યુકેની સુપ્રીમ કોર્ટે ઇક્વાલિટી એક્ટમાં મહિલાની વ્યાખ્યા સુનિશ્ચિત કરી દીધી છે. આ વ્યાખ્યાને બ્રિટિશ સમાજ તરફથી મિશ્ર પ્રતિસાદ મળી રહ્યાં છે. સુપ્રીમે તેના ચુકાદામાં ટ્રાન્સજેન્ડર મહિલાઓને મહિલાની વ્યાખ્યામાંથી બાકાત કરી દેતાં મહિલા અધિકારોનો દાયરો પણ બદલાઇ જવાનો છે. ખરેખર તો આ ચુકાદાની અસરો ધાર્યા કરતાં વધુ વ્યાપક રહેવાની સંભાવના છે. સૌથી વધુ અસર ટ્રાન્સજેન્ડર અધિકારો પર પડશે કારણ કે યુકેના ઇક્વાલિટી રેગ્યુલેટરે નવી ગાઇડલાઇન જારી કરવાના સંકેત આપી દીધાં છે.
સુપ્રીમના આ ચુકાદાથી સિંગલ સેક્સ સર્વિસિઝના મામલામાં વધુ પારદર્શકતા આવશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. સુપ્રીમે તેના ચુકાદાથી સ્પષ્ટ કરી દીધું છે કે ટ્રાન્સજેન્ડરોએ હવે સિંગલ સેક્સ ફેસિલિટીનો ઉપયોગ કરવો જોઇએ નહીં. નેશનલ હેલ્થ સર્વિસ ખાતે પણ સ્થિતિ બદલાઇ જશે. હાલમાં ટ્રાન્સજેન્ડર્સને તેમના પહેરવેશ, નામ અને ઉચ્ચારણોના આધારે રાખવામાં આવતાં હતાં. પોલીસની કામગીરી અને જેલોમાં પણ સ્થિતિ બદલાઇ જશે. સુપ્રીમના આ ચુકાદાને પગલે વિમેન્સ સ્પોર્ટ્સમાં પણ મોટાપાયે બદલાવ આવી શકે છે. હવે ટ્રાન્સજેન્ડર મહિલાઓ વિમેન્સ સ્પોર્ટ્સમાં ભાગ લઇ શકશે નહીં.
સુપ્રીમના આ ચુકાદાથી ટ્રાન્સજેન્ડર મહિલાઓ અત્યંત નારાજ થઇ છે. ટ્રાન્સજેન્ડર અધિકાર સંગઠનોએ તો સુપ્રીમના ચુકાદાને અપમાન સમાન ગણાવતા વિરોધાભાસી ઠરાવ્યો છે. બીજીતરફ મહિલા અધિકાર સંગઠનો સુપ્રીમના ચુકાદાને આવકારી રહ્યાં છે. ટ્રાન્સ કોમ્યુનિટીનો આરોપ છે કે અમારા બ્રિટિશ સમાજમાં અસ્તિત્વ ટકાવી રાખવાના અધિકારને જ છીનવી લેવાયો છે. માનવ અધિકારના સંદર્ભમાં યુકે ફરી એકવાર ભૂતકાળમાં ધકેલાઇ ગયો છે.
સુપ્રીમ કોર્ટના આ ચુકાદાની અસરો બ્રિટિશ રાજનીતિ પર પણ જોવા મળશે. લેબર પાર્ટી ટ્રાન્સજેન્ડરો પ્રત્યે કૂણું વલણ અપનાવવા માટે જાણીતી છે પરંતુ કન્ઝર્વેટિવ પાર્ટીએ ચુકાદાને પગલે બાંયો ચડાવી લીધી છે. પાર્ટી હંમેશથી મહિલા અધિકારોની તરફેણ કરતી આવી છે અને ટોરી નેતા બેડનોકે તો ચુકાદાને મહિલાઓનો વિજય ગણાવતાં ઇક્વાલિટી એક્ટ અને જેન્ડર રિકોગ્નિશન એક્ટની સમીક્ષાની માગ પણ કરી દીધી છે. આમ યુકેની સુપ્રીમ કોર્ટના આ ચુકાદાની દરેક સેક્ટરમાં દુરોગામી અસરો જોવા મળશે.