NATOની ભારત પર 100 ટકા ટેરિફ લગાવવા ધમકી

નાટોના વલણ સામે ભારતે આપ્યો આકરો જવાબ

Wednesday 23rd July 2025 06:36 EDT
 
 

બ્રસેલ્સઃ NATOના મહાસચિવ માર્ક રૂટે બુધવારે કહ્યું હતું કે, ભારત, ચીન અને બ્રાઝિલે યુક્રેન પર શાંતિ વાટાઘાટો માટે પુતિન પર દબાણ કરવું જોઈએ. રૂટે કહ્યું હતું કે, ચીનના રાષ્ટ્રપતિ, ભારતના વડાપ્રધાન અને બ્રાઝિલના રાષ્ટ્રપતિએ સમજવું પડશે કે રશિયા સાથે વેપાર ચાલુ રાખવાથી ભારે નુકસાન થઈ શકે છે. હું આ ત્રણેય દેશના નેતાઓને અપીલ કરું છું કે તેઓ પુતિન સાથે ફોન પર વાત કરે અને તેમને શાંતિ વાટાઘાટો માટે કહે. તેમણે કહ્યું હતું કે, જો આ દેશો રશિયા પાસેથી ઓઇલ અને ગેસ ખરીદવાનું ચાલુ રાખશે તો આ દેશો પર 100 ટકા સેકન્ડરી પ્રતિબંધો લાદવામાં આવશે.
બેવડાં ધોરણો સ્વીકાર્ય નહીંઃ ભારત
દિવ્યભાસ્કર તા.17- ભારતે રશિયા પાસેથી તેલ અને ગેસની ખરીદી પર 100% ગૌણ પ્રતિબંધની નાટો ચીફ માર્ક રૂટની ધમકીને સખત રીતે નકારી કાઢી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ગુરુવારે કહ્યું કે, અમે અમારી ઊર્જા જરૂરિયાતોને પૂર્ણ કરવાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીએ છીએ. તે ઉપલબ્ધ સંસાધનો અને વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિ પર આધાર રાખે છે. અમે આ બાબતમાં કોઈપણ પ્રકારનાં બેવડાં ધોરણોને સ્વીકારીશું નહીં. જયસ્વાલનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે નાટો ચીફે ભારત, બ્રાઝિલ અને ચીનને ચેતવણી આપી હતી કે જો રશિયા 50 દિવસમાં યુક્રેન યુદ્ધ પર શાંતિ કરાર નહીં કરે તો આ દેશો પર કડક આર્થિક પ્રતિબંધો લદાશે.
અમારી નીતિ બદલાશે નહીંઃ રશિયા
રશિયાના નાયબ વિદેશમંત્રી સેર્ગેઈ રિયાબકોવે અમેરિકા અને નાટોની ધમકીઓને નકારી કાઢી હતી. તેમણે કહ્યું હતું કે, રશિયા ટ્રમ્પ સાથે વાતચીત માટે તૈયાર છે, પરંતુ આવા અલ્ટિમેટમ સ્વીકાર્ય નથી. રશિયા કહે છે કે આર્થિક દબાણ છતાં તે તેની નીતિઓ બદલશે નહીં અને વૈકલ્પિક બિઝનેસ રૂટ શોધશે.
અમેરિકા યુક્રેનને હથિયાર આપશે
નાટો સેક્રેટરી જનરલ તરફથી આ ચેતવણી એવા સમયે આવી છે, જ્યારે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનને નવાં હથિયારો પૂરાં પાડવાની અને રશિયાના વેપાર ભાગીદારો પર ભારે ટેક્સ લાદવાની જાહેરાત કરી છે. અમેરિકા હવે યુક્રેનને પેટ્રિયટ મિસાઇલ જેવાં આધુનિક હથિયારો આપવા જઈ રહ્યું છે, જેથી તે રશિયન હુમલાઓથી પોતાનું રક્ષણ કરી શકે.


comments powered by Disqus