વિશ્વભરમાં 21 ફેબ્રુઆરીને આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભાષા એકબીજા સાથે ગુંથાયેલા શબ્દોથી પણ વિશેષ છે અને તેમાં પણ માતૃભાષા તો જન્મની સાથે જ નવજાત શિશુના કાનમાં શબ્દ સ્વરૂપે ગૂંજવા લાગે છે. માતૃભાષા બાળકને જન્મની સાથે જ વિશ્વ સાથે સંપર્ક સ્થાપિત કરવામાં મદદરૂપ બને છે. માતૃભાષા જ આપણને ન કેવળ એક વ્યક્તિ તરીકે પરંતુ પાઠક, વિચારક અને સમાજની ઓળખ પણ આપે છે. માતૃભાષા સાક્ષરતા અને અભ્યાસનો પાયો નાખે છે. યુનેસ્કોના એક અભ્યાસ અનુસાર માતૃભાષામાં શિક્ષણનો પ્રારંભ કરનારા બાળકો મજબૂત કુશળતા વિકસાવી શકે છે.
પરંતુ દુર્ભાગ્યની વાત એ છે કે બ્રિટન આવીને વસેલા ગુજરાતી ઇમિગ્રન્ટ્સની ત્રીજી પેઢીમાં માતૃભાષાનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે. તેમાં પણ જે પરિવારોમાં વડીલોની ગેરહાજરી હોય છે તેમના સંતાનો માતૃભાષાના જ્ઞાનથી વંચિત બની ગયાં છે. એ વાતથી ઇનકાર નથી કે બ્રિટન અંગ્રેજી ભાષી દેશ છે અને અહીં તમામ વ્યવહાર અંગ્રેજીમાં જ થાય છે પરંતુ સંતાનોને માતૃભાષાનો વારસો આપવો એ પરિવારની મહત્વની ફરજ બની રહે છે. માતૃભાષાનું જ્ઞાન સમાજ સાથેના તાણાવાણા મજબૂત બનાવે છે. નવી પેઢીને તેના મૂળ વતન સાથે જોડીને રાખે છે. આજે બ્રિટનમાં એવા ઘણા ગુજરાતી પરિવારો છે જેમાં પૌત્ર-પૌત્રી તેમના દાદા-દાદી સાથે ગુજરાતીમાં વાત કરી શક્તાં નથી તેથી તેમની વચ્ચે શબ્દો દ્વારા લાગણી અને સંવેદનાની આપલે પણ ઘટી રહી છે.
બ્રિટનમાં અભ્યાસ અને સામાન્ય વ્યવહારની મૂળ ભાષા અંગ્રેજી હોવાથી તેનું જ્ઞાન અત્યંત આવશ્યક છે. પરંતુ ફોરેન લેંગ્વેજ અને વિશેષ માતૃભાષાનું જ્ઞાન પણ એટલું જ આવશ્યક બની રહે છે. આજના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જમાનામાં કોઇપણ ભાષાનો તરજુમો આંગળીના ટેરવા પર આવી ગયો છે. તેના કારણે નવી પેઢીમાં અન્ય ભાષા પ્રત્યેની રૂચિમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં એ-લેવલ એક્ઝામના પરિણામ જાહેર થયાં. જેમાં આધુનિક ફોરેન લેંગ્વેજનો અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. નવી પેઢીની દલીલ છે કે જ્યારે મોબાઇલ એપ્સની મદદથી અન્ય ભાષાનું અંગ્રેજીમાં સરળતાથી ભાષાંતર ઉપલબ્ધ હોય ત્યારે તે શીખવાની શું જરૂર છે.
આજે અંગ્રેજી વૈશ્વિક ભાષા છે. તેમ છતાં માતૃભાષાનું મહત્વ ઓછું થઇ જતું નથી. એક અભ્યાસ પ્રમાણે માતૃભાષાનું જ્ઞાન બાળકને તેની શૈક્ષણિક ભાષામાં સરળતાથી ટ્રાન્ઝિશન કરવામાં મદદરૂપ થાય છે જેના પગલે તે મજબૂત શૈક્ષણિક કૌશલ્ય પ્રાપ્ત કરી શકે છે. પરિવાર અને ઘરમાં માતૃભાષાનો ઉપયોગ થતો હોય તો બાળક શાળામાં ઇન્સ્ટ્રક્શન લેંગ્વેજ સરળતાથી અપનાવી શકે છે. તેનાથી તેમના આત્મવિશ્વાસમાં પણ વધારો થાય છે અને વ્યવહારની ભાષામાં અસરકારક રીતે અભિવ્યક્તિ કરી શકાય છે.
તેથી જ પરિવારના સંતાનોને માતૃભાષા સાથે જોડી રાખવા એ વાલીઓની ફરજ બની જાય છે. તેના અનેક ફાયદા પણ છે. સૌથી મહત્વની વાત તો એ કે પરદેશની ધરતી પર પણ તમારા વતનની ભાષાની મહેક જળવાઇ રહે છે. યુરોપના ઘણા દેશો આજે પણ માતૃભાષાના ઉપયોગને જ પ્રાધાન્ય આપે છે. અંગ્રેજીનો ફક્ત શિક્ષણ અથવા તો વ્યવહાર માટે જ ઉપયોગ કરાય છે. તેથી જ બ્રિટનમાં વસતા ગુજરાતી પરિવારોએ પણ ઘરમાં નવી પેઢીને ગુજરાતીનું જ્ઞાન પીરસવું જ જોઇએ. આપણી ગુજરાતી સમૃદ્ધ ભાષા છે. ગુજરાતી સાહિત્ય ઉચ્ચ મૂલ્યો ધરાવે છે. તેનાથી બાળકોમાં સંસ્કારનું નિરૂપણ થાય છે.
