ભારતના અગ્રણી ઉદ્યોગપતિ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મૂકેશ અંબાણીએ 14 મેએ કતારના દોહામાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને કતારના લીડર શેખ તમીમ બિન હમાદ અલ થાની સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન મૂકેશ અંબાણી ટ્રમ્પ સાથે હાથ મિલાવતા જોવા મળ્યા હતા અને બંને વચ્ચે ટૂંકી વાતચીત પણ થઈ હતી. ટ્રમ્પ બાદ મૂકેશ અંબાણી કતારના અમીર સાથે હાથ મિલાવતા દેખાયા હતા, જે પછી ઔપચારિક હાથ મિલાવવાની સેરેમની શરૂ થઈ હતી. મીડિયા અહેવાલ મુજબ એશિયાના સૌથી ધનિક મુકેશ અંબાણીએ લુસેલ પેલેસ ખાતે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે આયોજિત સ્ટેટ ડિનરમાં હાજરી આપી, પરંતુ તેમના વચ્ચે કોઈ રોકાણ કે વ્યવસાયિક ચર્ચા થઈ હોવાની કોઈ શક્યતા નથી.