અદાણી વિવાદથી ચર્ચામાં આવેલી ‘હિન્ડનબર્ગ રિસર્ચ’ના પાટિયાં પડ્યાં

Wednesday 22nd January 2025 04:51 EST
 
 

નવી દિલ્હીઃ યુએસ શોર્ટ સેલિંગ ફર્મ હિન્ડનબર્ગ રિસર્ચ કંપની બંધ થઈ છે. કંપનીના ફાઉન્ડર નાથન એન્ડરસને બુધવારે મોડીરાત્રે આ જાહેરાત કરતાં કહ્યું હતું કે, સમજી વિચારીને કરાયેલો આ અંગત નિર્ણય છે. જો કે એન્ડરસને કંપની બંધ કરવાનું કોઈ ચોક્કસ કારણ જણાવ્યું નહોતું. હિન્ડનબર્ગ રિસર્ચ કંપની 2017માં શરૂ કરાઈ હતી. હિન્ડનબર્ગ રિસર્ચના અહેવાલોને કારણે ભારતના અદાણી ગ્રૂપ અને ઇકાન એન્ટરપ્રાઇઝ સહિત અનેક કંપનીઓને અબજો ડોલરનું નુકસાન થયું.
સેબી વડાનું નામ લીધું હતું હિન્ડનબર્ગે
ઓગસ્ટ 2024માં હિન્ડનબર્ગે એક અહેવાલમાં દાવો કર્યો હતો કે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) વડા માધવી પુરી બૂચ અને તેમના પતિ ધવલ બૂચ અદાણી સાથે જોડાયેલી ઓફશોર કંપનીમાં ભાગીદાર છે.
નાથન એન્ડરસને લખ્યું...
અમે જે વિચારો પર કામ કરી રહ્યા હતા તે પૂર્ણ થતાં જ આ નિર્ણય પર આવ્યા છીએ. હું આ બધું ખુશીથી લખી રહ્યો છું. કંપની બનાવવી મારા જીવનનું સપનું રહ્યું છે. શરૂઆતમાં મને ખબર નહોતી કે સંતોષકારક ઉકેલ મળશે કે નહીં. આ સરળ વિકલ્પ નહોતો.’
સફળ કારકિર્દી ક્યારેક સ્વાર્થી બને છે
એન્ડરસને જણાવ્યું કે, કંઈ ખાસ વાત નથી. કોઈ ખાસ ખતરો નથી, કોઈ સ્વાસ્થ્ય સમસ્યા નથી અને કોઈ મોટી વ્યક્તિગત સમસ્યા પણ નથી. કોઈએ મને એકવાર કહ્યું હતું કે, એક ચોક્કસ સમયે એક સફળ કારકિર્દી સ્વાર્થી કૃત્ય બની જાય છે. શરૂઆતમાં મને લાગ્યું કે, મારે મારી જાતને કેટલીક બાબતો સાબિત કરવાની જરૂર છે. હવે મને આખરે થોડો આરામ મળ્યો છે, કદાચ મારા જીવનમાં પહેલી વાર છે.


comments powered by Disqus