ગુજરાત સમાચારની 53 વર્ષની મોંઘેરી સેવામય સ્મરણયાત્રાની ઊજવણી

Wednesday 21st May 2025 08:52 EDT
 
 

એ બીપીએલ ગ્રૂપના ગુજરાત સમાચારના 53 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે હેઈઝમાં નવનાત સેન્ટર ખાતે 10 મેના રોજ શાનદાર સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે એશિયન બિઝનેસ પબ્લિકેશન લિમિટેડની સમર્પિત સેવાને સન્માનવા અને ઉજવવા બ્રિટિશ એશિયન કોમ્યુનિટી બહોળી સંખ્યામાં એકત્ર થઈ હતી.
ઉદ્ઘોષકો નમિતાબહેન શાહ અને મમતાબહેન ટોલીઆએ માનવંતા મહેમાનો અને મહાનુભાવોનું હાર્દિક અભિવાદન સાથે ઉષ્માસભર સ્વાગત કર્યું હતું. ભારતીય વિદ્યા ભવન સેન્ટરના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર
ડો. એમ. એન. નંદકુમારા OBEએ આત્માને સ્પર્શતી વૈદિક પ્રાર્થના સાથે સમારંભનો પ્રારંભ કરાવ્યો હતો. આ પછી, પવિત્ર દીપ પ્રાગટ્ય વિધિ સાથે ઊજવણીનો આરંભ થયો હતો. પહલગામ આતંકવાદી હુમલાનો ભોગ બનેલા મૃતકોના માનમાં મૌન પાળવામાં આવ્યું હતું. આ સાથે યુગાન્ડાના પ્રતિષ્ઠિત બિઝનેસમેન અને પરગજુ વ્યક્તિત્વ,
ડો. સુધીરભાઈ અને જ્યોત્સનાબહેન રૂપારેલિયાના પુત્ર રાજીવ રૂપારેલિયાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

સાંસ્કૃતિક વિરાસતને સમૃદ્ધ બનાવતી સાંજ

ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના પ્રકાશક અને તંત્રી તેમજ કંપનીના હૃદય અને આત્માસમાન સીબી પટેલની સાથે માનવંતા મહેમાનો લોર્ડ ડોલર પોપટ, લોર્ડ ક્રિશ રાવલ, ગિરીશ જોગિન્દર સંગર, પ્રદીપભાઈ અને વીણાબહેન ધામેચા, વ્રજભાઈ અને જ્યોતિબહેન પાણખણીઆ, દિવંગત અભિનેતા વિનોદ ખન્નાના પત્ની કવિતા ખન્ના, સુભાષભાઈ ઠકરાર OBE, કાન્તિભાઈ નાગડા MBE, નીલમબહેન વાડેરા, જશવંતભાઈ દોશી, સાંસદ બોબ બ્લેકમેન જોડાયા હતા. પાંચ દાયકા કરતાં વધુ સમયથી સાતત્યપૂર્ણ રહેલા વિશ્વસનીય પત્રકારત્વ, સામુદાયિક સેવા, અને સાંસ્કૃતિક સંબંધોને બિરદાવવા 500થી વધુ મહેમાનો ઈવેન્ટમાં ઉપસ્થિત રહ્યા હતા.
સાંસ્કૃતિક પરફોર્મન્સીસ અને સ્વાદિષ્ટ શાકાહારી ગુજરાતી ભોજનની સાથેનો ઈવેન્ટ ઉત્સાહપૂર્ણ અને જીવંત બની રહ્યો હતો. નવનાતની સન્નારીઓ કલ્પનાબહેન દોશી અને દક્ષાબહેન પટેલ દ્વારા મંત્રમુગ્ધ કરનારા ‘દીપનૃત્ય’ની રજૂઆત કરાઈ હતી. ભારતીબહેન શેઠીઆએ આત્માને સ્પર્શી જતા ભજનો રજૂ કર્યાં હતાં
બોલીવૂડથી આવેલાં વિશિષ્ટ મહેમાન કવિતા ખન્નાએ તેમના દિવંગત પતિ અને પ્રસિદ્ધ અભિનેતા વિનોદ ખન્ના વિશે લાગણીસભર વક્તવ્ય આપ્યું હતું. આ પછી તેમણે પોતાના મધુર સ્વરમાં લોકપ્રિય ધૂન ‘દિલ લે ગઈ કુડી ગુજરાત દી’ ગાવા સાથે સમગ્ર વાતાવરણને જીવંત બનાવી દીધું હતું અને લોકોએ ઉત્સાહ સાથે ગીત ઝીલી લીધું હતું.
ભવન્સના નૃત્યાંગનાઓ અન્વિતા દીક્ષિત અને શિવાની અવધાનીએ ભરતનાટ્યમ પરફોર્મન્સ ટિલાનાની પ્રસ્તુતિ સાથે સાંસ્કૃતિક પ્રદર્શન આગળ વધાર્યું હતું.
જાણીતા કોરિયોગ્રાફર હની કાલરિયાએ ધમાકેદાર ગુજરાતી ગરબા ‘ઢોલીડા’ની રમઝટ લગાવી હતી જેમાં તેમની સાથે તેમના પ્રતિભાશાળી શિષ્ય મિરાવ વેકરિયા પણ જોડાયા હતા. આ બંનેએ સંખ્યાબંધ ડાન્સ ચેમ્પિયનશિપ્સ જીતી છે અને તેઓ હની ડાન્સ એકેડેમીનું પ્રતિનિધિત્વ કરે છે.
HBS Girls ગ્રૂપ દ્વારા રોબોટિક ભરત નાટ્યમ નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. આ પછી, ફરી એક વાર મહાવીર ફાઉન્ડેશનની મહિલાઓએ સ્ટેજ પર ગરબાની જોશપૂર્ણ રમઝટ લગાવી હતી.

વકતાઓના ઉષ્માસભર શબ્દોથી જીવંત ઈવેન્ટ

સાંસ્કૃતિક કાર્યક્રમ અને થોડાં રિફ્રેશમેન્ટ્સ પછી મુખ્ય વક્તાઓને ગુજરાત સમાચાર અને ABPLના નેજા હેઠળ ચાલી રહેલા સામુદાયિક કાર્ય વિશે થોડાં શબ્દોમાં કહેવા વિશે આમંત્રિત કરવામાં આવ્યા હતા.
સંગત એડવાઈસ સેન્ટરના સીઈઓ કાન્તિભાઈ નાગડા MBEએ યુકે અને બહારના વાચકોને માત્ર સમાચાર નહિ પરંતુ, ગુજરાતી સમુદાય સાથે આત્મીય સંબંધની લાગણીની હોંશ હોય ત્યારે તેઓ કેવી રીતે માહિતી મેળવે છે તેના પર પ્રકાશ પાથર્યો હતો. તેમણે ગુજરાત સમાચારના યોગદાનની પણ નોંધ લીધી હતી અને કહ્યું હતું કે આ માત્ર કાર્ય નથી, સેવાયજ્ઞ અને જ્ઞાનયજ્ઞ છે. સી.બી. પટેલ અને તેમના પરિવાર દ્વારા સ્થપાયેલું ચેરિટેબલ ટ્રસ્ટ કર્મ યોગ ફાઉન્ડેશન સખાવતી કાર્યો કરે છે અને વર્તમાન સમયમાં સામાજિક સુધારા પણ લાવી રહેલ છે.
લોર્ડ ક્રિશ રાવલે તો ‘તમારી પાસે દાળ-ભાત-શાક-રોટલી છે અને સાથે ગુજરાત સમાચાર પણ છે.’ વાક્યથી વક્તવ્યનો આરંભ કર્યો અને સમગ્ર ઓડિયન્સે તેમને તાળીઓના ભારે ગડગડાટ સાથે વધાવી લીધા હતા. તેમણે સી.બી. પટેલના પ્રયાસોની પ્રસંશા કરતા જણાવ્યું હતું કે સી.બી. પટેલે ગુજરાતી કોમ્યુનિટીનો લેન્ડસ્કેપ જ બદલી નાખ્યો છે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે ગુજરાત સમાચાર પેઢીઓ માટે ક્રાંતિકારી મીડિયા હાઉસ બની રહ્યું છે.
તેમણે ઉમેર્યું હતું કે, ‘પાંચ દાયકા કરતાં વધુ સમયથી અખબારે માત્ર સંઘર્ષની નહિ પરંતુ, મહત્ત્વાકાંક્ષાની, માત્ર માઈગ્રેશનની નહિ પણ તમામ પેઢીઓ માટેની સ્ટોરીઝ આપણને જણાવી છે. સીબીજીએ સ્થાપેલું સમાચારપત્ર આપણે કોણ હતા અને આપણે ક્યાં સુધી પહોંચી શકીએ છીએ તેના માર્ગદર્શન સાથે અરીસો, આપણો નકશો બની ગયું છે. તેમણે આપણી ખામીઓને પડકારી છે અને વિજયો હાંસલ કરવા માટે ટકાઉ પ્લેટફોર્મ્સ આપ્યા છે. ગુજરાત સમાચાર માત્ર ન્યૂઝપેપર નથી પરંતુ, ઉત્સાહી કોમ્યુનિટી માટે ઘોષણાપત્ર છે અને મહત્ત્વ લોકોનું છે અને ગુજરાતીઓ ભલે ગમેત્યાં હોય, તેમની પાસે સન્માનીય વિરાસત છે અને ઘડવા માટે ભવિષ્ય પણ છે.’
લોર્ડ રાવલે એમ પણ ઉમેર્યું હતું કે સી.બી. કોઈ બેઠક કે હોદ્દા વિના રાજમુત્સદ્દી છે, ટાઈટલ વિનાના રાજદ્વારી છે, એક સાથે મિત્ર અને લડાયક યોદ્ધા પણ છે જેઓ લોકોના હૃદયમાં જીવે છે. તેમણે જંગલી પાકિસ્તાની હુમલાને વખોડી કાઢવા સાથે કહ્યું હતું કે, ‘બ્રિટન ભારત સાથે ખભે ખભા મિલાવીને ઉભું છે જેનું ઉદાહરણ સીબીજીએ અહીં ખભે ખભા મિલાવતી ઉપસ્થિતિ સાથે આપ્યું છે.’
સાંસદ બોબ બ્લેકમેને ABPLના આ સીમાચિહ્નની નોંધ લઈ આ વારસો આગળ વધતો રહે તેવી શુભકામના દર્શાવી હતી. તેમણે પાકિસ્તાને યુદ્ધવિરામનું કેવી રીતે ઉલ્લંઘન કર્યું તેનો પણ ઉલ્લેખ કરવા સાથે સરહદ પારના આતંકવાદને અંકુશમાં લેવાના ભારતના રાજદ્વારી પ્રયાસોને બિરદાવ્યા હતા. તેમણે લોકો પાસે ‘ભારત માતા કી જય’, ‘જય ગુજરાત’ અને ‘જય સીબી’ના નારાઓ લલકારાવ્યા હતા.
ગિરીશ જોગીન્દર સંગર આ વર્ષગાંઠની નોંધ લેતા એમ કહ્યું હતું કે, ‘આ બ્રાન્ડ તો મારી ઉંમર કરતાં પણ જૂની છે.’ તેમણે ગુજરાત સમાચાર સાથે પોતાના અનુભવનું સ્મરણ કરતા જણાવ્યું હતું કે, ‘મારા દિવંગત પિતા જોગિન્દર સંગરને આ ન્યૂઝપેપર્સ ઘણા ગમતા હતા અને તેની ઘણી એડિશન્સ આજે પણ તેમની ઓફિસમાં સચવાયેલી છે.’ તેમણે સી.બી.એ કેવી રીતે યુવા પેઢીને વિકસવા માટે સશક્ત બનાવી તે તરફ આભારની લાગણી વ્યક્ત કરવા સાથે ABPLમાં પ્રાણ ફૂંકવામાં સી.બી.ની ભારે મહેનતની પ્રસંશા કરી હતી.
લોર્ડ ડોલર પોપટે 53 વર્ષ પૂર્ણ કરાયા છે અને કેવી રીતે પેઢીઓના નેરેટિવ્ઝનું ઘડતર કર્યું છે તે બદલ ABPLને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું હતું કે આ ઊજવણીમાં હાજર રહેવા મળ્યું તેનું ગૌરવ છે.
તેમણે કહ્યું હતું કે, ‘હું 23 વર્ષથી અહીં હાજર રહ્યો છું અને દર વર્ષે બ્રિટિશ ભારતીય સમુદાયને એક સાથે લાવવામાં અને સૌથી મહત્ત્વની બાબત એ છે કે યુનાઈટેડ કિંગ્ડમમાં ભારતીય મૂલ્યોને ઉત્તેજન આપવામાં ABPLની સફળતાને ઊજવી છે.’ તેમણે કહ્યું હતું કે બ્રિટન આપણામાં જીવી રહ્યું છે.
સાંજ પસાર થઈ રહી હતી ત્યારે લંડનના ટાવર હેમ્લેટ્સમાં એટલી યૂથ એન્ડ કોમ્યુનિટી સેન્ટરના ચેરમેન સુભાષભાઈ ઠકરાર OBE મંચ પર આવ્યા હતા અને તેમણે સી.બી. 89 વર્ષની ઉંમરે નોંધપાત્ર યાત્રા કરી રહ્યા છે તેના સન્માનમાં ઉભા થવાં ઉપસ્થિત લોકોને વિનંતી કરી હતી. પશ્ચાદભૂમાં તાળીઓનો ભારે ગડગડાટ સંભળાઈ રહ્યો હતો ત્યારે મૂર પાર્ક લિમિટેડના ચેરમેન અને જાસ્પર ફાઉન્ડેશનના ટ્રસ્ટી સુભાષભાઈ ઠકરારે એક સંસ્થાનું સર્જન કરવા બદલ સી.બી.ને અભિનંદન પાઠવ્યા હતા.
તેમણે જણાવ્યું હતું કે, ‘સી.બી.એ આપણને સમાચાર, સંસ્કૃતિ અને કોમ્યુનિટી આપ્યા છે. તેઓ આપણી કોમ્યુનિટી અને વ્યાપકપણે સમાજને લાભદાયી નીવડેલા વિવિધ કેમ્પેઈન્સના નેતા છે.’ તેમણે સી.બી. અને વર્તમાનમાં યુકેમાં સૌથી આદરપાત્ર મીડિયા હાઉસ ABPL દ્વારા કાર્યો થકી મહાન યોગદાનને બિરદાવ્યું હતું. તેમણે કોમ્યુનિટીને યોગદાન આપનારા તમામ વ્યક્તિઓનો નામોલ્લેખ સાથે આભાર વ્યક્ત કર્યો હતો.
તેમણે દરેકને સીબીની કોલમ ‘એઝ આઈ સી ઈટ’ (મારી નજરે) વાંચવા અનુરોધ કર્યો હતો અને તેની મૌલિક સમજ અને વિચારપ્રેરક આઈડિયાઝની પ્રશંસા કરી હતી. ઠકરારે સી.બી. પટેલ અને ABPL ગ્રૂપના અમૂલ્ય કાર્યોને બિરદાવતા તેને વર્તમાન યુકેમાં સૌથી આદરપાત્ર મીડિયા હાઉસ તરીકે ગણાવ્યું હતું. વ્યાપકપણે કોમ્યુનિટીને બિરદાવતા ઠકરારે ઘણી વ્યક્તિઓ પ્રત્યે હૃદયસ્પર્શી લાગણી વ્યક્ત કરી જણાવ્યું હતું કે આ ઊજવણી માત્ર ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ માટેની જ નહિ પરંતુ, બ્રિટિશ સમાજને સામૂહિક યોગદાન આપનારા સહુ કોઈને બિરદાવનારી બની રહેવી જોઈએ.
તેમણે લોર્ડ રાવલ અને લોર્ડ પોપટની લાગણીનો પડઘો પાડતા જણાવ્યું હતું કે, ‘આપણે બધા બ્રિટિશ સમાજમાં સારી રીતે ઓતપ્રોત બની ગયા છીએ.’ તેમણે અમીટ છાપ ઉપસાવનારા અને ખાસ કરીને યુગાન્ડાથી આવેલા ગુજરાતી સમુદાય અને 1970ના દાયકાના પ્રણેતાઓને આદરાંજલિ અર્પી હતી. તેમણે ગુજરાતી કોમ્યુનિટી માટે બહુમૂલ્ય યોગદાન આપનારા તેમજ ’70ના દાયકામાં અને તે પછી પણ તફાવત સર્જનારા આવા સહુ કોઈનો નામોલ્લેખ કરી સન્માન દર્શાવ્યું હતું.

આ વ્યક્તિત્વોમાં સમાજને અમૂલ્ય યોગદાન આપનારા બિઝનેસમેન અને પરગજુ પ્રદીપભાઈ ધામેચા OBE, પોતાની સખાવતો અને અન્ય સામાજિક પ્રવૃત્તિઓથી ઈસ્ટ લંડનમાં પ્રભુત્વ ધરાવનારા દિવંગત વિનુભાઈ નાગ્રેચા અને હસુભાઈ નાગ્રેચાનો પરિવાર, પોતાના કોમ્યુનિટી હોલમાં વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે કોમ્યુનિટીની યજમાની કરનારા અને જ્યારે પણ જરૂર પડી ત્યારે હંમેશાં ગુજરાત સમાચારની પડખે ઉભા રહી સપોર્ટ કરનારા રમેશભાઈ કણસાગરાનો સમાવેશ થયો હતો.
સુભાષભાઈએ લોર્ડ પોપટ, કૌશિકભાઈ દેસાઈ, પરેશભાઈ રાજા, રિશિ પટેલ, વજુભાઈ પાણખણીઆ અને પરિવાર, યોગેશભાઈ અને હિતેશભાઈ મહેતા, મુમતાઝ પટેલ, વિજયભાઈ અને ભીખુભાઈ પટેલ, જી.પી. હિન્દુજા, લોર્ડ કરણ બિલિમોરિયા, નીતિનભાઈ પટેલ, કેતનભાઈ કોટેચા, પ્રીતિ પટેલ, ભરતભાઈ શાહ, કૂલેશ શાહ, સંઘેર પરિવારનો આભાર માનવા સાથે કોમ્યુનિટીને સતત અર્પણ કરતા રહેલા તમામ લોકોનાં યોગદાનને બિરદાવ્યું હતું.

સોવેનિયરમાં વિરાસતની કથાઓનો સંગ્રહ

ગુજરાત સમાચારના 53 વર્ષ પૂર્ણ થવાના નોંધપાત્ર સીમાચિહ્નને સ્મરણીય બનાવવા ગુજરાત સમાચારના કન્સલ્ટિંગ એડિટર જ્યોત્સનાબહેન શાહે હૃદયસ્પર્શી લાગણી વ્યક્ત કરવા સાથે આગામી સોવેનિયર ‘સોનેરી સ્મૃતિગ્રંથ - અ ટાઈમલેસ ટ્રેઝર’ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેની પશ્ચાદભૂ જણાવવા સાથે તેમણે જણાવ્યું હતું કે આ સ્મરણીય દ્વિભાષી સોવેનિયર માત્ર પ્રકાશન નથી પરંતુ, વિરાસતની ઊજવણી, મક્કમ નિર્ધારની નોંધ અને ચારે દિશાના ખંડોમાં પ્રસરેલી અને વિકસેલી કોમ્યુનિટીની ઉત્સાહપૂર્ણ ભાવનાને આદરાંજલિ છે. આ સ્મરણીય એડિશનમાં વિશિષ્ટ મહાનુભાવો, બિઝનેસમેન્સ, પરોપકારી વ્યક્તિત્વો, રાજકારણીઓ અને અન્ય સફળ વ્યક્તિઓના સ્થળાંતરની પ્રેરણાદાયક કથાઓ, અતિ દુર્લભ તસવીરો તેમજ આપણી સામૂહિક યાત્રાના હૃદયસ્પર્શી ચિંતનોનો સમાવેશ કરાયો છે. આ સ્મૃતિગ્રંથનું લોકાર્પણ જુલાઈ 2025માં કરવાનું નિર્ધાર્યું છે. આ રીતે ગુજરાત સમાચાર અને ABPLની વિરાસત આગળ વિકસતી અને વધતી રહેશે અને વૈશ્વિક અસર ઉભી કરવા સાથે પોતાની ઓળખ-અસ્મિતાનું ગૌરવ લેવા આગામી પેઢીને પ્રેરણા આપશે.
લાગણીને વ્યક્ત કરવા શબ્દો ઓછાં પડી રહ્યાા છેઃ સી.બી.
ઈવેન્ટ સમાપન તરફ આગળ વધી રહ્યો હતો ત્યારે નમિતાબહેન શાહે સી.બી.નો પરિચય તેમના જ શબ્દોને ટાંકતાં આપ્યો હતો કે, ‘તમે લક્ષ્ય સાધો અને નિષ્ફળ જાઓ તો વાંધો નહિ પણ નિશાન નીચું ન હોવું જોઈએ (નિશાનચૂક માફ, નહિ માફ નીચું નિશાન)’
આ પછી સી.બી. પટેલે સંબોધન કરતા કહ્યું હતું કે, ‘શું કહેવું અને શું ના કહેવું તેની ભારે મૂંઝવણ છે. મને આવી અદ્ભૂત સાંજ અને એક જ છત હેઠળ આટલા બધા લોકોની યજમાની કરવાની તકના આશીર્વાદ આપવા બદલ હું પરમ કૃપાળુ પરમાત્માનો આભાર માનું છું. ગુજરાતી મારી ભાષા છે, સંસ્કૃતિ છે અને મારો પ્રાણવાયુ છે. ભારત મારી જન્મભૂમિ છે અને બ્રિટન મારી કર્મભૂમિ છે. મેં ઘણા દેશોનો પ્રવાસ ખેડ્યો છે અને અસંખ્ય લોકોને મળ્યો છું પરંતુ, વર્ષો દરમિયાન તમારા બધા પાસે છે જે આદર અને પ્રેમ સાંપડ્યો છે તે માટે હું મારી જાતને ખૂબ સદ્નસીબ ગણું છું. મારી લાગણીને વ્યક્ત કરવા માટે શબ્દો ઓછાં પડી રહ્યા છે.’
તેમણે સમાજનું ઋણ પરત કરવાની પોતાની નિશ્ચલ પ્રતિબદ્ધતા વિશે જણાવ્યું હતું અને કંપનીને આકાશી સફળતાને આંબવા સુધી પહોંચાડવાના તેમના સ્વપ્નને સાકાર કરવામાં મદદ કરવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવનારી ઘણી વ્યક્તિઓને બિરદાવ્યા હતા. તેમણે આ વિસ્મરણીય પળનો હિસ્સો બનવા ઉપસ્થિત રહેનારા તમામ લોકોનો આભાર માન્યો હતો. તેમણે ઓડિયન્સમાંથી વર્તમાન અને પૂર્વ સ્ટાફ મેમ્બર્સને મંચ પર આમંત્રિત કર્યા હતા તેમજ ગુજરાત સમાચાર અને ABPLની ગૌરવયાત્રામાં અમૂલ્ય યોગદાન આપવા બદલ ઋણસ્વીકાર કર્યો હતો.
સુંદર સજાવટ અને ઈવેન્ટની સમગ્રતયા વ્યવસ્થા માટે નવનાત વણિક એસોસિયેશન-યુકેના પ્રેસિડેન્ટ જશવંતભાઈ દોશીનો હાર્દિક આભાર વ્યક્ત કરાયો હતો. હોલ સેક્રેટરી હસ્મિતાબહેન દોશી, નવનાત વડીલ મંડળના પ્રેસિડેન્ટ નટુભાઈ મહેતા, બચુભાઈ મહેતા, નવનાત ભગિનીનાં વાઈસ પ્રેસિડેન્ટ વર્ષાબહેન વોરા, નવનાત ભગિનીનાં પ્રેસિડેન્ટ સરોજબહેન વારીઆ તથા નવનાતની તમામ કમિટી સભ્યોનો ખાસ આભાર માનવામાં આવ્યો હતો. આ ઈવેન્ટના હોસ્પિટાલિટી, સેવા તેમજ કાર પાર્કિંગથી માંડી સિક્યોરિટી, સફાઈ, AV સિસ્ટમ સપોર્ટ અને કેટરિંગ સહિત વિવિધ પાસાઓની વ્યવસ્થામાં તેમની સમર્પિતતા અને સપોર્ટ કારણભૂત રહ્યાં હતાં.


comments powered by Disqus