હોટેલક્ષેત્રના દિગ્ગજ સુરિન્દર અરોરાએ હીથ્રો એરપોર્ટની 49 બિલિયન પાઉન્ડની વિસ્તરણ યોજના સામે પોતાની દરખાસ્ત જાહેર કરી છે. હીથ્રોની આસપાસ ફેલાયેલી જમીનોના સૌથી મોટા માલિકોમાં એક સુરિન્દર અરોરા માને છે કે તેઓ લગભગ અડધા ખર્ચ એટલે કે આશરે 25 બિલિયન પાઉન્ડમાં આ વિસ્તરણ પ્રોજેક્ટ પૂર્ણ કરી શકે તેમ છે. હીથ્રો વેસ્ટ નામ હેઠળ સરકાર સમક્ષ મૂકાયેલી યોજનાની મુખ્ય બાબત એરપોર્ટ દ્વારા રખાયેલી 3500 મીટરના ત્રીજા રનવેની દરખાસ્તથી વિપરીત ટુંકા 2500 મીટરના રનવે વિશે છે. અરોરા ગ્રૂપના જણાવ્યા મુજબ આના પરિણામે, M25 મોટરવેના ખર્ચાળ અને અવરોધક ડાઈવર્ઝનને ટાળી શકાશે, જોખમો ઘટાડી શકાશે અને આસમાને આંબતા ખર્ચા અટકાવી શકાશે.
ઈન્ફ્રાસ્ટ્રક્ચર જાયન્ટ Bechtel સાથે મળી વિકસાવાયેલી યોજનાનું લક્ષ્ય રનવેને 2035 સુધીમાં કાર્યાન્વિત કરવાનું તેમજ નવા ટર્મિનલને 2036 અને 2040, એમ બે તબક્કામાં ખુલ્લાં મૂકવાનું છે. 25 બિલિયન ડોલરથી ઓછાના ખર્ચ અંદાજમાં એરપોર્ટના વર્તમાન સેન્ટ્રલ એરિયાના રિડેવલપમેન્ટનો સમાવેશ કરાયો નથી.
વાત હીથ્રો અથવા ગેટવિકની હોય, એરપોર્ટ્સ પ્રવાસ, ટુરિઝમ અને વેપાર માટે વિશેષ મહત્ત્વ ધરાવે છે એટલું જ નહિ, તેઓ રોજગારીના મુખ્ય સર્જકો પણ છે. એકલું હીથ્રો એરપોર્ટ જ બિનકુશળથી માંડી ઊચ્ચ કૌશલ્યની ભૂમિકાઓમાં આશરે 60,000 નોકરીઓ પૂરી પાડતું હોવાનું મનાય છે. સૂચિત રનવે વિસ્તરણ થકી દરરોજ સેંકડો ફ્લાઈટ્સ વધારી શકાશે જેના પરિણામે, એરપોર્ટના કામકાજ, હોસ્પિટાલિટી અને વિવિધ ટેકારૂપ સેવાઓ માટે સ્ટાફની માગણીને પણ ઉત્તેજન મળશે.
સુરિન્દર અરોરા અને તેમના પત્ની સુનિતા દ્વારા 1999માં અરોરા ગ્રૂપની સ્થાપના કરવામાં આવી હતી અને તેમાં હોટેલ્સ, પ્રોપર્ટી અને કન્સ્ટ્રક્શન બિઝનેસીસનો સમાવેશ થાય છે. સુરિન્દર 13 વર્ષની નાની વયે 1972માં પંજાબથી ઈંગ્લેન્ડ આવ્યા હતા. તેઓ અંગ્રેજી વાંચી કે લખી શકતા ન હતા કારણકે તેમણે પંજાબ છોડ્યું તેના થોડાં સમય પહેલા જ તેમની શાળામાં અંગ્રેજી શીખવવાનું શરૂ થયું હતું. તેઓ લંડનમાં પુનઃ તેમની માતા સાથે જોડાયા, જેમનાં ધીરજ- ખંત અને બલિદાન થકી સુરિન્દરના જીવનનું ઘડતર થયું. ભારતના વિભાજન પછી, માતા પંજાબમાં નાની દુકાન ચલાવતાં હતાં અને મિડવાઈફ-દાયણ તરીકે તાલીમ મેળવી હતી, જેનાથી તેમને ઈંગ્લેન્ડમાં કામ કરવાના વિઝા મેળવવામાં મદદ મળી. સુરિન્દર લંડન આવ્યા ત્યારે તેમણે મિડવાઈફની કામગીરી છોડી દીધી હતી. તેઓ દિવસમાં ફેક્ટરીમાં કામ કરતાં, રાત્રે બેન્કો અને ઓફિસોમાં સફાઈકામ અને વીકએન્ડ્સમાં વિદ્યાર્થીઓ માટે રાંધવાનું કામ કરતાં હતાં. લાંબા કલાકો કામ કરવા છતાં, તેમણે પોતાના ઘરની વ્યવસ્થા બરાબર સંભાળી અને પોતાના બાળકોને શિસ્ત, નમ્રતા અને સખત પરિશ્રમના મૂલ્યના પાઠો ભણાવ્યાં.
સુરિન્દર માટે નવા દેશ સાથે અનુકૂલન સાધવાનું ભારે પડકારજનક હતું અને તેમણે સંઘર્ષ સાથે GCSE પસાર કરી. તેઓ 18 વર્ષની વયે બ્રિટિશ એરવેઝમાં ક્લાર્ક તરીકે જોડાયા અને આગળ જતા એબી લાઈફ (Abbey Life) ખાતે ફાઈનાન્સિયલ એડવાઈઝર બન્યા. બાળપણથી તેમનું સ્વપ્ન પોલીસમાં જોડાવાનું હતું પરંતુ, પારિવારિક મિત્રે લંડન સ્કૂલ ઓફ ફ્લાઈંગમાં અભ્યાસના પહેલા લેસનમાં જોડાવામાં સહાય કર્યા પછી તેમણે ફ્લાઈંગ ક્ષેત્રમાં પગરણ માંડ્યા. જોકે, પ્રતિ કલાક 21 પાઉન્ડના ખર્ચ સાથે ફ્લાઈંગ લેશન્સ મોંઘાં હતા ત્યારે તેઓ બે નોકરી કરવા લાગ્યા. પોતાની તાલીમના નાણા માટે તેમણે દિવસ દરમિયાન સાપ્તાહિક 34 પાઉન્ડના વેતનથી બ્રિટિશ એરવેઝ અને સાંજના સમયે વાઈન વેઈટર તરીકે કામ કર્યું. તેમણે 1978માં ગૌરવ સાથે પ્રાઈવેટ પાઈલટનું લાયસન્સ હાંસલ કર્યું હતું.
80ના દાયકાની મધ્યમાં સુરિન્દરે હીથ્રો નજીક ગેસ્ટ હાઉસ તરીકે ભાડે આપી શકાય તે માટે થોડાઘણાં જીર્ણશીણ થયેલાં મકાનો ખરીદી તેના રિનોવેશન કરી પ્રોપ્રટીક્ષેત્રે ઝંપલાવ્યું. તેમણે 90ના દાયકામાં બ્રિટિશ એરવેઝના ક્રૂ માટે ખાસ હેતુલક્ષી હોટેલની જરૂરિયાત હોવાનું ધ્યાને લઈ પોતાનો આઈડિયા એરલાઈન અને પોતાની બેન્ક સમક્ષ રજૂ કર્યો અને બંનેએ શરૂઆતમાં તો આ વિચાર ફગાવી દીધો. તેમણે ધીરજપૂર્વક સતત રજૂઆતો કરી બંનેને મનાવી દીધા અને નિયત સમય પહેલા અને બજેટની અંદર ખર્ચ સાથે પ્રોજેક્ટ પૂર્ણ કર્યો. ભૂતકાળમાં નજર કરતા સુરિન્દર પોતાની દરેક સફળતાનું શ્રેય તેમની માતાએ સ્થાપિત કરેલાં ઉદાહરણને આપે છે.
આજે સુરિન્દર અરોરા હીથ્રો વિસ્તારમાં તેમની માલિકીની ઘણી હોટેલ્સ સાથે સૌથી મોટા ખાનગી જમીનમાલિક છે. તેઓ યુકેમાં અને ખાસ કરીને ઈંગ્લેન્ડની દક્ષિણમાં કેટલીક ટોપ ક્લાસ હોટેલ્સ અને રિસોર્ટ સેન્ટરોની માલિકી પણ ધરાવે છે. વાસ્તવમાં અરોરા ગ્રૂપ લૂટન નજીક જે વૈભવી હોટલની માલિકી ધરાવે છે તે ભારતીય પ્રાઈમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીની જુલાઈમાં તેમની યુકેની મુલાકાત વેળાએ નિવાસસ્થાન બની રહી હતી. તેઓ એકરોમાં ફેલાયેલી જમીનો સાથે 15મી સદીના ઐતિહાસિક કન્ટ્રી હાઉસની આ હોટેલની બહાર ડાયસ્પોરાના સભ્યોને મળ્યા હતા.
મને સુરિન્દરની અતિ સાધારણ શરૂઆતથી ભારે સફળતાની યાત્રાના સાક્ષી બની રહેવાનું સદ્ભાગ્ય સાંપડ્યું છે. લગભગ 40 વર્ષ અગાઉ, ક્રોલી સનાતન મંદિરના પાયા નંખાઈ રહ્યા હતા ત્યારે હું લંડન, પ્રેસ્ટન અને અન્ય સ્થળોએથી જોડાયેલા મિત્રો સાથે ફંડરેઈઝિંગ પ્રયાસોમાં સંકળાયેલો હતો. મારું નમ્ર યોગદાન 1,000 પાઉન્ડનું હતું. હું તે વેળાએ ગેટવિક એરપોર્ટ નજીક હાલમાં જ હોટેલ ખરીદનારા સુરિન્દરને બરાબર જાણતો પણ ન હતો અને તેમણે ઉદારતા સાથે 5,000 પાઉન્ડનું દાન આપ્યું હતું. આ શુભચેષ્ટાને હું કદી ભૂલી શક્યો નથી. હું માનું છું કે તે સમગ્ર વિસ્તારમાં સનાતન આસ્થાના ઉદ્દેશ સંબંધિત આ સૌથી મોટું વ્યક્તિગત દાન હતું અને તે નાણાથી પણ વિશેષ હતું. તેમાં સુરિન્દર અરોરાની ભારોભાર નમ્રતા, તેમનું સદાબહાર સ્મિત અને તેમની પત્ની સુનિતાના સહકારપૂર્ણ ઉદારતાની ભાવનાઓનું પ્રતિબિંબ છલકાતું હતું. વર્ષો વીતવા સાથે હું તેમને તેમના બાળકો અને ઈન-લોઝ સહિત સૌને સારી રીતે જાણતો-ઓળખતો થયો છું.
હજુ ગયા વર્ષે જ મે ફેર હોટેલ ખાતે એક કોમ્યુનિટી ઈવેન્ટ દરમિયાન હું તેમને ફરી મળ્યો હતો. હંમેશાંની માફક, તેમણે દરેક સાથે નમ્રતા, ઉષ્મા અને આત્મવિશ્વાસ સાથે અભિવાદન કર્યું હતું. આ બાહ્ય વિનમ્રતાની પાછળ પ્રચંડ કલ્પનાશીલ, સંશોધન, વ્યૂહાત્મક વિચારશીલતા અને અવિરત કઠોર પરિશ્રમમાં માનતી વ્યક્તિ રહેલી છે. આજે તેઓ સિંગાપોરના ચાંગી એરપોર્ટ જેવા વિશ્વસ્તરીય કેન્દ્રોની સમકક્ષ નવા એરપોર્ટના વિકાસના વિઝન સાથે એવિએશન અને હોસ્પિટાલિટી સેક્ટર્સમાં સૌથી પ્રભાવશાળી વ્યક્તિત્વોમાં સ્થાન ધરાવે છે.
સુરિન્દરની સૌથી મોટી શક્તિઓમાં એક શક્તિ તમામ પશ્ચાદભૂમાંથી પ્રતિભાશાળી, સમર્પિત અને મહત્ત્વાકાંક્ષી લોકોને સાથે લાવવાની છે. તેમની સાથેના ઉચ્ચ નિષ્ણાતો, ઉત્કૃષ્ટ ટેક્નિકલ જાણકારી અને ભંડોળની કોઈ જ અછત ન હોવા સાથે હું માનું છું કે યુકેના HS2 જેવા અન્ય પ્રોજેક્ટ્સ ભારે વિલંબ અને ખર્ચમાં ભારે વધારાના પડકારોનો સામનો કરી રહ્યા છે તેની સરખામણીએ તેમનો હીથ્રો વેસ્ટ પ્લાન ખરેખર સફળતા હાંલ કરી શકશે. સુરિન્દરનો અંગત પરિચય, તેમનો સ્વભાવ, સમર્પિતતા તેમજ તેમની આધ્યાત્મિક શક્તિને ધ્યાને રાખી હું વિશ્વાસ સાથે કહી શકું કે કોઈ જો આ કરી શકે તો તે સુરિન્દર જ કરી શકશે.
ક્રોલી સાથે મારો સંપર્ક અને સંબંધ હું યુકે આવ્યો તે સમયથી રહ્યો છે. મને જાણવા મળ્યું હતું કે વડોદરાના મારા કોલેજકાળના મિત્ર મનુભાઈ કે. શાહ ત્યાં રહેતા અને કામ કરતા હતા. તેઓ વડોદરામાં કળા ભવન, ફેકલ્ટી ઓફ ટેકનોલોજીમાંથી ટેક્સ્ટાઈલ એન્જિનીઅરીંગની લાયકાત મેળવ્યા પછી વધુ સ્પેશિલાઈઝેશન માટે બ્રેડફોર્ડ ગયા હતા. જોકે, ઘણી વાર બને છે તેમ ક્વોલિફિકેશન્સ અને કારકિર્દીના માર્ગ ઘણાં પરિબળો પર આધાર રાખે છે. તે દિવસોમાં ઘણા કુશળ ભારતીયો અને એશિયનોએ આખરે તદ્દન અલગ ક્ષેત્રમાં જ કામ કરવાનું થયું હતું. મને મોમ્બાસાના ગુજરાતી ડો. પટેલનું ઉદાહરણ યાદ આવે છે જેમણે કેન્યામાં ઘણી સારી કહેવાય તેવી મેડિકલ પ્રેક્ટિસમાં 20 વર્ષ વીતાવ્યા હતા. તેઓ જ્યારે 1964માં ઈંગ્લેન્ડ આવ્યા ત્યારે તેઓ પોતાના નિષ્ણાત જ્ઞાન અનુસારની પોઝિશન મેળવી શક્યા નહિ આથી, તેમણે જનરલ સ્ટોર ખોલ્યો અને સ્ટોરના ગલ્લા પાછળ બેસી કામ કરવામાં ગૌરવ લીધું.
મનુભાઈ શાહ પાછળથી બ્રેડફોર્ડથી કામકાજ માટે ક્રોલી આવ્યા હતા. ક્રોલીનો આગવો અને અનોખો ઈતિહાસ છે. જે રીતે સાઉથોલને ‘લિટલ ઈન્ડિયા’ કહેવાય છે અને લેસ્ટર ‘મિનિ ગુજરાત’ તરીકે ઓળખાય છે તેમ ક્રોલીને કદાચ નાયી કોમ્યુનિટીના સૌથી વધુ સંખ્યામાં વાળંદ પરિવારના નગર તરીકે ઓળખાવી શકાય. ખરેખર તો, માઈગ્રેશનની પ્રક્રિયા અભ્યાસ કરવાને લાયક વિષય છે.
હું જ્યારે 1966માં યુકે આવ્યો ત્યારે ટાન્ઝાનિયાથી આવેલા વધુ લોકો ઈસ્ટ લંડનના ફોરેસ્ટ ગેટ જેવા વિસ્તારોમાં સ્થાયી થઈ રહ્યા હતા. ઓશવાલ સમુદાય હેરો અને બાર્નેટમાં રહેતા, લોહાણાઓ હેરોમાં રહેવા લાગ્યા અને યુગાન્ડાથી હકાલપટ્ટી બાદ ઘણા લોહાણાઓએ નજીકમાં આવેલી નિર્વાસિત છાવણીઓના લીધે લેસ્ટરને પોતાનું ઘર બનાવી લીધું. ક્રોલીનો વિકાસ મોટા ભાગે નોકરીઓના લીધે થયો. એક સમયે ત્યાં લિંબાચિયા, પારેખ અને અન્યો સહિત કદાચ સેંકડો નાયી પરિવાર ત્યાં હતા.
મને આજે પણ યાદ છે કે 1967માં હું મનુભાઈ શાહને મળવા ગયો હતો ત્યારે મને 1 Friends Close ખાતે શાંતિભાઈ પટેલના ઘેર ચા પીવાનું આમંત્રણ અપાયું હતું. શાંતિભાઈ કોમ્યુનિટી સંગઠનોમાં ઘણા સક્રિય હતા અને અમારી વાતચીત દરમિયાન, ક્રોલીમાં સનાતન મંદિરની સ્થાપના વિશેનો વિચાર આકાર લેવા લાગ્યો હતો. સમયાંતરે ધામેચા પરિવાર દ્વારા ઉદાર યોગદાન અને ભૂપેન્દ્ર કણસાગરાના સપોર્ટ થકી આ સ્વપ્ન વાસ્તવિકતામાં ફેરવાયું હતું. આજે એપલ ટ્રી સેન્ટર, સનાતન મંદિર આસ્થા અને એકતાના સુંદર પ્રતીક સ્વરૂપે અડીખમ ઉભું છે. ક્રોલી તો લંડનની દક્ષિણે આવેલું હોવાં છતાં, આપણી સંસ્કૃતિ, પરંપરાઓ અને સામુદાયિક ભાવનાથી ગુંજતું કેન્દ્ર બની રહ્યું છે અને નગરથી ઘણે દૂરના ભક્તજનો અને મુલાકાતીઓને આકર્ષે છે.
ઢીશૂમ – ઠકરાર પરિવારની વિરાસત,
હૃદય અને આતિથ્યની યાત્રા
આજકાલ એક વધુ સમાચાર ચર્ચામાં રહ્યા છે કે ઢીશૂમના સ્થાપકોએ રેસ્ટોરાં ચેઈનમાં તેમની હિસ્સેદારીના ભાગને LVMHના પીઠબળ સાથેની ઈન્વેસ્ટમેન્ટ ફર્મને આશરે 300 મિલિયન પાઉન્ડના બિઝનેસ સોદામાં વેચ્યો છે. પિતરાઈ ભાઈઓ શમિલ અને કવિ ઠકરારે 2010માં કોવેન્ટ ગાર્ડનમાં ઢીશૂમ રેસ્ટોરાં શરૂ કર્યું હતું. પ્રભાવશાળી બની રહેલા આ ઉદ્ઘાટનના દિવસે એશિયન વોઈસ અને ગુજરાત સમાચારમાંથી અમારા બે એડિટર્સને પણ આમંત્રિત કરાયા હતા. આજે કંપની પરમિટ રૂમ બ્રાન્ડ હેઠળ 10 રેસ્ટોરાં અને 4 કાફેનું સંચાલન કરે છે અને આશરે 2,000 લોકોને નોકરીએ રાખે છે. શમિલ ટિલ્ડા રાઈસ સામ્રાજ્ય પાછળના માનવી દિવંગત રશ્મિભાઈ ઠકરારનો પુત્ર છે. મને એ જૂના દિવસો યાદ છે જ્યારે કોવેન્ટ ગાર્ડનની સાઈટ સ્લગ એન્ડ લેટ્યુસ (Slug & Lettuce) તરીકે ઓળખાતી હતી જેની મુલાકાત લેવા રશ્મિભાઈ ઠકરારે મને અંગત આમંત્રણ આપ્યું હતું. તેમના બ્રધર-ઈન-લો (સાઢુભાઈ) શૈલેશ મણિલાલ સૂચક હતા જેમના મોટાભાઈ બિપિન મણિલાલ સૂચક જાણીતા સોલિસિટર હતા. હું બિપિનભાઈ મારફત તેમના પરિવારને ઓળખતો હતો, પરંતુ પરિવાર સાથે મારો સંબંધ તેનાથી પણ વધુ જૂનો રહ્યો છે. 1963માં ઝાંઝીબારની મુલાકાત વેળાએ હું મુરબ્બી મણિલાલ સૂચકને મળ્યો હતો જેઓ તે સમયે ત્યાંના અગ્રણી વ્યક્તિ હતા.
આ જ પ્રમાણે, ટિલ્ડા પાછળની કંપની યુનાઈટેડ રાઈસલેન્ડના સ્થાપક દિવંગત આદરણીય નરસીદાસ ઠકરાર અને તેમના દયાળુ પત્ની આદરણીય હીરાબહેન સંદર્ભે પણ મારા સ્મરણો સાબૂત છે. તેમણે લંડન સ્થળાંતર કર્યું તે પહેલા કદાચ આશરે 1979માં અમે સૌપહેલા લેસ્ટરમાં મળ્યા હતા. એ જૂના પ્રારંભિક દિવસોમાં ટિલ્ડા નાનો રાઈસ બિઝનેસ હતો. પરિવારના સભ્યોના નામ પરથી જ બ્રાન્ડ નામનો ઉદ્ભવ થયો હતો. નરસીભાઈ અને હીરાબહેન દ્વારા તેમના બાર્નેટના નિવાસે કરાયેલા ઉષ્માસભર આતિથ્યને હું હજુ પણ પ્રેમથી વાગોળું છું. 1984માં ભારત સરકારના મહેમાન તરીકે મારી સાત સપ્તાહની મુલાકાત દરમિયાન, હું દિલ્હીની અશોકા હોટેલમાં રોકાયો હતો. તે સમયગાળામાં મેં કરનાલ, હરિયાણાનો પ્રવાસ કર્યો હતો જ્યાં મેં રશ્મિભાઈ અને તેમના પરિવાર સાથે થોડા દિવસો વીતાવ્યા હતા અને તેમની રાઈસ મિલની મુલાકાત લેવાની પણ તક મળી હતી. તે સમયે પણ હું સ્પષ્ટપણે આકાર લઈ રહેલી સમૃદ્ધિના આરંભ સંદર્ભે પરિવારની મહત્ત્વાકાંક્ષા, મક્કમ નિર્ધાર અને વિઝનને નિહાળી શકતો હતો.
હું જ્યારે ગુજરાતના આશરે 12,000 લોકોની વસ્તી સાથેના ભાદરણ ગામમાં ઉછરી રહ્યો હતો ત્યારે માત્ર ત્રણથી ચાર લોહાણા પરિવાર રહેતા હતા. તેઓ દુકાનદાર હતા, મુખ્યત્વે પ્રોવિઝન સ્ટોર્સ ચલાવતા હતા અને કોમ્યુનિટીમાં ભારે આદરપાત્ર હતા. હકીકતે, ભાદરણમાં લાલુ ટાવર નામે ઓળખાતું મુખ્ય ટાવર લોહાણા લાલુ શેઠના ઉદાર યોગદાન થકી બંધાયું હતું. ભાદરણ છેક 1910ના સમયમાં પણ ત્રણ લાઈબ્રેરી-પુરુષો માટે લાઈબ્રેરી, મહિલાઓ માટે લાઈબ્રેરી અને બાળકો માટેની લાઈબ્રેરી હોવાનું ગૌરવ ધરાવતું હતું. પુરુષો માટે લાઈબ્રેરી ખખ્ખર લાઈબ્રેરી તરીકે જાણીતી હતી. મને યાદ છે કે મારી માતા, કમળાબા ઘણી વખત પોતાની સરળ લઢણમાં કહેતાં હતાં કે,‘લોહાણાઓ બહાદૂર અને હિંમતવાન છે, વારસાગત ક્ષત્રિય છે.’ અમારા વિસ્તારમાં બધા જ લોહાણા ઠકરાર તરીકે જાણીતા હતા અને ઘણા પ્રતિષ્ઠિત, ભરોસાને લાયક મિત્રો અને વફાદાર સમર્થકો હતા.
ભાવિ પેઢીઓ આ જ પ્રકારે મહત્ત્વાકાંક્ષા, કૌશલ્ય અને મજબૂત પારિવારિક મૂલ્યોના બીજને ઢીશૂમ જેવાં સાહસોમાં આગળ ધપાવતી હોય તે નિહાળવાનું ઉત્સાહપ્રેરક લાગ્યું છે. ઠકરાર પરિવાર માત્ર બિઝનેસમાં સફળ રહ્યો છે તેવું નથી, સંબંધો અને વિરાસતમાં પણ તેમના મૂળિયાં ભારે ઊંડા રહ્યા છે. હું લેસ્ટરના ડો. વિષ્ણુભાઈ પટેલને પણ ઓળખું છું, તેમના પત્ની બેરિસ્ટર હતાં અને ડો. પટેલ મારા દૂરના સગાં પણ થાય છે. નરસીભાઈના એક પુત્રના લગ્ન વિષ્ણુભાઈની દીકરી સાથે થયેલા છે. આમ, આ અંગત અને પારિવારિક સંબંધો વધુ મજબૂત બનેલા છે.
એક બાબતની નોંધ લેવી જ જોઈશે કે ધામેચા, કણસાગરા, યોગેશ મહેતા, સુરિન્દર અરોરા, જસમિન્દર સિંહ અને અન્ય ઘણા પરિવારોએ માત્ર ભૌતિક સમૃદ્ધિ હાંસલ કરેલી નથી, તેઓ કોઈ પ્રકારના નકારાત્મક લાલચ, આકર્ષણોથી અળગા રહીને રચનાત્મક સાંસ્કૃતિક મૂલ્યો અને પરંપરાઓ સાથે પણ સુચારુ રીતે જોડાયેલા રહ્યા છે.
આજે આપણે અવારનવાર મલ્ટિનેશનલ્સ વિશે વાતો કરીએ છીએ, પરંતુ 50-60 વર્ષો પહેલા ભારતીય ઉદ્યોગસાહસિકતા આ પ્રમાણે ઓળખાવાઈ ન હતી. ભારતમાં તાતા, ગોદરેજ અને મફતલાલ ગગલભાઈ જેવી મોટી કંપનીઓ હતી જેમના કામકાજ મુખ્યત્વે દેશની અંદર જ હોવા છતાં વિશાળ પાયા પરના હતા. ઈસ્ટ આફ્રિકામાં નાનજી કાલિદાસ મહેતા, મૂળજીભાઈ માધવાણી, વડેરાઝ, કરીમજી જીવણજી અને અન્ય પરિવારો પણ ભારે પ્રભાવ ધરાવતા હતા.
હવે તો ભારતીય એન્ટ્રેપ્રીન્યોરશિપ ઈન્ડસ્ટ્રી, વેપાર, ફાઈનાન્સ, બેન્કિંગ તેમજ મેડિસીન અને એકાઉન્ટિંગ જેવી પ્રોફેશનલ સર્વિસીસ સહિત વૈવિધ્યપૂર્ણ ક્ષેત્રોમાં પ્રસરેલી છે. આ સમયની નિશાની છે કે તેમણે વૈશ્વિક વિસ્તરણ સાધ્યું છે. ઠકરાર બંધુઓ, સુરિન્દર અરોરા અને અન્ય ઘણા લોકોની સફળતા અને સિદ્ધિઓને નિહાળતા મને થાય છે કે આ તો ઝાંખી છે, ઘણું બધું સિદ્ધ કરી લેવાયું છે, પરંતુ, શ્રેષ્ઠતમ તો હજુ આવવવાનું બાકી છે.

