કૃષ્ણભક્તિનાં વિવિધ રસનું પાન કરાવનારા નરસિંહ મહેતા

બાદલ લખલાણી Wednesday 20th August 2025 06:55 EDT
 
 

‘સોનેરી સ્મૃતિગ્રંથ – અ ટાઇમલેસ ટ્રેઝર’ના વિમોચન બાદ પ્રથમ વખત યોજાયેલા ‘સોનેરી સંગત’ના 63મા અધ્યાયમાં તંત્રી-પ્રકાશક સી.બી. પટેલ અને એબીપીએલ ગ્રૂપનાં કાર્યોને હાજર સહુકોઈએ પોંખી લીધાં. સી.બી. પટેલને વધામણાં આપતાં ભારતીબહેન વોરાએ કહ્યું કે, આપ વર્ષોથી સહુકોઈને પોતાની પાંખમાં સમાવી આગળ ઉડાન ભરતા રહ્યા છો, આ જ કારણે સ્મૃતિગ્રંથનો વિમોચન પ્રસંગ એ માત્ર એબીપીએલ ટીમ અને આપનો જ નહીં, સહુનો યાદગાર પ્રસંગ બની રહ્યો. લોર્ડ ભીખુભાઈ પારેખે તો ત્યાં સુધી કહ્યું કે, સી.બી. પટેલ છેલ્લાં 53 વર્ષથી સઘન શ્રમ અને દૃઢ સંકલ્પ સાથે વિવિધ ધર્મ, રાજકીય વિચારધારા, ભારત તથા યુકેની ઘટનાઓ આ તમામ પાસાંને સમજીને દરેક પેઢીને રસ પડે તેવી ભાષામાં સમાચાર રજૂ કરવાનું ખૂબ મહત્ત્વપૂર્ણ કાર્ય કરી રહ્યા છે.
નરસિંહ મહેતાના જીવન અને કવન વિષય પર યોજાયેલા સોનેરી સંગતના 63મા અધ્યાયમાં ભારતીબહેન વોરા દ્વારા જાણીતા કવિ અને નરસિંહ મહેતાના વંશજ જવાહરભાઈ બક્ષીને આમંત્રણ અપાયું, અને તેમને નરસિંહ મહેતાના વિશ્વમાં વિહરવા લઈ જવા આગ્રહ કરાયો.
જવાહરભાઈ બક્ષીઃ નરસિંહ મહેતાના જન્મનાં 100 વર્ષ પહેલાં ઇ.સ. 1304માં પાટણનું પતન થાય છે અને અલ્લાઉદ્દીન ખિલજી ગુજરાતને જીતે છે. આ સમયે સર્જાયેલી અફરાતફરીમાં ઉચ્ચપદનાં દીવાન અને મંત્રીઓ પૈકીના ભાણજી પંડ્યાએ ન્યાતની બેઠક બોલાવી અને સંસ્કાર અને શૈલી બચાવવા સુરક્ષિત સ્થળે જવાનું આહવાન કર્યું, જે મુજબ 68 નાગર કુળ ગુજરાતનાં વિવિધ સ્થળે સ્થળાંતરિત થયાં. આ તમામ લોકો પૈકી ગદાધર પંડ્યા જે-તે સમયનું તુળજાપુર અને હાલના તળાજા જાય છે, જ્યાંનો રાજા નાગાર્જુન તેમની વિદ્વાનીથી ખુશ થઈ તેમને મહત્તર પદ આપે છે, જે અપભ્રંશ થઈ સમયાંતરે મહેતા થયું. આ ગદાધર પંડ્યાના પુત્ર પુરુષોત્તમ દાસ, તેમના પુત્ર કૃષ્ણદાસ અને તેમનો પુત્ર નરસિંહ મહેતા. તેમનો જન્મ જૂનાગઢમાં 1404થી 1414 વચ્ચે થયો હોવાનું કહેવાય છે.
કાલીદાસથી લઈ દસેક વિદ્વાનો માટે બકવાસ કહેવામાં આવે છે. જો કે તેમની 500 જેટલી મેન્યૂ સ્ક્રીપ્ટ પૈકી તારવવામાં આવેલી 121નાં 807 પદમાં નરસિંહ મહેતા વેદશાસ્ત્ર, સામાજિક અને માનસિક જ્ઞાન સિદ્ધ થાય છે કે નાગર કુળની પરંપરા પ્રમાણે તેઓ પાઠશાળામાં સંસ્કૃતિ ભાષા શીખ્યા હતા, વેદ-શાસ્ત્રનું જ્ઞાન મેળવ્યું હતું અને તેમાં પણ ખાસ ભાગવત અને ભદવદ્ ગીતાનો ગહન અભ્યાસ કર્યો હતો. આ નિપુણ કવિ કાવ્યશાસ્ત્ર શીખેલા અને તેમના અવતરણથી 200 વર્ષ પહેલાં જયદેવે લખેલું ગીતગોવિંદથી પણ તેઓ સુપરિચિત હતા. નરસિંહની પ્રેમભક્તિ ભાગવત અને ગીતગોવિંદથી રસાયેલી છે. ઇતિહાસ મુજબ 16 વર્ષે નરસિંહનાં લગ્ન થયાં, 18મે વર્ષે પુત્ર શામળશા અને 20મા વર્ષની ઉંમરે પુત્રી કુંવરબાઈનો જન્મ થાય છે.
નરસિંહ ભક્તિ અને વેદાંતના સંસ્કાર લઈને જન્મ્યા હતા. નિજાનંદમાં મસ્ત નરસિંહ પરિવારના 4 સભ્યોના બોજા સાથે ભાઈ-ભાભી સાથે રહેતા હતા. એકવાર ભૂખ્યાં બાળકો અંગે નરસિંહે ભાઈને રસોઈ અંગે પૃચ્છા કરતાં ભાભીએ કડવાં વેણ કહ્યાં કે, ‘છોકરાં નાનાં છે પણ ભૂખ બહુ મોટી છે.’
આ સમયે ભક્તિરસમાં તરબોળ નરસિંહે નક્કી કર્યું કે, ‘આજે હું નહીં કાં તો મારો ભગવાન નહીં’ના નિર્ધાર સાથે ઘર છોડી દીધું. ત્યાંથી તળાજાથી 13 કિ.મી. દૂર ગોપનાથ મહાદેવ ખાતે પહોંચે છે. અહીં શિવલિંગ સમક્ષ તેઓ સતત 7 દિવસ અને 7 રાત સુધી કમળપૂજાના આસનની મુદ્રામાં બેસે છે. મેન્યુ સ્ક્રીપ્ટ આત્મચરિત્ર મુજબ સાતમી રાત્રે નરસિંહ સમક્ષ શિવનો સાક્ષાત્કાર થાય છે. આ સમયે શિવે નરસિંહને કહ્યું ‘માગ-માગ... માગે તે આપું.’ જો કે આત્મજ્ઞાન પ્રાપ્ત કરી ચૂકેલા નરસિંહે કહ્યું, ‘તમને જે સુલભ હોય તે આપો.’ આ સમયે નરસિંહની કૃષ્ણભક્તિ જાણતા શિવે તેમને કૃષ્ણની રાસલીલાનાં દર્શન કરાવ્યાં. લીલા પૂર્ણ થતાં કૃષ્ણએ ભાવવિભોર બનેલા નરસિંહને આજ્ઞા આપી હતી કે, ‘તે જે મારી લીલા જોઈ તેને તારાં પદોમાં ગાજે.’
નરસિંહ ક્રાંતિકારી કવિ છે તે તેમનાં કાવ્યસર્જન, પદો અને ભજનમાં પ્રગટ થાય છે, તેમને નહોતો નાગરી જ્ઞાતથી દૂર થવાનો ડર કે નહોતો રાજા દ્વારા જેલની સજાનો ડર. તેઓ તો કહેતા હતા કે,
‘હું ખરે તું ખરો, હું વિના તું નહીં,
હું રે હોઈશ ત્યાં લગી તું રે હઈશ;
હું જતે તું ગયો, અનિર્વાચી રહ્યો,
હું વિના તું તુને કોણ કહેશે?’
આવો હતો નરસિંહ. ભગવાનના સાક્ષાત્કાર બાદ નરસિંહ ઘરે પરત ફરી ભાભીને પગે લાગી નક્કી કરે છે, મારે અહીં રહેવું યોગ્ય નથી. આમ તેઓ જૂનાગઢમાં સ્થળાંતર કરે છે અને કાવ્યયાત્રાની પણ શરૂઆત થાય છે.
નરસિંહનાં આત્મચરિત્રનાં પદો પૈકી 4 પદમાં નરસિંહ પોતાના પ્રસંગો વર્ણવે છે; શામળશાનો વિવાહ, કુંવરબાઈનું મામેરું, મારી હુંડી સ્વીકારો અને જેલમાં પુરાતાં કૃષ્ણ તેને હાર પહેરાવે છે તે. આ ઉપરાંત જ્ઞાનનાં, ઉપદેશનાં, કૃષ્ણભક્તિનાં, કૃષ્ણલીલાનાં અને સૌથી વધુ શૃગારભક્તિનાં પદો છે.
ભગવાન શ્રીકૃષ્ણનો સાક્ષાત્કાર થતાં તેમણે પદ ગાયું,
‘જાગીને જોવું તો જગત દીસે નહીં,
ઊંઘમાં અટપટાં ભોગ ભાસે;
ચિત્ત ચૈતન્ય વિલાસ તદરૂપ છે,
બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે’
અહીં નરસિંહ કહેવા માગે છે કે, ‘મારી વ્યક્તિગત જાગૃતિ છે. સમગ્ર બ્રહ્માંડનાં પ્રાણીઓથી લઈને જળ-ચેતનનો જે વિલાસ ચાલે છે એ બધું એક તમે જ સંચાલિત કરો છો, જેને હું હું માણી રહ્યો છું.’ આજના જમાનામાં ક્વોન્ટમ ફિઝિક્સ છે તે નરસિંહ મહેતાની કવિતાનો જયજયકાર કરે છે. બ્રહ્માંડ એક જ સોર્સથી બનેલું છે અને અણુએ અણુના શૂન્યાવકાશમાં વ્યાપ્ત છે. એટલે કે મારી અને તમારી વચ્ચે જે કંઈ છે, મારી અંદર અને તમારી અંદર જે કાંઈ છે તેમાં બ્રહ્મ છે. એટલે જ કહ્યું છે કે, ‘બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે.’
નરસિંહનું એક અલગ મિજાજનું ગામડેગામ ગવાતું પદ છે,
પઢો રે પોપટ રાજા રામના, સતી સીતાજી પઢાવે,
પાસે રે બંધાવી રુડું પાંજરું, મુખથી રામ જપાવે;
પોપટ તારે કારણે લીલાં વાંસ રે વઢાવું,
તેનું રે ઘડાવું પોપટ પાંજરું, હીરા-રતને જડાવું;
પોપટ તારે કારણે શીશી રસોઈ રંધાવું,
સાકરનાં કરી ચૂરમાં ઉપર ઘી પિરસાવું.
આ પોપટનું ખાવાનું નથી. આ પોપટ પ્રતીકના રૂપે લેવાય છે. આપણી ભારતીય પરંપરામાં 4 પક્ષી દ્વારા ક્રમિક વિકાસ દર્શાવાયો છે; પોપટ, મોર, હંસ અને પરમહંસ. અબુધ જીવને પોપટ કહેવાય, આગળની રસિક જીવની અવસ્થામાં મોર શબ્દ વપરાય, એનાથી આગળની જ્ઞાનીની અવસ્થા માટે હંસ શબ્દ વપરાય છે અને નરસિંહ જેવો માણસ જે પરમાત્માને પામી ગયો છે તેને પરમહંસ કહેવાય છે. આ પોપટથી પરમહંસ સુધીની યાત્રા નરસિંહની છે.
નરસિંહનું મરણ 1479માં થયું, જેના થોડા સમયમાં જ શ્રીવલ્લભાચાર્યનો જન્મ થયો. જોવાનું એ છે કે છેક 1632માં એની હસ્તપ્રત મળે છે. એટલે કે આશરે 150 વર્ષ નરસિંહ લોકોના કંઠમાં જ જીવ્યા, જે બાદ તેની મેન્યુ સ્ક્રીપ્ટ બની. આ એક મોટા અને મહાન કવિનું લક્ષણ છે. નરસિંહનાં પ્રભાતિયાં ગામેગામ ગવાય છે, જે આપણો ખૂબ મોટો વારસો છે.
હે જાગને જાદવા, કૃષ્ણ ગોવાળિયા
તુજ વિના ધેનમાં કોણ જાશે ?
ત્રણસે ને સાઠ ગોવાળ ટોળે વળ્યા
વડો રે ગોવાળિયો કોણ થાશે ?....જાગને
આ પ્રભાતિયાનો લય નરસિંહ મહેતાએ ગીતગોવિંદમાંથી જ લીધો છે. આ પ્રભાતિયામાં 360નો જ ઉલ્લેખ કેમ છે? બાર મહિનાના 30 દિવસ એટલે 360, આ કાળનું ચક્ર છે. જો કે એનાથી મોટું એક્સપ્લેનેશન એ છે કે માયાનું 360°નું વર્તુળ છે એ આપણને બાંધીને બેઠું છે, તેને તોડીને 361° અંશે પરમાત્મામાં મળવાનું છે.
કાર્યક્રમનું સમાપન કરતાં સી.બી. પટેલે જણાવ્યું કે, જવાહરભાઈ બક્ષીને મેં રસપૂર્વક સાંભળ્યા અને દરેક ક્ષણ માણી છે. આ દરમિયાન હું તલાળા જઈ આવ્યો. 1979માં મેં સૌરાષ્ટ્રમાં સાહિત્ય યાત્રા કરી હતી, જેમાં ભાવનગર, બોટાદ, તલાળા, જૂનાગઢ અને રાણપુર જવાનો મને લહાવો મળ્યો છે. આ દરમિયાન મને ઘણા લોકો મળ્યા જે નરસિંહ મહેતાથી ખૂબ પ્રભાવિત હતા. તમે મધ્યકાલીન ભારતની વાત કરી. વિધર્મીઓ દ્વારા ભારતના પ્રાણને ઘુંટવા અનેક પ્રકારનાં જુલમ થતાં હતાં. આ સમયે આપણા શૂરવીર સંતો, મહાત્માઓ અને કવિઓએ હથિયાર નહીં, બુદ્ધિ અને કલમો ચલાવી. આ લોકો થકી આપણી સંસ્કૃતિ ટકી નથી પણ વિકાસ પામી છે.


comments powered by Disqus