સાબરમતી પહેલાંનો સત્યાગ્રહ આશ્રમ એટલે કોચરબ

સોનેરી સંગત

બાદલ લખલાણી Wednesday 22nd January 2025 04:51 EST
 
 

ગુજરાત સમાચાર લોકપ્રશ્નો ઉઠાવવા માટે તો જાણીતું છે જ, સાથોસાથ જ્ઞાનયજ્ઞ અને સેવાયજ્ઞ થકી ઇતિહાસનું મંચન કરવા માટે પણ જાણીતું છે. આ જ પથ પર ચાલતાં સોનેરી સંગતનો 42મો અધ્યાય મહાત્મા ગાંધીને સમર્પિત રહ્યો, જેનો મુખ્ય વિષય હતો કોચરબ આશ્રમ. ઉલ્લેખનીય છે કે મહાત્મા ગાંધીએ આઝાદીની ચળવળની શરૂઆત કરવા માટે સાબરમતી આશ્રમ પહેલાં કોચરબ આશ્રમની સ્થાપના 1915માં કરી હતી, જ્યારે સાબરમતી આશ્રમની સ્થાપના 1917માં કરાઈ હતી.
કાર્યક્રમનું સંચાલન કરતાં પ્રકાશક-તંત્રી સી.બી. પટેલે જણાવ્યું કે, મોહનદાસ કરમચંદ ગાંધી 23 વર્ષની ઉંમરે યુવાન બેરિસ્ટર તરીકે સાઉથ આફ્રિકા ગયા. જો કે ગોપાલકૃષ્ણ ગોખલેના કહેવાથી ગાંધીજી સ્વરાજ ચળવળમાં ભાગ લેવા ભારત પરત આવ્યા. આ સમયે નેલ્સન મંડેલાએ કહ્યું હતું કે, તમે અમને મોહનદાસ કરમચંદ ગાંધી આપ્યા હતા, અમે તમને બાપુ પાછા આપીએ છીએ.
કાર્યક્રમને આગળ ધપાવતાં માયાબહેન દીપકે જણાવ્યું કે, ગાંધીજીએ સત્યાગ્રહની ચળવળ માટે 25 મે 1915એ સ્થાપેલો આ પ્રથમ આશ્રમ હતો, જે ગાંધીજીના મિત્ર બેરિસ્ટર જીવણલાલ દેસાઈ દ્વારા તેમને ભેટ આપવામાં આવ્યો હતો. ગાંધીજી લંડનમાં અભ્યાસ કરતા હતા ત્યારે જીવણલાલ દેસાઈ સાથે જ રહેતા અને ત્યારથી બંને મિત્ર બન્યા હતા. આ આશ્રમમાં ગાંધીજીના રોકાણ દરમિયાન જ ખાદી અને આત્મનિર્ભરતા જેવા ગાંધીવાદી વિચારો અમલમાં આવ્યા હતા. આશ્રમની શરૂઆત થતાં આશરે 100થી વધુ ગાંધીવાદી ત્યાં રહેવા આવ્યા હતા. જો કે આ દરમિયાન પ્લેગ ફાટી નીકળતાં સુરક્ષાને ધ્યાને રાખી 1917માં સાબરમતી આશ્રમ સ્થાપવામાં આવ્યો હતો.
રમેશભાઈ તન્નાએ જણાવ્યું કે, સાઉથ આફ્રિકામાં સફળ લડત ચલાવી મહાત્મા ગાંધીને ભારત બોલાવવામાં આવ્યા હતા. ગુલામીના અનેક પ્રશ્નોથી પીડાતા ભારતમાં તેમને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું. 9 જાન્યુઆરી 1915એ કાઠિયાવાડી પહેરવેશમાં જ્યારે તેઓ મુંબઈના બોરીબંદર ખાતે ઉતર્યા, જેથી જ ભારતમાં આ દિવસને પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઊજવવામાં આવે છે. ભારત ઉતરતાં જ તેમને ગોપાલકૃષ્ણ ગોખલે સાથે પ્રથમ મુલાકાત કરવાની તાલાવેલી હતી. આ કારણે જ તેઓ સૌપ્રથમ પૂણે ગયા અને તેમને ત્યાં રોકાણ કર્યું. આ સમયે ગોપાલકૃષ્ણને તેમને સૌપ્રથમ ભારત દર્શનની સલાહ આપી, જે મુજબ ગાંધીજી શાંતિનિકેતન, રંગૂન અને 1915માં આયોજિત કુંભમેળામાં પણ ગયા, જે બાદ તેઓ અમદાવાદ આવ્યા. તેમના મનમાં સત્યાગ્રહની લડત ક્યાં બેસીને ચલાવવી તે યક્ષપ્રશ્ન હતો, જેના વિકલ્પો અનેક હતા અને હરિદ્વાર સૌપ્રથમ વિકલ્પ હતો. આ સમયે હરિદ્વારમાં રહેતા આર્યસમાજના સ્વામી શ્રદ્ધાનંદજીએ ત્યાં જ ઠેકાણું બનાવવાની સલાહ આપી હતી. જો કે ગાંધીજીની આધ્યાત્મિકતા પરંપરાગત નહોતી. બીજો વિકલ્પ હતો કલકત્તાનું વૈજનાથ ધામ, ત્રીજો વિકલ્પ રાજકોટ અને ચોથો વિકલ્પ હતો અમદાવાદ. આ તમામ પૈકી ગાંધીજીએ માતા, માતૃભૂમિ, માતૃસંસ્થા, અને માતૃભાષાને પ્રાધાન્ય આપી અમદાવાદને પસંદ કર્યું હતું. ગાંધીજીએ તેમની આત્મકથામાં લખ્યું છે કે, અમદાવાદના મિત્રોએ અમદાવાદ પસંદ કરવાનું કહ્યું, ઉપરાંત તમામ ખર્ચ પણ તેમણે જ ઉપાડવાનું બીડું ઝડપ્યું. આ ઉપરાંત સ્વદેશી અપનાવોના મૂળમાં રહેલી ખાદી અને રેંટિયાનું કામ અહીંથી જ સારી રીતે કરી શકાશે તે પણ નક્કી જ હતું. કોચરબ આશ્રમની સ્થાપના અમદાવાદમાં થવા અંગેની વાત કરતાં ગાંધીજીએ લખ્યું છે કે, અમદાવાદના મિત્રો સાથેની ચર્ચામાં અસ્પૃશ્યતાનો પ્રશ્ન ચર્ચાયો હતો, જેમાં મેં સ્પષ્ટ કહ્યું હતું કે, ‘જો કોઈ લાયક અંત્યજ (હરિજન) આશ્રમમાં દાખલ થવા માગશે તો હું તેને જરૂર દાખલ કરીશ. આમ અમદાવાદમાં વસવાનો મેં નિર્ણય કર્યો.’
આ આશ્રમમાં રહેવા માટે ગાંધીજીએ 11 વ્રત બનાવ્યા હતા, જેમાં સત્ય, અહિંસા, અસ્તેય, અપરિગ્રહ, બ્રહ્મચર્ય, શરીરશ્રમ, અસ્પૃશ્યતા નિવારણ, અભય, સ્વદેશી, અસ્વાદ, સર્વધર્મ સમાનત્વનો સમાવેશ થતો હતો. આ નિયમો પાળી સૌ હળીમળીને રહેતા હતા, પરંતુ ટૂંક સમયમાં મોટી કટોકટી આવી પડી. ગાંધીજીના સંપર્કમાં રહેલા અને આદિવાસી-અંત્યેજો માટે ખૂબ કામ કરનારા અમૃતલાલ ઠક્કરે ગાંધીજીને પત્ર લખી જણાવ્યું કે, એક ગરીબ અને પ્રામાણિક અંત્યેજ કુટુંબની ઇચ્છા તમારા આશ્રમમાં રહેવાની છે. જેના જવાબમાં ગાંધીજીએ જણાવ્યું હતું કે, જો કુટુંબ આશ્રમના વ્રત પાળવા તૈયાર હોય તો અમને વાંધો નથી. આમ વ્રત પાળવાની શરતો મંજૂર રહેતાં દુદાભાઈ અને દાનીબહેન ધાવણી પુત્રી લક્ષ્મીને લઈને આશ્રમમાં રહેવા આવ્યાં. આ ઘટનાથી કોચરબ આશ્રમમાં ખળભળાટ મચી ગયો. આ વિરોધ એટલો થયો કે જે લોકો આશ્રમ ચલાવવા નાણાકીય સહાય આપતા હતા તેમના દ્વારા તે બંધ કરી દેવાઈ.
આ સમયે ગાંધીજીએ તેમના સાથીદારોને કહ્યું હતું કે, ભલે આપણો બહિષ્કાર થતો હોય આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આપણે આ ભાડાનું મકાન છોડી અંત્યેજવાસમાં જઈને રહીશું પણ અમદાવાદ છોડવું નથી. આમ આશ્રમમાં નાણાકીય કટોકટી સર્જાઈ ત્યારે એક ઉદ્યોગપતિએ તેમને રૂ. 13 હજારની સહાય રકમ આપી.
ગાંધીજીની લડતનો પાયો કોચરબ આશ્રમથી નખાયો છે. અહીંથી જ સ્વતંત્રતાની લડાઈમાં ગાંધીજીનું પ્રારંભિક ઘડતર થયું છે. કોચરબથી ગાંધીજીને વિનોબા, કાકાસાહેબ કાલેલકર, મહાદેવ દેસાઈ અને નરહરિ પરીખ જેવા સાથીદારો પણ મળ્યા. પ્રથમ લડાઈ લડવાની ભૂમિકા જ કોચરબથી શરૂ થઈ છે. ત્યાં સુધી કે દુદાભાઈ અંગેની લડત માત્ર આશ્રમ પૂરતી નહોતી, તે સમગ્ર દેશને પ્રતીકાત્મક સંદેશ હતો અસ્પૃશ્યતા નિવારણનો. કોચરબ આશ્રમમાં આ તેમનો પ્રથમ પ્રયોગ જ હતો.
પ્લેગની મહામારી ફેલાતાં કોચરબ આશ્રમમાં રહેવું પડકારજનક બન્યુંું હતું. આમ તે સમયે નિર્જન ગણાતા સાબરમતીમાં જમીન ખરીદી સાબરમતી આશ્રમનું નિર્માણ કર્યું. હાલના સમયમાં કોચરબ આશ્રમ વિસરાઈ ગયો છે, બીજી બાજુ સાબરમતી આશ્રમમાં રોજ હજારો પ્રવાસીઓ આવે છે પણ કોચરબ કોઈ પ્રવાસી જતા જ નથી. કોચરબમાં માત્ર ગાંધીજયંતી નિમિત્તે 2 ઓક્ટોબર અને ગાંધી નિર્વાણદિને 30 જાન્યુઆરીએ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જો કે આશ્રમમાં બહુ જૂજ લોકો આવે છે. લોકો ભૂલી રહ્યા છે કે ગાંધીજીની આઝાદીની લડત માટેની પ્રક્રિયાની શરૂઆત કોચરબથી થઈ હતી, ભલે તેને મોટો ઘાટ સાબરમતી આશ્રમમાં મળ્યો.
રમેશભાઈ તન્ના દ્વારા વિસ્તૃત માહિતીનું રસપાન કરાવ્યા બાદ રાજેન્દ્રભાઈ જાનીએ જણાવ્યું કે, ‘વૈષ્ણવ જન તો...’ ભજન સાંભળતાં એવું લાગ્યું કે, નરસિંહ મહેતાની કલ્પના પ્રમાણેનો સાચો વૈષ્ણવ આ જન્મે પણ ગાંધીજી જેવો ન હોઈ શકે. વૈષ્ણવની વ્યાખ્યા પ્રમાણેના તમામ ગુણ ગાંધીજીમાં જોવા મળે છે. મોહનમાંથી મહાત્મા બનવાની સફર કોઈ નિષ્ફળ મોહન ભગવા પહેરી મહાત્મા બને તેવી નથી, પરંતુ સફળ બેરિસ્ટર મોહન દ્વારા દેશસેવા માટે ભેખ લઈ ફકિર બનનારા મહાત્મા ગાંધીની વાત છે. મોહન જો કોચરબ આશ્રમ ન આવ્યા હોત તો કદાચ આપણને મહાત્મા ગાંધી મળ્યા જ ન હોત. માત્ર ભારતને જ નહીં સમગ્ર વિશ્વને મહાત્મા ગાંધી જેવા મહામાનવ આપવાનો શ્રેય સૌપ્રથમ કોચરબ આશ્રમને જાય છે. સાઉથ આફ્રિકાથી લાવેલા સત્ય અને અહિંસા દ્વારા રાષ્ટ્રસેવાનો ભેખ લઈ ગાંધીજી ભારત આવ્યા ત્યારે કોચરબમાં માત્ર એક આશ્રમની સ્થાપના તેમણે નહોતી કરી, પરંતુ આઝાદી મેળવવાનો સાવ અનોખો પ્રયોગ કર્યો હતો.
રાજેન્દ્રભાઈ દ્વારા કોચરબનું મહત્ત્વ જાણ્યા બાદ ધીરુભાઈ ગઢવીએ ગાંધીજી અંગે જણાવ્યું કે, સુભાષચંદ્ર બોઝે ગાંધીજીને બાપુનો ખિતાબ આપ્યો હતો, તો રવીન્દ્રનાથ ટાગોરે બાપુને મહાત્માનો ખિતાબ આપ્યો હતો. કવિકાગે ગાંધીબાપુ કરતાં પૂતળીબાઈનાં વધારે વખાણ કર્યાં હતાં. કાગબાપુનું કહેવું હતું કે જો પૂતળી હોય તો ગાંધી જન્મે, જો કૌશલ્યા હોય તો રામ જન્મે. મારી અને તમારી સંસ્કૃતિમાં શક્તિઓ આવી છે તેનાથી ગાંધી જન્મે. ‘સત્ ધર્મ ને શીલતા, વીર દાતારી વિખ્યાત; કાશીથી કન્યાકુમારી સુધી ગાંધી તું પ્રખ્યાત.’ ગાંધી બનવું અઘરું છે, ગાંધી જન્મે છે. ગાંધી આટલી મોટી વ્યક્તિ હોવા છતાં તેને ભજનથી સંતોષ થતો - એને રામનામથી સંતોષ થતો. ધીરુભાઈએ આ અંગે જણાવ્યું કે, ‘ભલી ભૂમિ ભલા માનવી, ને ભલે ઊગ્યા ભાણ; બ્રિટનમાં ભાળ્યાં નહીં આવાં સત્કાર્યનાં કામ.’


comments powered by Disqus