સ્ટાર્મર સરકાર દ્વારા મતદાન અધિકારની વયમર્યાદા 16 વર્ષ કરવાની જાહેરાત કરાઇ છે. મતદાનની વયમર્યાદા ઘટાડવા અંગેની ચર્ચાઓ તાજેતરના વર્ષોમાં વેગ પકડી રહી છે. તેની તરફેણ કરનારાઓની દલીલ છે કે તેનાથી બાળકોના રાજકીય અને નાગરિક અધિકારો સાકાર કરી શકાશે જ્યારે વિરોધીઓ સગીરોની રાજકીય પુખ્તતા પર સવાલો ઉઠાવી રહ્યાં છે.
આજે મોટાભાગના દેશોમાં મતદાનની વયમર્યાદા 18 વર્ષની છે. સૌથી પહેલાં લેટિન અમેરિકાના દેશોમાં વયમર્યાદા 16 વર્ષ કરાઇ હતી અને ત્યારબાદ ઘણા યુરોપિયન દેશો પણ તેને અનુસર્યાં હતાં. આજે ઘણા દેશોમાં 16 વર્ષ કે તેથી વધુનાને મતદાનનો અધિકાર અપાઇ ચૂક્યો છે ત્યારે સવાલ એ થાય છે કે શું સગીરો મત અંગેનો નિર્ણય લેવા માટે પુરતી પુખ્ત સમજ કેળવી ચૂક્યાં છે...? આજે તમામ દલીલો તેમની માનસિક અને નિર્ણય લેવાની ક્ષમતાઓની આસપાસ જ થાય છે. કેટલાક એવો દાવો કરે છે કે સગીરોમાં મતદાન કરવાની જ્ઞાનાત્મક ક્ષમતાનો અભાવ હોય છે. તેઓ રાજનીતિ અંગે પુરતી જાણકારી ધરાવતા હોતા નથી અથવા તો તેમને ગેરમાર્ગે દોરવાની સંભાવનાઓ ઘણી ઊંચી હોય છે.
તાજેતરમાં કરાયેલા એક રિસર્ચ પ્રમાણે બાળકોની સમજશક્તિ ઘણી વિકસિત થઇ ચૂકી છે. ચોક્કસ સંજોગોમાં નિર્ણય લેવાની સગીરોની માનસ શક્તિમાં ઘણો વધારો થયો છે. સગીરોના માનસિક વિકાસના કારણે જ ઘણા દેશો મતદાનની વયમર્યાદા ઘટાડવાની દિશામાં આગળ વધ્યાં છે. ઘણા નિષ્ણાતો એમ માને છે કે 16 વર્ષના સગીર સ્વતંત્ર રીતે રાજકીય નિર્ણયો લેવાની ક્ષમતા કેળવી ચૂક્યાં છે.
જોકે મતદાનના સંદર્ભમાં બાહ્ય પ્રભાવ અને સગીરોનો લાભ લેવાય તેવી શંકાઓ તરફ પણ આંગળી ચીંધવામાં આવે છે. આજના સોશિયલ મીડિયાના યુગમાં ફેક ન્યૂઝ દ્વારા પુખ્તોને પણ ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યાં છે ત્યારે સગીરો પર અને તેમના રાજકીય નિર્ણયો પર કેવો વિપરિત પ્રભાવ પડી શકે છે તેના પર પણ ધ્યાન દોરવામાં આવી રહ્યું છે. આજે જ્યારે પુખ્તો જ સાચા-ખોટાનો ભેદ કરવામાં ગફલત કરી બેસે છે ત્યારે યુનિસેફનું એક રિસર્ચ કહે છે કે ઇન્ટરનેટ પર ઉપલ્બધ થતી માહિતીની ચકાસણી કરવાની ક્ષમતા સગીરોમાં હોતી નથી. સોશિયલ સાયન્સના સંશોધનો કહે છે કે મોટાભાગના પુખ્ત મતદારો પણ તેમના રાજકીય નિર્ણયો વફાદારી, ઓળખ અને નેતાઓના પ્રભાવ હેઠળ લેતાં હોય છે. તેઓ રાજકીય હિતો અથવા તો નીતિવિષયક બાબતોના આધારે મત આપવાનો નિર્ણય લેતાં નથી. આવી સ્થિતિમાં પુખ્તોની જેમ સગીરો પણ વિવિધ પરિબળોથી પ્રભાવિત થઇ શકે છે તેમાં કોઇ શંકા નથી. આમ મતદાનની વયમર્યાદા 16 વર્ષ કરવાનો સ્ટાર્મર સરકારનો નિર્ણય કેટલો કારગર રહી શકે તે એક ચર્ચાનો વિષય છે.
