‘સોનેરી સંગત’માં વહી બે મહાવીરના ધર્મની સરિતા

બાદલ લખલાણી Wednesday 23rd April 2025 07:02 EDT
 
 

હંમેશાંથી સનાતનની ધજા સાથે ચાલતા ગુજરાત સમાચાર અને તેના પ્રકાશક – તંત્રી સી.બી. પટેલ દ્વારા તેમના ખાસ ઝૂમ કાર્યક્રમ ‘સોનેરી સંગત’ના 55મા અધ્યાયનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં મહાવીર જયંતી અને હનુમાન જયંતી પર વિશેષજ્ઞો, ધર્મ ધુરંધરો દ્વારા ગહન ચર્ચા કરવામાં આવી.
કાર્યક્રમનું સંચાલન કરતા કન્સલ્ટીંગ એડીટર જ્યોત્સનાબહેન શાહે વડોદરાના કલાકાર ક્ષમાબહેન શાહને ત્રિશલામાતાએ પુત્ર માટે ગાયેલ હાલરડું ગાવા આમંત્ર્યાં.
ક્ષમાબહેનના મુખે ત્રિશલામાતાનું હાલરડું સાંભળ્યા બાદ જ્યોત્સનાબહેને વડોદરાના ધવલભાઈ મહેતાને પૂછયું કે, ભગવાન મહાવીરના જન્મ સમયે ભારતની સામાજિક-ધાર્મિક સ્થિતિ કેવી હતી? ભગવાન મહાવીર કેમ ક્રાંતિવીર કહેવાયા?
ધવલભાઈ મહેતાઃ જૈનોના ૨૪મા તીર્થંકર ભગવાન મહાવીર ૨૬૨૩ વર્ષ પહેલા ક્ષત્રિયકુઁડમાં માતા ત્રિશલાની કૂખે, સિદ્ધાર્થ રાજાના કૂળમાં અવતર્યા હતા. આજેય એમનો ઉપદેશ સમાજ માટે કલ્યાણકારી છે.
એ ગર્ભમાં હતા ત્યારથી જ રાજ્યમાં ધન-ધાન્યની વૃધ્ધિ થઇ. એથી એમનું નામ વર્ધમાન પાડ્યું. એમના જન્મ બાદ પ્રજાએ સુખ-શાંતિનો અનુભવ કર્યો. એમના રાજ્યમાંથી દુ:ખ-દર્દ મિટ્યા અને સર્વના કલ્યાણની ભાવના વિસ્તરી. ભગવાન મહાવીરે રંગ-વર્ણ અને જાતિના ભેદભાવ નાબૂદ કરી સૌને સમાન સ્થાન-માન આપ્યા. અને મૈત્રીભાવનું ઝરણું વહાવ્યું.
• ભગવાનના જન્મના સમયને જયંતી નહીં પણ કલ્યાણક કહેવાનું શું કારણ?
ધવલભાઈ મહેતાઃ જયંતી અને કલ્યાણકમાં ઘણું અંતર છે. કલ્યાણક એટલે કલ્યાણને કરનારું - પરમાત્માનો જ્યારે પણ જન્મ થાય તે તમામ 14 રાજલોકમાં લોકો માટે કલ્યાણકારી છે. જે જીવ નરકમાં વેદનામાં પડ્યો હોય તેને પણ પરમાત્માનો જન્મ થતાં સુખની પ્રાપ્તિ થાય. આ જન્મ એક સામાન્ય માણસનો નથી, એક વિભૂતિનો જન્મ છે. સામાન્ય માણસના જન્મને જયંતી કહેવાય, પરંતુ એક વિભૂતિના જન્મપ્રસંગને જન્મકલ્યાણક કહેવાય છે.
• ભગવાન મહાવીરના સિદ્ધાંતો આજના વિશ્વમાં કેવી રીતે ઉપયોગી નીવડે?
ધવલભાઈઃ આજે વિશ્વમાં ઘણી સમસ્યા છે, જે તમામનું સમાધાન એટલે ભગવાન મહાવીર. ભગવાનના મુખ્ય પાંચ સિદ્ધાંતોમાં પ્રથમ છે અહિંસા. પ્રભુએ આપેલા ‘જીવો અને જીવવા દો’ સૂત્ર અંતર્ગત આજની આપણી અહિંસાપ્રધાન આર્ય સંસ્કૃતિ વેગન બની રહી છે. બીજા સિદ્ધાંતરૂપે વ્યવહાર-વાણીમાં સત્યતા. આજે ઘરના સભ્યો વચ્ચે પણ અવિશ્વાસનો માહોલ સર્જાય છે. ત્રીજો સિદ્ધાંત –વ્યવહારની નીતિમત્તા, આજના સમયમાં અખબારોમાં મોટાં-મોટાં કૌભાંડો વાંચવા અને સાંભળવા મળે છે, જ્યારે વ્યવસાયમાં નીતિમત્તા નેવે મુકાય ત્યારે આ સ્થિતિ સર્જાય. ચોથો સિદ્ધાંત – વર્તનમાં બ્રહ્મચર્ય, એનો અર્થ એવો જ નથી કે તમે સાધુ થઈ જાઓ. તેનો અર્થ એ પણ થાય છે કે તમે તમારા જીવનસાથી પૂરતા સમર્પિત રહો. આજે વ્યભિચારથી ભરપૂર પિરસાતું મનોરંજન જ કંઈક અંશે દુષ્કર્મની ઘટનાઓ વધારે છે તે કહેવું અતિશયોક્તિ નથી. પાંચમો સિદ્ધાંત છે વ્યવહારમાં અપરિગ્રહતા, આજના સમાજમાં સૌથી મહત્ત્વનો વ્યવહાર અપરિગ્રહતા જ છે. દોડીએ છીએ, અને જેના માટે દોડીએ છીએ તેના માટે જ સમય નથી હોતો. આજના જમાનામાં માણસ જો આ પાંચ સિદ્ધાંત સ્વીકારી લે તો તમામ સમસ્યાનું આપમેળે સમાધાન મળી જાય.
• અનેકાંતવાદ અંગે અમને માહિતગાર કરો.
ધવલભાઈઃ એક જ વસ્તુને જોવાના બે અલગ દૃષ્ટિકોણ તે અનેકાંતવાદ. મોટાભાગના ઘરોમાં ઝઘડાનું કારણ એકમાત્ર હોય છે ‘બસ મારા પ્રમાણે થયું નહીં.’ ‘મને ચા આવી જ ભાવે છે, તેવી કેમ ન બની?’ આ સમયે અનેકાંતવાદનો સિદ્ધાંત અપનાવીએ કે, ‘ઠીક છે ખાંડ ઓછી છે તો હું ઉપરથી નાખી લઉં. કોઈને એક ચમચી ખાંડવાળી ચા અનુકૂળ આવે છે.’ અન્ય વ્યક્તિના દૃષ્ટિકોણને પણ સ્વીકારવો જોઈએ. દરેક વ્યક્તિના વિચારોને અપનાવવાનો દૃષ્ટિકોણ અલગ-અલગ હોય છે અને તે અપનાવવાનો વ્યવહાર એટલે જ અનેકાંતવાદ.
ધવલભાઈ શાહ પાસેથી પ્રભુ મહાવીર અંગે માહિતી મેળવ્યા બાદ જ્યોત્સનાબહેન શાહના આગ્રહથી માયાબહેન દીપકે તેમના સુમધુર કંઠે હનુમાન જયંતીના ઉપલક્ષ્યમાં ‘ચલે હનુમાન યહાં આયે, કે રામજીકી ધુન મચાયે’ રજૂ કર્યું.
જ્યોત્સનાબહેને ત્રણ દાયકાથી પત્રકારત્વ સાથે સંકળાયેલાં
ડો. અનિતાબહેન રમેશ તન્નાને આમંત્રણ આપતાં પૂછયું કે, હનુમાન જયંતીના ઇતિહાસ અને તેના મહત્ત્વ અંગે અમને જણાવો.
અનિતાબહેનઃ આપણે ચૈત્ર સુદ પૂનમે હનુમાન જન્મોત્સવની ઉજવણી કરીએ છીએ. જો કે રામચરિત માનસ અને અન્ય પુસ્તકોમાં હનુમાનજીના જન્મ અને જન્મકથા અંગે જુદાજુદા ઉલ્લેખ મળે છે. વાલ્મિકી રામાયણ મુજબ માતા અંજનીએ શિવજીની ઘોર તપશ્ચર્યા કરી હતી, જેની ફળશ્રુતિરૂપ શિવજીએ તેમને વરદાન આપ્યું હતું કે. ‘પવનદેવની કૃપાથી આપને એક ઉત્તમ પુત્રની પ્રાપ્તિ થશે.’ અને આમ માતા અંજનીની કૂખે હનુમાનજીનો જન્મ થયો.
એક મત અનુસાર શિલાદ ઋષિ શિવના ભક્ત હતા. લાંબા સમય સુધી સંતાનપ્રાપ્તિ ન થતાં તેમનાં પત્નીએ કહ્યું, ‘તમારા પૂર્વજો તમારા સંતાનની રાહ જોઈને બેઠા હશે.’ પત્નીનો વિચાર જાણીને તેમણે તરત નિર્ણય કર્યો કે, પશુ-પક્ષીની જેમ કામોત્તેજનાથી ઉત્પન્ન સંતતી માનવ માટે ઇચ્છનીય ન હોઈ શકે. કર્મો દ્વારા જ પોતાના કુળને ઉજાળે તે સંતાન કહેવાય. આવા સંતાન સર્વેશ્વરની કૃપા અનુગ્રહ વિના કેવી રીતે મળી શકે. આટલું કહી તેઓ તપશ્ચર્યા કરવા જતા રહ્યા. વર્ષો સુધી કઠિન તપશ્ચર્યા કર્યા બાદ શિવજી પ્રસન્ન થયા. મહાદેવને ઋષિએ કહ્યું, ‘મને તમારા જેવો પુત્ર જોઈએ છે.’ આ સમયે સર્વેશ્વરે કહ્યું કે મારો અંશ અવતાર એટલે કે હું જ પુત્ર થઈ તમારા ઘરે અવતરીશ. આમ મહાદેવના અગિયારમા રુદ્ર તરીકે હનુમાનજીનું અવતરણ થયું છે.
શતરુદ્ર સંહિતા મુજબ દેવ અને દાનવ વચ્ચે સમુદ્ર મંથન થઈ રહ્યું હતું. આ સમયે સમુદ્રમાંથી ઉત્પન્ન થનારા અમૃત માટે દેવ અને દાનવો વચ્ચે ઘર્ષણ થયું. આ સંઘર્ષને ટાળવા અને અમૃતનું પાન દેવોને જ કરાવવા ભગવાન વિષ્ણુએ મોહિની અવતાર ધારણ કર્યું. ભગવાન વિષ્ણુનું આ સ્વરૂપ એટલું મોહિત કરનારું હતું કે મહાદેવે તેનાં દર્શન કરવા માટે હઠ પકડી. ભગવાન વિષ્ણુના આ મોહિની સ્વરૂપનાં દર્શન ભગવાન મહાદેવે કર્યાં ત્યારે તેમનું વીર્ય સ્ખલન થયું. આ સ્ખલિત વીર્યને ઋષિમુનિઓ દ્વારા પર્વત પર તપ કરતાં માતા અંજનિના ગર્ભમાં સ્થાપિત કર્યું. આમ શિવકૃપાથી હનુમાનજીનો જન્મ થયો.
અન્ય એક કથા અનુસાર પુત્રપ્રાપ્તિ માટે રાજા દશરથે કરેલા યજ્ઞમાં યજ્ઞદેવે ખીરરૂપી પ્રસાદી આપી હતી. આ ખીર પડિયામાં રાખી ત્રણેય રાણી કૈકેયી, સુમિત્રા અને કૌશલ્યાએ ગ્રહણ કરી. જો કે તેમાંથી એક પડિયું સમડી લઈને ઊડી ગઈ અને પર્વત પર શિવમાં ધ્યાનસ્થ માતા અંજનિના ખોળામાં તે પડ્યું. આમ માતા અંજનિએ આ ખીરને ગ્રહણ કરતાં શિવકૃપાથી હનુમાનજીનો જન્મ થયો.
• હનુમાનજી શિવ અને વિષ્ણુભક્તિ વચ્ચે સેતુરૂપ કેમ ગણાય છે?
અનિતાબહેનઃ હનુમાનજી શિવના અગિયારમા રુદ્રરૂપે પ્રગટ થયેલા છે અને શ્રીરામ ભગવાન વિષ્ણુનો અવતાર છે. અવતારમાં બે ચેતના હોય છે - ઇશ ચેતના અને માનવ ચેતના. વિષ્ણુરૂપ રામના શ્રેષ્ઠ ભક્ત એ હનુમાન જ છે આમ હનુમાનનું મૂળરૂપ ભગવાન શંકર અને વિષ્ણુની ભક્તિ માટે હનુમાન સેતુરૂપ ગણાય છે.
કાર્યક્રમનું સમાપન કરતાં પ્રકાશક-તંત્રી સી.બી. પટેલે કહ્યું કે, અહીં નથી કોઈ હિન્દુ કે નથી કોઈ જૈન, આપણે બધા એક જ છીએ. આપણો સમાજ સનાતન સમાજ છે, જેનાં મૂલ્યોનું આપણે પાલન કરીએ છીએ. જરૂરી છે કે આપણો સમાજ સંગઠિત બને અને એકબીજાનું સન્માન કરે.


comments powered by Disqus