કીવઃ યુક્રેન યુદ્ધમાં ભારતના ઘણા નાગરિકો રશિયા વતી લડી રહ્યા હોવાના અહેવાલો વચ્ચે ભારતના વિદેશ મંત્રાલયે શુક્રવારે જણાવ્યું હતું કે યુક્રેન સામે રશિયન આર્મી તરફથી લડતા 12 ભારતીય નાગરિકોના મોત થયા છે અને 16 લાપતા બન્યાં છે. ફેબ્રુઆરી 2024 યુક્રેન પર આક્રમણ પછી રશિયાએ તેની આર્મીમાં હજારો વિદેશી નાગરિકોને સામેલ કર્યા છે.
મીડિયાને સંબોધતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે ભારતીય નાગરિકો રશિયન આર્મીમાં ફરજ બજાવતા હોય તેવા આજ સુધીમાં 126 કેસ બહાર આવ્યા છે. આ 126 કેસમાંથી 96 લોકો ભારત પરત ફર્યા છે અને તેમને રશિયન સશસ્ત્ર દળોમાંથી મુક્ત કરાયા છે. ભારતના 18 નાગરિકો રશિયન આર્મીમાં છે અને તેમાંથી 16 લોકોના ઠેકાણાની ખબર નથી. રશિયન પક્ષે તેમને ગુમ તરીકે વર્ગીકૃત કર્યા છે. અમે જેઓ બાકી છે તેમની વહેલા મુક્ત કરવા અને સ્વદેશ પરત મોકલવાની માગણી કરી છે. 12 ભારતીય નાગરિકો મૃત્યુ પામ્યા છે જેઓ રશિયન આર્મીમાં સેવા આપી રહ્યાં હતાં.
વિવિધ અંદાજો અનુસાર રશિયાએ યુક્રેન મોરચે 55થી 60 હજાર વિદેશી લડવૈયાઓ તૈનાત કર્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ લડવૈયાઓ ભારત, નેપાળ, ઘાના, યમન જેવા દેશોના છે.

