ચાલો પ્રેસ્ટન પૂ.ભાઇશ્રીની ભાગવત કથામાં

- કોકિલા પટેલ Wednesday 20th August 2025 06:56 EDT
 
 

ઇંગ્લેન્ડની ઉત્તરે નાનકડા નગર પ્રેસ્ટનમાં જ્યાં સનાતન ધર્મ, સંસ્કાર અને સેવાનું સુંદર સંવર્ધન થઇ રહ્યું છે ત્યાં વિખ્યાત ભાગવત કથાકાર પૂજ્ય રમેશભાઇ ઓઝા (પૂ.ભાઇશ્રી)ની ભાગવત કથાનું ભવ્ય આયોજનની તડામાર તૈયારી થઇ રહી છે. ગુજરાત હિન્દુ સોસાયટી પ્રેસ્ટનના ૫૦ વર્ષની સુવર્ણ જયંતિ અને મંદિર પ્રાણપ્રતિષ્ઠા પાટોત્સવની ઉજવણી પ્રસંગે તા. ૨૩ ઓગષ્ટથી ૨૯ ઓગષ્ટ દરમિયાન પૂ.ભાઇશ્રીની શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતના સાપુતારા વિસ્તારની આદિવાસી કન્યાઓના શિક્ષણ અને રહેવા હોસ્ટેલ નિર્માણના લાભાર્થે આ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાત હિન્દુ સોસાયટી પ્રેસ્ટન (GHS)ના પ્રેસિડેન્ટ દશરથભાઇ નાયી, વાઇસ પ્રેસિડેન્ટ ઈશ્વરભાઇ ટેલર અને સેક્રેટરી આશિતભાઇ જરીવાલાએ ગુજરાત સમાચારને આપેલી માહિતી મુજબ ગુજરાત હિન્દુ સોસાયટીના વિશાળ હોલમાં ૧૦૦૦ હરિભક્તો બેસી કથા શ્રવણ કરી શકે એવી તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. હોલમાં નવી કારપેટ નાખી સમગ્ર હોલનું રંગરોગાન સાથે ભવ્ય મંચ સાથે સુંદર સજાવટ કરવામાં આવી છે. એ માટે રાતદિવસ ૫૦થી વધુ વોલીંટીયર્સ સતત સેવા આપી રહ્યા છે. હરિભક્તો માટે રસોડે ૬૦-૭૦ બહેનોએ લાડુ, શ્રીખંડ અને પ્રસાદના પેકેટ તૈયાર કરી દીધા છે. બ્રિટનભરમાંથી હરિભક્તો કોચ લઇને કથા શ્રવણ કરવા આવી રહ્યા છે તેઓને સવારે ચ્હા-નાસ્તો અને સાંજે ૭.૩૦ વાગ્યે ભોજન પીરસવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
ઇશ્વરભાઇએ જણાવ્યા મુજબ ૧૯૯૧માં પૂ.ભાઇશ્રીએ મંદિરના લાભાર્થે ભાગવત કથા કરીને £૨૫૦૦૦નું ભંડોળ એકત્ર કરી આપ્યું હતું. ફરી ૩૨ વર્ષ પછી પૂ.ભાઇશ્રી પ્રેસ્ટન પધારી રહ્યા છે એનો સૌને આનંદ છે. પૂ. ભાઇશ્રીની કથાના આયોજન માટે સંસ્કૃતિ ફાઊન્ડેશન યુ.કે.ના ચેરમેન શ્રી ભૂપેન્દ્રભાઇ કણસાગરા આ કથાના આયોજનમાં ખૂબ માર્ગદર્શન, સહકાર આપી રહ્યા છે. ગરીબ કન્યાઓના લાભાર્થે થઇ રહેલા સદકાર્યમાં સહકાર આપવા ભારત સાધુ સમાજના સેક્રેટરી, દ્વારકા સનાતન સેવા મંડળના સ્વામી કેશવાનંદજી અને ચાણોદમાં શૈક્ષણિક સેવા આપી રહેલા સ્વામી વિવેકાનંદ સરસ્વતીજી ખાસ પધારશે.
 શનિ, રવિ અને સોમવાર બેંક હોલીડે દરમિયાન ઘણા નગરો-શહેરોમાંથી કોચ આવવાના છે તેઓએ ગુજરાત હિન્દુ સોસાયટીના આયોજકોનો સંપર્ક કરવો. 01772 253901


comments powered by Disqus