ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ તરીકે બીજી વાર ચૂંટાઇ આવ્યા ત્યારે ભારતમાં ઉત્સાહ હતો કે ચાલો હવે ટ્રમ્પ અને મોદીની મિત્રતાનો ઘણો લાભ દેશને પણ મળશે પરંતુ ટ્રમ્પના 7 મહિનાના કાર્યકાળમાં તેમના દ્વારા લેવાયેલા ભારત વિરોધી નિર્ણયોના કારણે ન કેવળ ટ્રમ્પ અને મોદીની મિત્રતાનો અંત આવ્યો પરંતુ બંને દેશ વચ્ચેના મજબૂત બનેલા દ્વિપક્ષીય સંબંધોમાં પણ તિરાડો પડી ગઇ છે. ઘણા નિષ્ણાતો માને છે કે ટ્રમ્પનું વ્યક્તિત્વ અસ્થિર છે. તેઓ સવારે તમારો હાથ પકડી શકે છે તો રાત્રે તમારી પીઠમાં છરો પણ ભોંકી શકે છે. છેલ્લા 25 વર્ષથી અમેરિકામાં સત્તારૂઢ થયેલા એક પછી એક પ્રમુખોએ ભારત સાથેના સંબંધો વિકસાવવામાં કોઇ કસર રાખી નહોતી. જેના પગલે બંને દેશ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો નવી ઊંચાઇ પર પહોંચ્યા હતા. ટ્રમ્પે તેમના પહેલા કાર્યકાળમાં આજ નીતિને અનુસરી હતી પરંતુ બીજી ટર્મમાં સત્તા પર આવ્યા બાદ તેમના વલણમાં અચાનક બદલાવ આવી ગયો છે. તેના કારણે હવે ભારત માટે અમેરિકા પર વિશ્વાસ મૂકવો મુશ્કેલ બની ગયું છે. ટ્રમ્પે અપનાવેલી ભારત વિરોધી નીતિઓ નવી દિલ્હી માટે ચેતવણીનો સંકેત છે.
ટ્રમ્પે એ તો પૂરવાર કરી દીધું છે કે તે કોઇના સગા નથી. પહેલા કાર્યકાળમાં તેમણે ચીનને નિશાન બનાવ્યો હતો પરંતુ બીજા કાર્યકાળમાં ચીન પ્રત્યેનું તેમનું કુણું વલણ ભારતને ઘણા પાઠ શીખવી જાય છે. જે રીતે ચીને મક્કમતાથી ટ્રમ્પની નીતિઓનો સામનો તેમના પહેલા કાર્યકાળ દરમિયાન કર્યો તેના કારણે જ ટ્રમ્પ બીજા કાર્યકાળમાં ચીન સામે ઢીલા પડી ગયાં છે. એટલું જ નહીં પ્રથમ કાર્યકાળમાં પાકિસ્તાનને લગભગ ભીખારી બનાવી દેનાર ટ્રમ્પ તેમના બીજા કાર્યકાળમાં પાકિસ્તાન પર ઓળઘોળ થઇ રહ્યાં છે. આજે સ્થિતિ એવી બની છે કે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો 25થી 30 વર્ષ અગાઉ હતા તે નીચી સપાટી પર આવી ગયાં છે. ટ્રમ્પ ભારતીય ઉપખંડમાં ફરી એકવાર અમેરિકાની વર્ષો જૂની નીતિ અમલી બનાવી પાકિસ્તાન અને ચીન સાથે મળીને ધરી બનાવી રહ્યાં છે. આવી સ્થિતિમાં ભારત અમેરિકા પર તો વિશ્વાસ મૂકી શકે તેમ જ નથી પરંતુ સાથે સાથે ચીનની વિશ્વસનીયતા હંમેશા શંકાના ઘેરામાં રહી છે. એ વાતમાં કોઇ શંકા નથી કે ટ્રમ્પની દગાબાજી બાદ ભારતે ચીન સાથેના સંબંધો સુધારવાની પહેલ કરી છે. તેમ છતાં ડ્રેગનની પેંતરાબાજીથી નવી દિલ્હી સારી રીતે વાકેફ છે તેથી એક એક પગલું ફૂંકી ફૂંકીને ભરવું પડશે. 1962થી ઓપરેશન સિંદૂર સુધીનો ઘટનાક્રમ બતાવે છે કે ચીન વિશ્વાસપાત્ર સાથી બનશે નહીં. બીજીતરફ પાકિસ્તાન પાસેથી સારા મિત્રતાપૂર્ણ સંબંધોની આશા રાખવી જ બેકાર છે. પાકિસ્તાનને તેની આતંકની ફેક્ટરી ચલાવવા માટે અમેરિકા અને ચીન જેવી મહાસત્તાઓના સમર્થનની જરૂર છે. પાકિસ્તાનની હેસિયત એક હાથાથી વિશેષ કશું નથી. વૈશ્વિક મહાસત્તાઓ તેમના સ્વાર્થ માટે પાકિસ્તાનના સત્તાધીશો અને ધરતીનો મન ફાવે તેમ ઉપયોગ કરતાં રહ્યાં છે.
બીજીતરફ રશિયા છે. એ વાતમાં કોઇ શંકા નથી કે રશિયાએ હંમેશા ભારતને મુશ્કેલ સમયમાં સાથ આપ્યો છે. પરંતુ એ પણ યાદ રાખવું જોઇએ કે હવે રશિયા પણ અગાઉનો સોવિયેત સંઘ રહ્યો નથી. અમેરિકા સાથે તેનું કોઇ શીતયુદ્ધ પણ ચાલી રહ્યું નથી. ટ્રમ્પ અને પુતિનના સંબંધો પણ સુમેળભર્યાં રહ્યાં છે. ટ્રમ્પ પુતિન માટે યુરોપિયન સંઘ અને નાટોને ધધડાવી શકે છે અને રશિયન આક્રમણોનો સામનો કરી રહેલા યુક્રેનને ધમકીઓ પણ આપી શકે છે. આગામી સમયમાં પુતિન ભારતનો કેટલો સાથ આપે છે તે વિચાર માગી લેતો સવાલ છે. આમ નવી વૈશ્વિક વ્યવસ્થામાં અમેરિકા સાથે વણસી રહેલા સંબંધો મધ્યે ભારતીય કૂટનીતિએ ફૂંકી ફૂંકીને આગળ વધવું પડશે.
