ઢાકાઃ બાંગ્લાદેશમાં એક મોટા હિન્દુ નેતાની અજાણ્યા લોકોએ હત્યા કરી દીધી. મીડિયા રિપોર્ટ્સ મુજબ ભાવેશચંદ્ર રોય (ઉં.વ.58)નું ગુરુવારે બપોરે તેમના ઘરેથી અપહરણ કરાયું હતું અને તેમને માર મારીને હત્યા કરાઈ હતી.
ભાવેશચંદ્ર બાંગ્લાદેશ પૂજા ઉદ્યાપન પરિષદના બિરાલ એકમના ઉપપ્રમુખ હતા. હિન્દુ સમુદાયમાં તેમનો ભારે પ્રભાવ હતો.
બે બાઇકસવાર દ્વારા અપહરણ
ભાવેશચંદ્રની પત્ની શાંતાનાએ જણાવ્યું કે ગુરુવારે સાંજે 4:30 વાગ્યે તેમના પતિને એક ફોન આવ્યો. ફોન કરનારો ફક્ત એ જાણવા માગતો હતો કે ભાવેશ ઘરે છે કે નહીં. લગભગ અડધા કલાક પછી બે બાઇક પર ચાર માણસો તેમના ઘરે આવ્યા અને ભાવેશને બળજબરીથી લઈ ગયા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર તેને નજીકના નારાબારી ગામમાં લઈ જવાયા અને ત્યાં તેને નિર્દયતાથી માર મરાયો. ગુરુવારે સાંજે જ હુમલાખોરોએ ભાવેશચંદ્રને બેભાન અવસ્થામાં વાનમાં તેના ઘરે મોકલી દીધો. તેમને પહેલાં નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, પછી દિનાજપુર મેડિકલ કોલેજ લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.
બાંગ્લાદેશ સુરક્ષાની જવાબદારી લે: ભારત
હિન્દુ નેતાની હત્યા પર ભારતે આકરી પ્રતિક્રિયા આપી છે. ભારતીય વિદેશમંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, અમે આ ક્રૂર હત્યાની નિંદા કરીએ છીએ અને બાંગ્લાદેશની વચગાળાની સરકારને ફરીથી યાદ અપાવીએ છીએ કે તેઓ કોઈપણ બહાના કે ભેદભાવ વિના હિન્દુઓ સહિત તમામ લઘુમતીઓનું રક્ષણ કરવાની પોતાની જવાબદારી નિભાવે. ભાવેશની હત્યાથી એ સ્પષ્ટ છે કે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે. પહેલાં પણ આવી ઘટના બની છે, જેના ગુનેગારો ડર વિના ફરી રહ્યા છે. જયસ્વાલે કહ્યું કે, અમે હિન્દુ નેતાની હત્યાની કડક નિંદા કરીએ છીએ. તેમણે બાંગ્લાદેશની યુનુસ સરકારને સ્પષ્ટ કહ્યું કે, તે પોતાના દેશમાં હિન્દુઓ સહિત બધા લઘુમતીઓની સુરક્ષાની જવાબદારી નિભાવે.

