાવવા પડશે.
