અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ જે ડી વાન્સ ચાર દિવસની ભારતની મુલાકાત પહોંચ્યા છે. ટ્રમ્પ 2.0ના પ્રારંભે અમેરિકા દ્વારા શરૂ કરાયેલા ટેરિફ વોર મધ્યે વાન્સની ભારત મુલાકાત અત્યંત મહત્વની બની જાય છે. એકતરફ ભારત ટ્રમ્પ સરકાર દ્વારા અપાઇ રહેલી આકરા ટેરિફની ધમકીઓથી બચવા માટેના વિકલ્પો ચકાસી રહ્યું છે ત્યારે વાન્સની મુલાકાતમાંથી શું અમેરિકા પાસેથી શું પ્રાપ્ત થઇ શકે છે અને અમેરિકાને શું આપી શકાય તેનું વિચારમંથન ભારત સરકારમાં ચાલી રહ્યું હશે.
અમેરિકી પ્રમુખ ટ્રમ્પે પ્રસ્તાવિત ટેરિફ 90 દિવસ સુધી ટાળીને વિશ્વના દેશોને અમેરિકા સાથે વેપાર સંધિ કરવા નાક દબાવ્યું છે. આવી સ્થિતિમાં વાન્સની ભારત મુલાકાત એટલો સંકેત તો આપી રહી છે કે અમેરિકા પણ ભારત સાથે વેપાર સંધિ માટે આતુર છે. ફેબ્રુઆરીમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાની મુલાકાત લીધી ત્યારે પ્રમુખ ટ્રમ્પ અને તેમની વચ્ચે દ્વિપક્ષીય વેપાર કરારની રૂપરેખા તો તૈયાર થઇ જ ગઇ હતી. તે સમયે જ ઘોષણા કરાઇ હતી કે બંને દેશ દ્વિપક્ષીય વેપાર 500 અબજ ડોલર પર લઇ જવા માગે છે. વાન્સની મુલાકાત સ્પષ્ટ કરે છે કે અમેરિકા પણ તેના માટે આતુર છે અને વેપાર કરાર પર કામ કરી રહ્યો છે.
ટ્રમ્પ સરકાર ભારત સહિતના મિત્ર દેશોને પણ ટેરિફમાંથી મુક્તિ આપવા તૈયાર નથી તેવી સમજણ અને અસહજતા આજે સમગ્ર વિશ્વમાં પ્રવર્તી રહી છે ત્યારે વાન્સની આ ભારત મુલાકાત અત્યંત મહત્વની બની રહે છે. વાન્સની મુલાકાત ભારતને ખાતરી આપી રહી છે કે અમેરિકા સાથેના તેના સંબંધો સાવ ખાડે જવાના નથી. અમેરિકાને પણ ભારતીય બજારોની એટલી જ આવશ્યકતા છે.
એટલું તો સ્પષ્ટ છે કે ટ્રમ્પ ટેરિફની તલવારના જોરે અમેરિકી કંપનીઓ માટે ભારતના બજાર ખુલ્લા મૂકાવવા દબાણ કરી રહ્યાં છે. એટલા માટે જ તેમણે ભારતનું નાક દબાવીને મોં ખોલાવવા માટે વાન્સને ભારતની મુલાકાતે મોકલ્યા છે. વડાપ્રધાન મોદી સાથેની તેમની મુલાકાતને સફળ ગણાવવામાં આવી છે અને બંને નેતા વેપાર, સંરક્ષણ અને અન્ય દ્વિપક્ષીય સંબંધો મજબૂત બનાવવા સહમતિ પણ વ્યક્ત કરી ચૂક્યાં છે. હવે એક હાથ લે અને બીજા હાથ દેની આ કૂટનીતિમાં વાન્સ કે મોદી કેટલાં સફળ થશે તે તો આગામી સમય જ બતાવશે.