વડીલો સહિત સહુ વાચક મિત્રો, આપ સહુની સુખાકારી ઇચ્છું છું અને આપ સહુના શુભાષિશ પ્રાર્થું છું... પરમ કૃપાળુ પરમાત્માની અસીમ કૃપા અને આશીર્વાદથી હું હેમખેમ છું અને આજે ફરી
એક વાર આપ સહુની સમક્ષ ઉપસ્થિત થવાનું સદ્ભાગ્ય મને પ્રાપ્ત થયું છે.
ગુજરાત સમાચારના આ અંકમાં 21 પાન પર અંતરિક્ષમાં થયેલા સંશોધન આધારિત એક રસપ્રદ અહેવાલ પ્રસિદ્ધ થયો છે. વાંચજો, અને વંચાવજો. આખી દુનિયા જેની નોંધ લઇ રહ્યું છે તેવું આ ખગોળીય સંશોધન ભલે પશ્ચિમી જગતમાં થયું, પણ રિચર્સ ટીમના વડા આપણા ભારતવંશી છે. આ સંશોધન શું તેની વાત આગળ વધારતા પહેલાં આપણે આ ગૌરવવંતા ભારતીય વિદ્વાનનો પરિચય મેળવી લઇએ. તેમનું નામ ડો. નીક્કુ મધુસુદન. ઉત્તર પ્રદેશના વારાણસીની આઇઆઇટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું. પછી એમઆઇટી નામે જગવિખ્યાત અમેરિકાના શિક્ષણ સંસ્થાન મેસેસ્ચુસેટ્સ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજીમાંથી પ્લેનેટરી સાયન્સમાં પોસ્ટ ગ્રેજ્યુએશન અને પીએચ.ડી. કર્યું. આ જ એમઆઇટીમાં જ અંતરિક્ષ અભ્યાસનો ઊંડો અનુભવ મેળવ્યા બાદ હાલ તેઓ યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજ ખાતે પ્રોફેસર તરીકે કામગીરી બજાવે છે.
હવે વાત મધુસુદન સાહેબના સંશોધનની. તેમણે ઊંડા અભ્યાસને આધારે શોધી કાઢ્યું છે આપણી ધરતીથી 124 પ્રકાશ વર્ષ (લાઇટ યર)ના અંતરે આવેલા અન્ય ગ્રહ પરથી મળેલા તત્વો - સંદેશાઓ આપણને એવું માનવા પ્રેરે છે કે અન્ય ગ્રહ પર પણ જીવન ધબકે છે. પણ આ એક પ્રકાશ વર્ષ (લાઇટ યર) એટલે કેટલું અંતર? કહો કે 5.88 ટ્રિલિયન માઇલ અથવા તો 9.46 ટ્રિલિયન કિલોમીટર..! આને ગુણ્યા 124 કરો ને જે જવાબ આવે તેટલા અંતરે રહેલા ગ્રહ પર જીવન હોવાના સંકેત ડો. મધુસુદને શોધ્યા છે. મિત્રો, અબજો - ખર્વોના આંકડા નાના પડે તેટલા અંતરે આવેલા ગ્રહ પર આ શોધ થઇ હોવા છતાં ખગોળવિદોથી લઇને અંતરિક્ષવિજ્ઞાનીઓ રોમાંચિત થઇ ઉઠ્યા છે.
વાચક મિત્રો, સાચું કહું તો મધુસુદન સાહેબના સંશોધનથી હું પણ રોમાંચિત છું. કારણ?! આ સંશોધનના તારણોએ આપણા સનાતન વારસા સાથે સંકળાયેલી વાતોને કંઇક અંશે વૈજ્ઞાનિક સમર્થન આપ્યું છે એમ પણ કહી શકાય. તેમનું તારણ કહે છે કે દૂરના અંતરે - ઘણા અંશે આપણી પૃથ્વી સાથે સમાનતા ધરાવતો - એક ગ્રહ અસ્તિત્વમાન છે. એક એવો ગ્રહ જેનું વાતાવરણ અને પરિબળો આપણી પૃથ્વીને સમોવડિયા છે. આપણે સહુ જાણીએ છે કે પૃથ્વીની સપાટીથી 100 કિલોમીટર સુધી આપણે ઘુમતા રહીએ છીએ એ વર્તુળમાં જ નાઇટ્રોજન - ઓક્સિજન જેવા પ્રાણવાયુઓ સહિતના કેટલાક તત્વો હોય છે અને પછી હોય છે અવકાશ.
અને... બાપલ્યા, આથી પણ વધુ જાણવું હોય તો સીધો જ સંપર્ક કરી લો અમેરિકામાં બેઠેલી આપણી ‘બહેન’નો. તે હજુ થોડા દિવસો પહેલાં જ, નવ મહિનાનો લાં...બો અંતરિક્ષ મુકામ કરીને, પૃથ્વી પર પરત ફરી છે.
મિત્રો, પૃથ્વી ગોળ છે એમ તો આપણે ઘણી વખત વાત વાતમાં બોલીએ છીએ. પૃથ્વી ગોળ છે... આ ત્રણ શબ્દોના અલગ અલગ અર્થ થઇ શકે છે. એક તો આપણે ઘણીવખત આઘાપાછા પાછા થઇએ - ઉપરનીચે થઇએ અને પછી ઠેરના ઠેર આવી પાછા આવી જઇએ ત્યારે પણ કહેવાય કે પૃથ્વી ગોળ છે. પરંતુ ભારતના ઋષિ-મુનિઓએ, ખગોળશાસ્ત્રીઓએ તો સૈકાઓ પૂર્વે જ આપણા વેદો - પુરાણો - ઉપનિષદોમાં એક કરતાં વધુ વખત સ્પષ્ટ કર્યું હતું કે પૃથ્વી ગોળ છે અને સૂર્યની આજુબાજુ ભ્રમણ કરે છે.
આજે સીધુસાદું ગણાતું આ જટિલ સત્ય આપણે સહુ તો સૈકાઓ પૂર્વેથી જાણતા રહ્યા છીએ, પણ પશ્ચિમના દેશોએ આ તથ્યને 500 વર્ષ પૂર્વે જ જાણ્યું. ગેલિલિયોએ અવકાશ ભણી દૂરબીન માંડીને શોધ કરી ત્યારે દુનિયાએ આ સત્ય સ્વીકાર્યું હતું. અને, એ પણ તરત તો નહીં જ... ખ્રિસ્તી ધર્મના સર્વોચ્ચ વડા નામદાર પોપે તો ગેલીલિયોને મારી નાખવાની સજા કરી હતી. કારણ કે તેમના ધર્મગ્રંથ બાઇબલ પ્રમાણે તો આ ઉલ્ટાસુલ્ટા સમાચાર હતા. ગુરુત્વાકર્ષણના નિયમ અંગે પણ આવું જ કહી શકાય. યુરોપમાં ન્યૂટને ગુરુત્વાકર્ષણનો નિયમ શોધ્યો તે સાચું, પણ ગુરુત્વાકર્ષણનું જે બળ છે તેનો ઉલ્લેખ તો આપણા પુરાણો અને શાસ્ત્રોમાં સૈકાઓ પૂર્વે જોવા મળે છે.
આજે આખી દુનિયા પર્યાવરણની ચિંતા કરે છે. ગ્લોબલ વોર્મિંગ, સેવ ટ્રી - સેવ અર્થની વાતો કરે છે, પણ આ બધી વાતો તો સનાતન સંસ્કૃતિમાં હજારો વર્ષો પૂર્વેથી વણાયેલી છે તેનો કોણ ઇન્કાર કરશે? લ્યોને, આપણા શાંતિમંત્રની જ વાત કરીએ... તેની ભાવના જ કેટલી હૃદયસ્પર્શી છે. આપણા ચાર મૂલ્યવાન વેદોમાંના એક યજુર્વેદનો આ શ્લોકમાં આપણને શું કહે છે?
ૐ દયૌ: શાંતિરન્તરિક્ષં શાંતિઃ,
પૃથ્વી શાંતિરાપઃ શાંતિરોષધયઃ શાંતિ:
વનસ્પતયઃ શાન્તિર્વિશ્વે દેવાઃ શાંર્તિબ્રહ્મ શાંતિ:,
સર્વં શાંતિઃ, શાંતિરેવ શાંતિઃ, સા મા શાંતિરેધિ
ૐ શાંતિ: શાંતિ: શાંતિ:
આ શ્લોકમાં સકળ લોકમાં શાંતિની પ્રાર્થના વ્યક્ત થઇ છે. સમસ્ત પૃથ્વીમાં, જળમાં, ધરતીમાં અને આકાશમાં, અંતરિક્ષમાં, અગ્નિ પવનમાં, ઔષધિ, વનસ્પતિ, વન-ઉપવનમાં બ્રહ્માંડની ચેતનામાં શાંતિ ફેલાય. અત્ર - તત્ર - સર્વત્ર શાંતિ અને માત્ર શાંતિ પ્રવર્તે. જીવમાત્રના તનને - મનને અને જગતના કણ કણને શાંતિ મળે તેવી પ્રાર્થના થઇ છે.
આપણા ઋષિ-મુનિઓએ સદીઓ પહેલાં આકાશ - પર્વત - સૂર્ય - ચંદ્ર - જળ - વાયુ - વનસ્પતિ એ બધેબધા તત્વોની શાંતિ માટે જે પ્રાર્થના કરી, જે જ્ઞાન પ્રાપ્ત કર્યું જ્ઞાન-સમજ આજે વધુને વધુ પ્રમાણમાં પશ્ચિમી જગતમાં સ્વીકૃત બની રહી છે. વનસ્પતિમાં પ્રાણ છે એ વાતની ઘોષણા તો આપણા પૂર્વજોએ કંઇ કેટલાય કાળ પહેલાં કરી જ હતી, પણ 1932માં આધુનિક વિજ્ઞાને પણ તેને સમર્થન આપ્યું. કોલકતામાં ડો. જગદીશચંદ્ર બોઝે આધુનિક વિજ્ઞાનની એરણે આ સત્ય પુરવાર કર્યું ત્યારે તેમને નોબેલ પ્રાઇઝથી નવાજવામાં આવ્યા હતા.
આ જ પ્રમાણે આજે કેમ્બ્રિજમાં કાર્યરત ડો. નીકુ મધુસુદને પૃથ્વી પર રહ્યા રહ્યા લાખો - કરોડો - ખર્વો માઇલના અંતરે આવેલા એક ગ્રહના આવરણની શોધ કરી છે. બાપલ્યા, હવે મને વધારે પૂછતાં નહીં કે આટલા ખર્વો માઇલ છેટે આવેલા ગ્રહ પર ગેસ છે કે નહીં, તેમાં સ્મેલ છે કે નહીં. આ તો વિશ્વભરના છાપાઓમાં છવાઇ ગયેલા સમાચાર છે. અને આ મામલે વિશદ્ માહિતી આપતો લેખ અગાઉ કહ્યું તેમ આ જ અંકમાં અન્ય પ્રકાશિત થયો જ છે.
આપણા પૌરાણિક જ્ઞાનવારસાની વાત ચાલી રહી છે ત્યારે મને એક જ્ઞાનપિપાસુ પરિચિત સાથે આવા જ સંદર્ભે થયેલો વાર્તાલાપ યાદ આવી રહ્યો છે. અલકમલકની વાતો વચ્ચે આપણા દ્વાદશ જ્યોર્તિલિંગનું ગાન કરતા શ્લોકની વાત પણ નીકળી. જેમાં
આદિ શંકરાચાર્યજીએ ભારતના બારેય જ્યોર્તિલિંગના સ્થળોનું વર્ણન કર્યું છે.
દ્વાદશજ્યોતિર્લિંગસ્મરણમ્
સૌરાષ્ટ્રે સોમનાથં ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ્ ।
ઉજ્જયિન્યાં મહાકાલમોંકારમમલેશ્વરમ્ ॥ ૧ ||
પરલ્યાં વૈદ્યનાથં ચ ડાકિન્યાં ભીમશંકરમ્ ।
સેતુબન્ધે તુ રામેશં નાગેશં દારુકાવને ।। ૨ ।।
વારાણસ્યાં તુ વિશ્વેશં ત્ર્યંબકં ગૌતમીતટે ।
હિમાલયે તુ કેદારં ઘુશ્મેશં ચ શિવાલયે || ૩ ||
એતાનિ જ્યોતિર્લિંગાનિ સાયં પ્રાતઃ પઠેન્નર: |
સપ્તજન્મકૃતં પાપં સ્મરણેન વિનશ્યતિ ।। ૪ ।।
।। ઈતિ દ્વાદશજ્યોતિર્લિંગસ્મરણં સમ્પૂર્ણમ્ ।।
જ્ઞાનપિપાસુ વડીલ જરીક દલીલના ‘મૂડમાં’ હતા. મેં જરાક અમસ્તો જ આ શ્લોકનો ઉલ્લેખ કર્યો કે તરત તેમણે શરૂ કર્યું. શું સી.બી. તમેય... શંકરાચાર્ય તે સમયે આ બધા સ્થળે ચાલતા ફરવા ગયા હતા એમ? અને એ પણ 1000 - 1100 વર્ષ પહેલાં?! કેમના ગયા હતા સમજાવો તો...? વગેરે વગેરે. જેમના સવાલ જ અટકતા નહોતા તેમને કેમના સમજાવી શકું કે વડીલ, જ્યારે જ્ઞાન હોય, સાધના હોય, સિદ્ધ પુરુષ હોય અને જ્યારે તેને પરમ તત્વમાં ચરમ શ્રદ્ધા હોય ત્યારે તે બંધ આંખે સુક્ષ્મ દૃષ્ટિથી જે કંઇ વિચારે છે હકીકત બની જાય છે. તે યોગી કે યોગિનીનું દૈહિક સ્વરૂપ ભલે જે તે સ્થળે જ જોવા મળતું હોય, પરંતુ તેની ચેતનાશક્તિ સેંકડો-હજારો જોજનો દૂર વિહરતી હોય છે, સ્થળ-સમય-કાળની ઝાંખી નિહાળતી હોય છે.
જોકે આ બધું સમજાવવાના બદલે મેં આ ‘સુજ્ઞ’ વડીલને એટલું અવશ્ય કહ્યું કે સમય મળ્યે એન્સકાઇક્લોપીડિયા નજર ફેરવી લેજો, અને જરા જોઇ લેજો કે તેમાં સોમનાથ મંદિર, ઉજ્જૈન મંદિર કે કેદારનાથ ક્યા અક્ષાંશ રેખાંશ પર આવેલા છે.
વાચક મિત્રો, આપણા સનાતન હિન્દુ ધર્મ સાથે સંકળાયેલી માન્યતાઓ-પરંપરાઓનું નીરક્ષીર કરીએ છીએ સમજાય છે કે તેના મૂળમાં આપણા ઋષિ-મુનિઓનું કેવું જ્ઞાન ધરબાયેલું છે. આ મામલે વધુ કહેવા-લખવા જેટલો વિદ્વાન તો હું નથી, પણ બહોળા વાંચન અને એક યા બીજા સમયે વિવિધ ક્ષેત્રના વિદ્વાનો સાથે વિચારવિનિમય કરવાનો જે અવસર મળ્યો છે તેના આધારે એટલું તો અવશ્ય કહી શકું કે ખગોળશાસ્ત્ર હોય કે પરમ તત્વની આરાધના, એવા કેટકેટલાય પરિબળો છે જેણે આપણા ધર્મશાસ્ત્રોને વૈજ્ઞાનિક રીતે પુરવાર કર્યા છે. એક સમયે જે વાત હાસ્યાસ્પદ લાગતી હતી તે પણ આ દુનિયાએ દસકાઓના વહેવા સાથે નરી આંખે સાકાર થતી નિહાળી છે.
‘રામાયણ’નું જ ઉદાહરણ લઇએ. ‘રામાયણ’માં ઉલ્લેખ થયો છે કે ભગવાન શ્રીરામ ‘પુષ્પક’ વિમાનમાં બેસીને અયોધ્યા પધાર્યા હતા. એક બહોળો વર્ગ - સવિશેષ તો પશ્ચિમી જગતનો - એ વાતે એક વેળાએ હસતો હતો કે કોઇ યંત્ર ઉડતું હોય શકે ખરું? આ તો પરીકથા છે - કલ્પનામાત્ર છે. પણ જ્યારે ગઇ સદીમાં રાઇટ બંધુઓએ વિમાનની શોધ કરી ત્યારે આ શંકાશીલોના મોં સીવાઇ ગયા હતા. આપણે સદીઓ પૂર્વે માત્ર વિમાનની કલ્પના જ નહોતી કરી, તેની રૂપરેખા પણ રજૂ કરી હતી અને નામ પણ આપ્યું હતું. આપણા ગ્રંથોમાં વર્ણન છે કે દેવલોકના લોકો દૂર દૂરથી આવ્યા હતા. સંભવ છે કે ડો. નીકુ મધુસુદને ‘જીવનનો અંશ ધરાવતા’ ગ્રહની શોધ કરી છે તે આવી જ કોઇ ભૂમિ હોઇ શકે છે.
સનાતન ધર્મના ગ્રંથો-શાસ્ત્રો નરી કલ્પનાકથા નથી. તેમાં તથ્ય પણ છે, અને સત્ય પણ છે એ બાબત સૈકાઓના વહેવા સાથે એક યા બીજા પ્રકારે સિદ્ધ થતી રહી છે. આપણા ધર્મશાસ્ત્રોમાં માનવમાત્રે અમુક કામ કરાય કે અમુક કામ ના જ કરાય, સત્કર્મનું અમુક ફળ હોય કે દુષ્કર્મનો અમુક દંડ હોય તેવી વાતો અવશ્ય કરી છે, પણ આપણા કોઇ ગ્રંથ કે શાસ્ત્રમાં વાચકને - શ્રદ્ધાળુને ક્યાંય કોઇ લાલચ કે લાંચ અપાઇ નથી. તમે આવું કરશો તો આ પ્રકારે આનંદપ્રમોદ પામશો કે મૃત્યુ પછી પરમાત્માના શરણમાં પહોંચશો તો દૈહિક કે ભૌતિક લાભ મેળવશો.
વાચક મિત્રો, હું મુખ્ય વાત એ કરવા માગું છું કે તમે આ વખતનો લેખ વાંચજો, અને તમારા પરિવારજનોને પણ વંચાવજો - જેમનો અહીં જન્મ અને ઉછેર થયો છે તેમને ખાસ... આપણા ઋષિ-મુનિઓને, આપણા વિદ્વાનોને જે કાળખંડમાં આ જ્ઞાન લાદ્યું હતું તે સમયે હોકાયંત્ર હતું ન તે સમયે દૂરબીન હતું કે નહીં તે પણ નથી જાણતા, અને કમ્પ્યુટરનો તો સવાલ નથી. આમ છતાં પણ તેમણે પોતાના બુદ્ધિબળના આધારે, ગણિત સાધનાના આધારે જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે જ સનાતન સંસ્કૃતિની સાચી ઓળખાણ છે.
અહીં કોઇ ધર્મ કે સંપ્રદાયના લેબલની વાત કરવા નથી માગતો, પણ મિત્રો કલમને વિરામ આપતાં પહેલાં આપણી સનાતન ધર્મ સંસ્કૃતિનું અભિન્ન અંગ એવા ત્રણ શ્લોકની વાત જરૂર કરવા
માંગુ છું.
આમાંનો પહેલો શ્લોક છે વસુધૈવ કુટુંબકમ્. આ સૂત્ર સ્વયં સ્પષ્ટ કરે છે કે સમગ્ર વિશ્વ મારો પરિવાર છે. આજે વિશ્વભરમાં જે અશાંતિ પ્રવર્તે છે તેના પાયામાં તો આખરે એક જ કારણ છેઃ મારું મારા બાપનું ને તારામાંથી મારો ભાગ... બીજાનું પચાવી પાડવાની આ ભાવના જ અન્ય પર વર્ચસ્વ જમાવવા પ્રેરે છે, અને સંઘર્ષને જન્મ આપે છે ને?! જ્યારે આપણી ધર્મ-અધ્યાત્મની પરંપરા સમગ્ર વિશ્વને એક પરિવાર - કુટુંબ માનવા પ્રેરે છે. આ ઉમદા ભાવના જ એવી છે જે લોભ-લાલચ-સંઘર્ષ ટાળીને સાથ-સહકારને ઉત્તેજન આપે છે.
આપણી સનાતન હિન્દુ ધર્મ પરંપરાની આગવી ઓળખ સમાન આવો જ બીજો એક શ્લોક છેઃ
ઇશા વાસ્યમ ઇદમ સર્વં યત્ કિંચ જગત્યં જગત,
તેન ત્યક્તેના ભુંજિતા મા ગૃહઃ કસ્ય સ્વિદ્ધનમ્.
ઇશોપનિષદના આ સૌથી પહેલા શ્લોકનો સાર કંઇક એવો કરી શકાય કે પરમ જગતનિયંતાએ આ બ્રહ્માંડની રચના નક્કી કરી છે. તેથી, ત્યાગની ભાવનાથી આનંદ માણો. બીજાના ધનનો લોભ ન કરો. હવે માત્ર ‘ઇશા વાસ્યમ ઇદમ સર્વં’ શબ્દનો અર્થ જોઇએ તો આ ચાર શબ્દો એવા વિશાળ વિચારને સમાવે છે કે ભગવાને ફક્ત બ્રહ્માંડનું સર્જન જ નથી કર્યું, પરંતુ તે સમગ્ર બ્રહ્માંડમાં પણ વ્યાપ્ત છે. કેટલી ઉમદા ભાવના..!
આપણી સનાતન સંસ્કૃતિનો આવો જ એક મૂલ્યવાન શ્લોક છે...
ૐ સહનાવવતુ સહ નૌ ભુનકતુ સહ વીર્યમ્ કરવાવહૈ
તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ
ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ
આ અતિ પ્રચલિત આ મંત્ર કઠોપનિષદ અને શ્વેતાશ્વતર ઉપનિષદનો શાંતિ મંત્ર છે. આ શ્લોકનો કેન્દ્રીય વિચાર કહો કે ભાવના કેટલી ઉત્તમ છે. (શ્લોકનો ભાવાર્થ છે)ઃ હે ઇશ્વર, અમારા બેઉનું એક સાથે રક્ષણ કરો, અમારા બેઉનું એક સાથે પાલન કરો, અમને બેઉને એક સાથે હળીમળીને કામ કરવાની શકિત આપો, અમારું જ્ઞાન-વિદ્યા અમને બેઉને તેજસ્વી બનાવે અને અમે એકબીજા પ્રત્યે દ્વેષભાવ ન રાખીએ અર્થાત્ વિખવાદ ન કરીએ તો જ અમારા જીવનમાં શાંતિ થશે.
વાચક મિત્રો, આ આપણી સંસ્કૃતિ છે, આ આપણો ધાર્મિક-આધ્યાત્મિક વારસો છે. સનાતન સંસ્કાર, સનાતન સંસ્કૃતિનો ચિરંજીવ સંદેશ પ્રત્યેક ભારતવાસીના અણુ અણુમાં યુગો યુગોથી પ્રસ્થાપિત થયો છે. આ જ્ઞાન - શક્તિના પરિણામે જ, સેંકડો વર્ષની ગુલામી ભોગવવા છતાં પણ, ભારત નૂતન સ્વરૂપે વધુ સ્વસ્થ અને દૈદિપ્યમાન બનીને ઉભરી આવ્યું છે. અસ્તુ. (ક્રમશઃ)