યોગા-મુદ્રા દ્વારા હઠીલા રોગ પણ ભગાવી શકો છોઃ કમુબહેન પલાણ

બાદલ લખલાણી Wednesday 21st May 2025 07:05 EDT
 
 

ગુજરાત સમાચાર અને તેના પ્રકાશક-તંત્રી સી.બી. પટેલ હંમેશાં નિતનવા વૈશ્વિક અને ભારતીય રાજકારણ, સમાજ અને ધર્મને પ્રાધાન્ય આપતાં સોનેરી સંગતનું આયોજન કરતાં રહ્યાં છે. જો કે સ્વાસ્થ્યને પણ સી.બી. પટેલે ગુજરાત સમાચાર દ્વારા એટલું જ મહત્ત્વ આપ્યું છે. આ જ કારણે ગુજરાત સમાચારે તેના ખાસ ઝૂમ કાર્યક્રમ સોનેરી સંગતના 59મા અધ્યાયમાં ફરીથી એકવાર કમુબહેન પલાણને આમંત્રણ આપ્યું હતું, જેમના દ્વારા હાજર શ્રોતાઓને અને તેમાં પણ ખાસ કરીને વડીલોને યોગમુદ્રા અને આસન દ્વારા કેવી રીતે સ્વસ્થ જીવન જીવી શકાય તેના પાઠ ભણાવાયા હતા.
યંગ રહેવા ખાસ મુદ્રા
કાર્યક્રમની ધુરા સંભાળતાં કમુબહેન પલાણે કહ્યું કે, આજના જમાનામાં દરેકને જુવાન રહેવું છે. તેના માટે ઊઠતાં બેડ પર જ ચહેરા પર બંને હાથથી નીચેથી ઉપરની તરફ, એટલે કે દાઢીના ભાગથી કપાળ સુધી ઉપરની તરફ મસાજ કરવું. નિયમિત રીતે સૂતા પહેલાં અને ઊઠતાં જ આમ કરતાં તમારી સ્કિન યંગ થવાની સાથે એક્ટિવેટ થશે અને ચમકતી રહેશે. આમ કરવાથી મેકઅપ કે બોટોક્સ જેવી કોઈ વસ્તુની જરૂર નહીં પડે.
યંગ રહેવાની બીજી એક મુદ્રા પણ છે. બંને હાથની હથેળીને ચહેરા સમક્ષ રાખી આંગળીઓને ઇન્ટરલોક કરી મુઠ્ઠી બનાવો અને છૂટા કરો. આ મુદ્રા કરવાથી તમને આર્થરાઇટિસમાં પણ ફાયદો થશે. આ મુદ્રા તમે દિવસમાં ગમે તેટલી વાર અને ગમે ત્યારે કરી શકો છો. આ બંને વસ્તુ કરવાથી તમારી સ્કિન તો ગ્લો કરશે જ, સાથોસાથ બ્લડ સર્ક્યુલેશન પણ યોગ્ય થઈ જશે. આ સાથે હાથને ધ્રુજતા રોકવા માટે મુઠ્ઠી વાળીને ખોલ-બંધ કરવાથી આર્થરાઇટિસમાં રાહત મળવાની સાથે આંગળીના પ્રેશર પોઇન્ટ પ્રેસ થશે. આમ થવાથી લિવર, કિડની, સ્ટમક અને શરદી- ઊધરસમાં થતી તકલીફોથી પણ રાહત મળશે.
શરીરના બ્લોકેજ પણ થશે દૂર
આ સાથે કમુબહેન પલાણે જણાવ્યું કે, આજકાલના જમાનામાં ગમે તેવી સ્વસ્થ વ્યક્તિના શરીરમાં પણ ક્યાંકને ક્યાંક બ્લોકેજીસ હોય જ છે, ભલે તેનાથી તે અવગત હોય કે નહીં. આવા અજાણ્યા બ્લોકેજીસ કાઢવા માટે પણ હાથમાં એક મેજિક પ્રેશર પોઇન્ટ છે. ડાબા હાથની પોઇન્ટર અને બિગમેન ફિંગરને જોડતી મુલાયમ ચામડીને દબાવીને ગોળ-ગોળ ફેરવવું. આમ કરવાથી શરીરમાં તમને પણ ખ્યાલ ન હોય તેવા બ્લોકેજીસ દૂર થશે. આ પ્રયોગ ડાબા હાથમાં એક મિનિટ કર્યા બાદ જમણા હાથમાં પણ એક મિનિટ કરવો. જ્યારે આ સ્થળે દુખાવો ન થાય ત્યારે સમજવું કે તમારા શરીરનાં બ્લોકેજ દૂર થયાં છે.
થાઇરોઈડની સમસ્યાનું પણ સમાધાન
લોકોમાં થાઇરોઇડની વધતી સમસ્યા માટે એક ખાસ પ્રેશર પોઇન્ટ છે. અંગૂઠાની નીચેની તરફ હથેળીમાં આવતા સ્નાયુબદ્ધ વિસ્તારથી હથેળીમાં ઢળતા ભાગને ત્રણથી પાંચ મિનિટ સુધી ચાર આંગળીથી દબાવો. આ મુદ્રા હાઇપર અને લો બંને થાઇરોઇડ માટે ખૂબ ફાયદાકારક છે. આ મુદ્રા દિવસમાં ગમે ત્યારે ગમે તેટવી વખત કરી શકો છો. આ મુદ્રા બંને હાથમાં કરવી જરૂરી છે.
તાળી પાડો અને ફેફસાં, હૃદયને સ્ટ્રોંગ કરો
કમુબહેન પલાણે કહ્યું કે, શરીરને જોઈતો ઓક્સિજન આપવા અને તમામ અંગોને એક્ટિવેટ કરવા તાળી પાડવાની એક વિશિષ્ટ રીત છે. આ યોગ કરતાં છાતીની સામે બંને હાથથી આગળ અને પાછળ તાળી પાડવી. આમ કરવાથી શરીરમાં ઓક્સિજન વધારે જશે, ફેફસાં મજબૂત થશે અને તબિયતને લગતી તમામ સમસ્યા સુધરવાની સાથે રોગપ્રતિકારક શક્તિમાં વધારો થશે. આ પ્રકારે ફેફસાંના મસલ્સ સ્ટ્રોંગ થવાની સાથે હાર્ટના મસલ્સ પણ સ્ટ્રોગ થશે. આ ઉપરાંત લિવર અને કરોડરજ્જુને પણ ફાયદો થશે. યોગાની આ રીતથી અંડરઆર્મ્સની બેડ સ્મેલ પણ ઓછી થશે, જેનાથી તમારો ડિઓ સહિતનો ખર્ચ પણ બચી જશે.
આગળ-પાછળ આ જોશથી રીતે તાળી પાડવાથી હાથમાં આવેલા તમામ ઓર્ગન્સ સ્ટમક, કિડની, લિવર, સ્પ્લીન તમામ પોઇન્ટ્સ એક્ટિવેટ થાય છે. થોડીવાર તાળીઓ પાડવાથી તમારા હાથમાં થોડી બળતરા થશે, તે દર્શાવે છે કે તમારા શરીરનાં તમામ અંગોના બ્લોકેજીસ દૂર થઈ રહ્યાં છે.
ચાલવામાં પડતી તકલીફ થશે દૂર
આ સાથે કમુબહેને વડીલોને ચાલવામાં પડતી તકલીફ અંગે જણાવ્યું કે, તમારે તમારા પગને મજબૂત કરવા હોય તો શરીરમાં બ્લડ સર્ક્યુલેશન વધારવું ખૂબ જરૂરી છે. જેના માટે ઊભાઊભા, બેઠાંબેઠાં કે સૂતાંસૂતાં કોઈપણ સ્થિતિમાં એક પગના વચ્ચેના ભાગથી બીજા પગના ઉપરના ભાગ પર થોડું પ્રેશર આપી ઉપરથી નીચેની તરફ રબ કરવું. આમ કરવાથી બ્લડ સર્ક્યુલેશન વધશે અને પગમાં કે ગોઠણમાં થતા દુખાવાથી રાહત મળશે. આ ક્રિયા વારાફરથી બંને પગ પર કરવું, પરંતુ પગ જમીન સાથે જોડાયેલો હોવો જરૂરી છે.
કિડની સ્ટોન માટે ઓપરેશનની જરૂર નહીં
આજના જમાનામાં અનેક લોકોની કિડની યોગ્ય રીતે કામ કરતી નથી. કિડનીને લગતી કોઈ બીમારી અથવા સ્ટોન હોય તેવી સ્થિતિમાં બંને હાથની હથેળીની વચ્ચોવચ પ્રેશર પોઇન્ટ સ્ટિકને સેટ કરી પ્રેશર આપો. આમ કરવાથી તમારા કિડની સ્ટોન ઓગળીને જાતે જ નીકળી જશે અને સાથે કિડની ઇન્ફેક્શન કે કોઈપણ પ્રકારની સમસ્યાથી રાહત મળશે. આ પ્રેશર પોઇન્ટ દિવસમાં ત્રણ વખત દબાવવાથી કિડનીને લગતી કોઈપણ સમસ્યાનું સમાધાન મળી જશે અને ઓપરેશનની જરૂર જ નહીં પડે.
યુરિન ઇન્ફેક્શન આ રીતે ભગાવો
ઘણી મહિલાઓને યુરિનમાં ઇન્ફેક્શન થતું હોય તેવી સ્થિતિમાં તમારે રોજ એક ઓરેન્જને લઈ તેના ચાર ટુકડા કરવા, જેને ગ્રિલમાં નાખી થોડા બ્રાઉન કે કાળા રંગના થવા દેવાના. આ ગરમ થયેલી ઓરેન્જ તમારે સવારે ખાલીપેટે જ ખાવી. આમ કરવાથી તમારું યુરિન ઇન્ફેક્શન કાયમ માટે નીકળી જશે, આ સાથે લિવર અને કિડની પણ સાફ થઈ જશે. વારંવાર પેશાબ જવું, પેશાબમાં બળતરા કે દુખાવો થવો જેવી તમામ સમસ્યાથી આમ કરવાથી છુટકારો મળશે.રાત્રે અથવા દિવસે વારંવાર પેશાબ જવાની સમસ્યામાં બંને હાથની ટચલી આંગળીને ઇન્ટરલોક કરી અન્ય આંગળીઓની મુઠ્ઠી વાળો. ઇન્ટરલોક કરેલી બંને ટચલી આંગળીને ખેંચવી. આમ કરવાથી વારંવાર પેશાબ કરવાની સ્થિતિમાં ધીમેધીમે સુધારો આવવા લાગશે. આ સાથે રાત્રે સૂતા પહેલાં એક ગ્લાસ જેટલું જોઈતું પાણી પી લેવું. આમ કરવાથી સવારે તમે એકદમ તરોતાજા મહેસૂસ કરશો.
કાર્યક્રમનું સમાપન કરતાં સી.બી. પટેલે જણાવ્યું કે, કમુબહેને કોઈપણ સ્વાર્થ વિના આપણને સરળ યોગનું જ્ઞાન આપ્યું. કમુબહેન તમે યુવાન, વૃદ્ધ, પુરુષ અને મહિલાઓ સૌકોઈને પ્રેરણા આપો છો, જીવન જીવવાનો ઉમંગ આપો છો.


comments powered by Disqus