વોશિંગ્ટનઃ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન વચ્ચે સોમવારે ફોન પર બે કલાક લાંબી વાતચીત થઈ. ટ્રમ્પના કહેવા પ્રમાણે રશિયા-યુક્રેન યુદ્ધવિરામ માટે જલદી વાટાઘાટો શરૂ કરશે. ટ્રમ્પે દાવો કર્યો કે રશિયા યુદ્ધ પૂરું થયા બાદ અમેરિકા સાથે મોટાપાયે વેપાર કરવા માગે છે. યુક્રેનને પણ આ વેપારથી ફાયદો થશે. પુતિન સાથે વાતચીત દરમિયાન ટ્રમ્પે તેમને પૂછ્યું હતું કે, શું તેઓ શાંતિ અને યુદ્ધવિરામ માટે ગંભીર છે? વ્હાઇટ હાઉસનાં પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે જણાવ્યું કે, ટ્રમ્પનું લક્ષ્ય રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધવિરામ અને આ સંઘર્ષનો અંત લાવવાનું છે. આ અગાઉ ટ્રમ્પે યુક્રેનના પ્રમુખ વ્લાદિમીર ઝેલેન્સ્કી સાથે પણ વાત કરી હતી. પુતિને સ્પષ્ટ કર્યું કે સંકટના મૂળ પ્રશ્નોના ઉકેલથી જ યુદ્ધવિરામ શક્ય બનશે.