દુનિયાની સાથે સાથે ભારતીય ઉપખંડમાં પણ વ્યૂહાત્મક પરિસ્થિતિઓ ઝડપથી બદલાઇ રહી છે. બાંગ્લાદેશમાં શેખ હસીનાના પતન બાદ સત્તામાં આવેલી વચગાળાની સરકાર ભારતના ઉપકારો ભૂલીને ખુલ્લેઆમ ચીન અને પાકિસ્તાનના ખોળામાં બેસી ગઇ છે. ભારત સામે મોરચો માંડીને બેઠેલા ચીન અને પાકિસ્તાન સાથે હવે બાંગ્લાદેશ પણ જોડાયો છે જેના કારણે ઉપખંડમાં વ્યૂહાત્મક સમીકરણો અચાનક બદલાઇ ગયાં છે.
બાંગ્લાદેશની વચગાળાની સરકારના ચીફ એડવાઇઝર મોહમ્મદ યુનુસની ચીન મુલાકાત બાદ ઉત્તરપૂર્વ ભારતના રાજ્યો પરનું જોખમ અત્યંત ગંભીર બન્યું છે. એવા પણ અહેવાલો પ્રાપ્ત થયાં છે કે ચીન બાંગ્લાદેશના લાલમોનિરહાટ જિલ્લામાં એક એરફિલ્ડનું નિર્માણ કરવા જઇ રહ્યો છે. જે નોર્થ ઇસ્ટને બાકીના ભારત સાથે જોડતાં ચીકન નેક એરિયા માટે મોટો પડકાર બની શકે છે કારણ કે લાલમોનિરહાટ ભારત અને બાંગ્લાદેશની સરહદથી ફક્ત 15 કિમી દૂર છે. નોર્થ ઇસ્ટના અરૂણાચલપ્રદેશ અને ડોકલામમાં એલએસીને પેલે પાર ચીને મોટાપાયે લશ્કરી માળખાકીય સુવિધાઓ ઊભી કરી છે. જો બાંગ્લાદેશમાં ચીની એરફિલ્ડની સ્થાપના થાય તો ચીકન નેકની સુરક્ષા ભારત માટે મોટો પડકાર બની શકે છે. ચીને બાંગ્લાદેશ સાથે વ્યૂહાત્મક ભાગીદારીના નામે એક કાંકરે બે શિકાર કરવાનો પ્રયાસ કર્યો છે. આ એરફિલ્ડની મદદથી તે બંગાળની ખાડી પર પણ પ્રભુત્વ જમાવી શકે છે જે વ્યૂહાત્મક દ્રષ્ટિએ ભારતને જરાપણ પોષાય તેમ નથી. જો આમ થશે તો પીઓકે અને ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં રહેલા ચીની પડકારો કરતાં પણ મોટો પડકાર ભારત સામે આવીને ઊભો રહેશે.
શેખ હસીનાની વિદાય બાદ પાકિસ્તાની સેના અને આઇએસઆઇના અધિકારીઓના બાંગ્લાદેશમાં આંટાફેરા પણ વધી ગયા છે. જે ભારતે પોતાના સૈનિકોનું લોહી વહેવડાવી બાંગ્લાદેશીઓને પાકિસ્તાનના ક્રુર સરમુખત્યારના અત્યાચારોમાંથી મુક્ત કરાવ્યા હતા તે જ પાકિસ્તાની સેનાના શરણે બાંગ્લાદેશી શાસકો જઇ રહ્યાં છે. બંને દેશ હવે ગુપ્તચર અને સૈનિક મામલામાં સહકાર માટે આગળ વધી રહ્યાં છે. પાકિસ્તાની સેના બાંગ્લાદેશી જવાનોને તાલીમ આપવા પણ જઇ રહી છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે વધી રહેલો આ ભાઇચારો પણ ભારત માટે પડકારજનક બની રહ્યો છે.