કોટેચા ઘેર આનંદ ભયો-જય કનૈયા લાલ કી..

- કોકિલા પટેલ Wednesday 20th August 2025 06:38 EDT
 
 

શ્રાવણ મહિનો એટલે વ્રત, તપ,આરાધના-અર્ચનાનો પવિત્ર મહિનો. આ મહિનો એટલે શિવ ઉપાસનાનો અલૌકિક મહિનો. આ પવિત્ર શ્રાવણના ભાદ્રપદ મહિનાની કૃષ્ણપક્ષની અષ્ટમીનો મહિમા પણ અનેરો છે. ભગવાન વિષ્ણુજીએ પણ અષ્ટમીની પવિત્ર રાત્રિએ કંસના કારાગૃહમાં બાલ કનૈયાના રૂપે જન્મ લીધો ત્યારે બ્રહ્માંડમાં અલૌકિક આનંદ ફેલાયો હતો. લીલામય બાલકૃષ્ણનો જન્મોત્સવ નંદ યશોદાના આનંદભવનમાં "નંદ ઘેર આનંદ ભયો..”ના હર્ષોલ્લાસ સાથે ગોકુળમાં ઉજવાયો હતો. એ જ રીતે શનિવારે સાંજે નોર્થ લંડનના સાઊથ હેરો સ્થિત ધામેચા લોહાણા સેન્ટરમાં ઉજવાયો.
લોહાણા સમાજના અગ્રણી અને ધર્મપ્રેમી કેતનભાઇ કોટેચા અને દિતીબેન કોટેચા પરિવાર છેલ્લા ત્રીસેક વર્ષથી જન્માષ્ટમીએ ભક્તિભાવપૂર્વક ધામધૂમથી શ્રીકૃષ્ણ જન્મોત્સવ ઉજવે છે. વૃક્ષો-વનલતાઓ અને રંગબેરંગી પુષ્પોથી શોભતા ગોકૂળીયા ગામમાં નંદ-યશોદાનું નંદભવન "જય કનૈયા લાલ"થી ગૂંજી ઊઠે એમ ધામેચા હોલ ગૂંજી ઊઠ્યો હતો. અમદાવાદથી ખાસ પધારેલા ખ્યાતનામ ગુજરાતી સ્વરકિન્નરી માયા દીપક અને શશી રાણાના કંઠે રજૂ થયેલા કૃષ્ણભક્તિના ગીતોએ સૌને ભક્તિમાં રસતરબોળ કરી દીધા હતા. માયા દીપકે એમના સંગીતવૃંદ સાથે "કનૈયા મુરલીવાલા, દ્વારિકાનો નાથ મારો, મને પ્યારૂ લાગે, શ્રીનાથજી કરૂં પ્રાર્થના, રસિયો રૂપાળો કનૈયો, કૃષ્ણ તને કોટિ કોટિ" જેવા ભક્તિગીત રજૂ કર્યાં હતાં. કોટેચા પરિવાર તરફથી કાર્યક્રમની શરૂઆતમાં સૌને ફરાળી ભોજન પીરસાયા બાદ સાંજના ૬થી રાતના ૯ સુધી ૮૦૦થી વધુ હરિભક્તોએ સતત ભક્તિગીતો માણ્યા હતા. રાત્રે ૯ વાગ્યે કોટેચા પરિવારના કેતનભાઇ, દિતીબેન તથા એમના પરિવારના ધરમ તથા રિધ્ધિ, સચીન તથા ચાંદની તેમજ ગ્રાન્ડ ચિલ્ડરન રૂહી, જીવન, નમન અને અમેરિકાથી પધારેલ કેતનભાઇના બહેન, કેતનભાઇના વેવાઇ તથા ગુજરાતી સમાજના શ્રેષ્ઠી પ્રદીપભાઇ ધામેચા અને વીણાબેન ધામેચા સહિત સમગ્ર કોટેચા કુટુંબ એમના મુકૂટધારી બાળકનૈયાને ટોપલામાં પધરાવી હોલમાં પધાર્યા ત્યારે "નંદ ઘેર આનંદ ભયો, કોટેચા ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી"ના જયઘોષ સાથે સૌએ પુષ્પવર્ષા કરી હતી. બાળકનૈયાને વધાવતા ગોપ-ગોપીઓ રાસ રમતા હોલમાં આવ્યા હતા ત્યારબાદ પારણીયે ઝૂલતા કનૈયાને વધાવીને કોટેચા પરિવારે સ્ટેજ પરથી હરિભક્તો ઉપર સૂકામેવા અને મીઠાઇનો વરસાદ વરસાવ્યો હતો.
કેતનભાઇ તથા દિતીબેન પરિવાર યોજિત આ ભવ્ય જન્માષ્ટમી મહોત્સવમાં ગુજરાત સમાચારના તંત્રીશ્રી સી.બી. પટેલ, પ્રદીપભાઇ તથા વીણાબેન ધામેચા પરિવાર સહિત સમગ્ર લોહાણા સમાજના અગ્રગણ્યો ઉપસ્થિત રહ્યા હતા. પારણીયે ઝૂલતા કનૈયાની આરતી કર્યા બાદ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરતાં કેતનભાઇએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો એમાં ટૂંકા સમયમાં એમના આમંત્રણને માન આપી લંડન પધારેલા માયા દીપકનો ખાસ આભાર વ્યકત કર્યો હતો સાથે ભક્તિગીત રજુ કરનાર શશી રાણા, તબલા ઉપર સુનીત ચંદારાણા, તબલાવાદક અતુલભાઇ, પરેશભાઇ સહિત સૌ સંગીતવાદકોનો આભાર માણ્યો હતો.


comments powered by Disqus