નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી મોદી મંગળવારે બે દિવસના સાઉદી અરબના પ્રવાસે પહોંચ્યા. આ નિમિત્તે સાઉદી અરબના એર સ્પેસમાં જ પ્રધાનમંત્રી મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ નિમિત્તે સાઉદી અરબે સ્પેશિયલ જેસ્ચર બતાવ્યું હતું. સાઉદી એર સ્પેસમાં પ્રધાનમંત્રીનું વિમાન પહોંચતાં જ સાઉદી એરફોર્સે તેમના વિમાનને સ્પેશિયલ સુરક્ષા આપી, જેનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં પ્રધાનમંત્રીના વિમાનની સાથે સાઉદી અરબ એરફોર્સના એફ-15એસ વિમાનો પણ ઉડાન ભરતાં દેખાય છે.
પ્રધાનમંત્રીની સાઉદી અરબની
ત્રીજી મુલાકાત
છેલ્લા એક દશકમાં પ્રધાનમંત્રી મોદીની આ ત્રીજી સાઉદી અરબની યાત્રા છે, જેમાં ઐતિહાસિક જેદ્દાહ શહેરની તેઓ પહેલીવાર યાત્રા કરશે. સા. અરબમાં સ્થિત ભારતીય એમ્બસીએ સોશિયલ મીડિયા દ્વારા જણાવ્યું કે, ‘રોકાણ પર ભારત-સાઉદી અરબની ઉચ્ચસ્તરીય ટાસ્કફોર્સે 21 એપ્રિલે રિયાધમાં બેઠક કરી. પ્રધાનમંત્રીના આગમન પહેલાં 24 કલાકમાં વેપાર, રોકાણ અને રક્ષા ક્ષેત્રોમાં વધારાની સમજૂતીને અંતિમ રૂપ આપવાના ઠોસ પ્રયાસ કરવામાં આવ્યા છે.’
અનેક મુદ્દે થશે ચર્ચા
ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી મોદીના સાઉદી અરબના પ્રવાસ દરમિયાન ભારતીય તીર્થયાત્રીઓ માટે હજ ક્વોટામાં વધારાની શક્યતા જોવાઈ રહી છે. આ સિવાય ભારત અને સાઉદી અરબ વચ્ચે ઓછામાં ઓછી 6 સમજૂતી થઈ શકે છે. આ દરમિયાન બંને દેશ વચ્ચે અંતરીક્ષ, ઊર્જા, સ્વાસ્થ્ય, વિજ્ઞાન અને અનુસંધાન અને સંસ્કૃતિ સહિતના મુખ્ય ક્ષેત્રોમાં સમજૂતી થવાની પૂરી શક્યતા છે.