ઇઝરાયલ હમાસ વચ્ચે આખરે સીઝફાયર

Wednesday 22nd January 2025 05:49 EST
 

નવી દિલ્હીઃ ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ પર અંતે સીઝફાયર ડીલ મંજૂર થઈ છે. ઇઝરાયલની પીએમ ઓફિસથી બંધકોને મુક્ત કરવા માટે સમજૂતી કરાર પર ડીલ થઈ ગઈ છે. આ વાતચીત વિશે પીએમ નેતન્યાહૂની ટીમે જાણકારી આપી છે.
વડા પ્રધાન નેતન્યાહૂએ વાટાઘાટ કરનારી ટીમ અને મદદ કરનારા તમામ લોકોની પ્રશંસા કરી હતી અને પીએમ ઓફિસ ઓથોરિટીએ બંધકો અને ગુમ થયેલા લોકોના પરિવારોને તેમની મુક્તિ અંગે જાણ કરી છે.
પીએમ નેતન્યાહૂએ કહ્યું કે, અમે બંધકો અને ગુમ થયેલા લોકોની મુક્તિ માટે પ્રતિબદ્ધ છીએ. બુધવારે જ ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ કરારની જાહેરાત કરાઈ હતી. બંનેએ આ અંગે સહમતી પણ વ્યક્ત કરી હતી. નેતન્યાહૂએ કહ્યું કે, ‘હમાસે તેની નવી માગણી છોડી દેવી પડશે. હમાસે ગાઝામાંથી પીછેહઠ કરવી જ જોઈએ. હમાસ પોતાનાં વચનો તોડી રહ્યું છે.
હમાસે ત્રણ ઇઝરાયલી મહિલાને છોડી
ઇઝરાયલ-હમાસ વચ્ચે યુદ્ધવિરામ સમજૂતી અંતે અમલી બની. આ સાથે રવિવારે હમાસે પ્રથમ તબક્કામાં 3 ઇઝરાયલી મહિલા બંધકોને રેડક્રોસને સોંપી હતી. ત્રણેયને મુક્ત કરતા પહેલાં હમાસે ત્રણેયનાં નામ જાહેર કર્યાં હતા.
ઈઝરાયલે 90 કેદી મુક્ત કર્યા
ઇઝરાયલ-હમાસ વચ્ચેના લોહિયાળ સંઘર્ષ પછી શાંતિનો સંદેશ પ્રસરી રહ્યો છે. ગાઝામાં હમાસની કેદમાંથી ઈઝરાયલના ત્રણ બંધકો મુક્ત કર્યાના કલાકોમાં જ સોમવારે ઈઝરાયેલે પેલેસ્ટાઈનના 90 કેદીઓ અને અટકાયત કરાયેલા લોકોને મુક્ત કરી દીધા છે. ઈઝરાયલ અને હમાસની વચ્ચે ગાઝા યુદ્ધ વિરામની પ્રથમ ચરણના ભાગરૂપે કરાયેલી સમજૂતિ અંતર્ગત હમાસ આગામી છ સપ્તાહમાં પેલેસ્ટાઈનના ક્ષેત્રમાં બંધક બનાવેલા ઈઝરાયેલના 33 નાગરિકોને ધીમે-ધીમે છોડશે, તેના બદલામાં ઈઝરાયેલ પશ્ચિમ તટ અને ગાઝામાંથી લગભગ 2000 કેદીઓ અને અટકાયત કરાયેલા લોકોને મુક્ત કરશે.
ગાઝામાં કાટમાળ હટાવતાં 15 વર્ષ લાગશે
યુદ્ધવિરામની સાથે પેલેસ્ટિનિયનો સામે અઘરા પડકારો છે. ઇઝરાયલી સેનાના અભિયાનોએ ગાઝાનાં ઘણાં શહેરોને કાટમાળમાં ફેરવ્યાં છે. પાણી અને વીજળી સપ્લાયનું માળખું તબાહ થયું છે. યુદ્ધ પહેલા 4 મહિનામાં ગાઝામાં રૂ. 1.60 લાખ કરોડનું નુકસાન થયું હતું. અંદાજ મુજબ અહીં કાટમાળ હટાવતાં 15 વર્ષ લાગશે.
હવે ગાઝા પર કોણ રાજ કરશે?
સીઝફાયર ડીલમાં ઘણા વણઉકલ્યા સવાલો પણ છે. તેમાંનો સૌથી મોટો સવાલ એ છે કે, ગાઝા પર હવે કોણ શાસન કરશે? શું ઇઝરાયલ રાજ કરશે કે પછી પેલેસ્ટાઇન લિબરેશન ઓર્ગેનાઇઝેશન (પીએલઓ). પેલેસ્ટાઈનના પીએમ મોહમ્મદ મુસ્તફાએ કહ્યું કે ગાઝા પર શાસન કરવાનો અધિકાર માત્ર પીએલઓનો છે.


comments powered by Disqus