લંડનમાં પેલેસ ઓફ વેસ્ટમિન્સ્ટર ખાતે 14 જુલાઇ સોમવારના રોજ ગુજરાત સમાચાર - Asian Voice અને રોયલ એરફોર્સ (RAF)એ સાથે મળીને પર્યાવરણમાં થઇ રહેલા બદલાવ પર બી ધ ચેન્જ પેનલ ડિસ્કશનની ચોથી આવૃત્તિનું આયોજન કર્યું હતું.
એશિયન વોઇસના મેનેજિંગ એડિટર રૂપાંજના દત્તાએ યુકેમાં વધી રહેલા હીટવેવ મધ્યે પર્યાવરણ મુદ્દે તાત્કાલિક પગલાં લેવા પર ભાર મૂકતાં કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં યુકેએ કરેલી પ્રગતિને બિરદાવી હતી. તેમણે બ્રિટિશ એશિયન સમુદાયમાં પર્યાવરણલક્ષી પત્રકારત્વમાં અખબારની પ્રતિબદ્ધતા વર્ણવતા રોયલ એરફોર્સની આ કાર્યમાં ભાગીદારી અને નેતૃત્વની પ્રશંસા કરી હતી. આ પ્રસંગે લૂમ્બા ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરમેન ટ્રસ્ટી લોર્ડ રાજ લૂમ્બા (સીબીઇ)એ સમારોહનું સંચાલન કર્યું હતું.
લોર્ડ લૂમ્બાએ ક્લાઇમેટ ચેન્જ અટકાવવા વિશ્વમાં તાકિદની જરૂરીયાત અને દરેક વ્યક્તિની જવાબદારી પર ભાર મૂકતાં ચર્ચાનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે વિકાસશીલ દેશોમાં પછાત સમુદાયો અને વિધવાઓપર કટોકટીની થઇ રહેલી અસમાન અસરો વર્ણવતા તેમના ફાઉન્ડેશનની માહિતી આપી હતી. ગુજરાત સમાચાર- એશિયન વોઇસ અને આરએએફના નેતૃત્વની પ્રશંસા કરતાં તેમણે ઇવેન્ટના મુદ્રાલેખ બી ધ ચેન્જ અંતર્ગત સામુહિક અને વ્યક્તિગત પ્રયાસની અપીલ કરી હતી.
ત્યારબાદ વિંગ કમાન્ડર મનજીત ઘટૌરાએ સસ્ટેનેબલ એવિએશન ફ્યુઅલ, ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કાર્બન ઉત્સર્જન ઘટાડવાના લક્ષ્યાંક સાથેના સંશોધનો દ્વારા ક્લાઇમેટ ચેન્જ સામેની લડાઇમાં આરએએફની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે વિવિધતા, એકતા અને સમાન તકો માટે આરએએફની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતાં સમુદાયોને તેમના યુવાનોને આરએએફમાં કારકિર્દી માટે પ્રોત્સાહિત કરવા આહવાન કર્યું હતું.
પર્યાવરણનું જોખમ કાલ્પનિક નથીઃ નિષ્ણાતોના અર્થપૂર્ણ મંતવ્યો
ઓક્સફર્ડ યુનિવર્સિટીના વિઝિટિંગ ફેલો, સીઇઓ અને ફાઇનાન્સિયલ ટાઇમ્સના કટાર લેખક અલ્પેશ પટેલ (ઓબીઇ)એ ચર્ચાને આગળ ધપાવી હતી. તેઓ રિન્યુએબલ એનર્જીમાં રોકાણ કરે છે અને ગ્લોબલ ક્લાઇમેટ ટેક સોલ્યૂશન્સ તથા યુકે-ભારત સંબંધો પર સલાહ પણ આપે છે. ચર્ચામાં ભાગ લેનારા અન્ય મહાનુભાવોમાં અગ્રણી સિવિલ એન્જિનિયર અને ક્લાઇમેટ એક્સપર્ટ, ઇન્સ્ટિટ્યુટ ઓફ સિવિલ એન્જિનિયર્સના પ્રથમ વંશીય લઘુમતી મહિલા વડા અને ક્લાઇમેટ સ્ટ્રેટેજીમાં વિવિધ ભુમિકાઓ ભજવનારા પ્રોફેસર અનુષા શાહ, લોકલ અને ઇન્ટરનેશનલ રિસ્ક ગવર્મેન્ટમાં 25 કરતાં વધુ વર્ષોનો બહોળો અનુભવ ધરાવતા એસ્ટોન યુનિવર્સિટીના ડિઝાસ્ટર મેનેજમેન્ટ લેક્ચરર ડો. કોમલ રાજ અર્યાલ અને ડબલ્યૂયુકેએના સીઇઓ તથા પર્યાવરણવિદ્દ રૂબી રાઉતનો સમાવેશ થતો હતો. અલ્પેશ પટેલે લોર્ડ રાજ લૂમ્બા અને સી બી પટેલને રિયલ લાઇફના સુપર હીરો ગણાવી બિરદાવ્યા હતા. તેમણે ક્લાઇમેટ એક્શનમાં આરએએફની મહત્વની ભુમિકાની પણ પ્રશંસા કરી હતી. ક્લાઇમેટ ચેન્જને આપણા સમયનો રાષ્ટ્રીય સુરક્ષા પડકાર ગણાવતા તેમણે નિર્ણાયક નેતૃત્વની અપીલ કરી હતી. તેમણે આ કટોકટીને બોજ ગણવાને સ્થાને સંશોધન, તક અને પેઢીગત અસર માટે ઉદ્દીપક સમાન ગણવા જણાવ્યું હતું.
ચર્ચામાં પેનલિસ્ટોએ પર્યાવરણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને વેગ આપનારી અંગત પળોને પણ ઉજાગર કરી હતી. કાશ્મીરના પર્યાવરણ ઇજનેર અનુષાને તેમની પ્રથમ નોકરી દરમિયાન દિલ્હીની કાળઝાળ ગરમીમાં કામ કરી રહેલા શ્રમિકોની પીડાના અનુભવે તેમને રાજીનામુ આપવા અને ક્લાઇમેટ જસ્ટિસ પર ધ્યાન કેન્દ્રિત કરવા પ્રેરણા આપી હતી. કાર્લાઇલ અને શ્રીનગરના ભયાનક પૂરોએ તેમની આ પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવી હતી.
ગ્રામીણ નેપાળમાં ઉછરેલા રૂબીએ યોગ્ય ઉત્પાદનોના અભાવમાં માસિક ધર્મ શિક્ષણમાં કેવો અવરોધ બનતો હતો તેનું વર્ણન કર્યું હતું. યુકે આવ્યા પછી વેસ્ટર્ન પીરિયડ પ્રોડક્ટ્સના પ્લાસ્ટિક વેસ્ટને જોઇને આઘાતમાં સરી પડેલા રૂબીએ રિયુઝેબલ પીરિયડ અંડરવેરનું સર્જન કર્યું હતું. જેણે 10 લાખ મહિલાઓને મદદ કરવાની સાથે યુકેની નીતિ પર પણ પ્રભાવ પાડ્યો હતો. કોમલે પૂરગ્રસ્ત કાઠમંડુમાં થયેલા ઉછેર અને અવારનવાર પાણી ડહોળીને ઘેર પહોંચવાની ઘટનાઓ યાદ કરી હતી. એરપોર્ટ પર એક પ્રોફેસર સાથેની મુલાકાત તેમને યુકેમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટનો અભ્યાસ તરફ દોરી ગઇ હતી અને તેમણે ક્લાઇમેટ રેઝિલિયન્સમાં કારકિર્દીને આકાર આપ્યો હતો.
કેવો નીતિગત બદલાવ નેટ ઝીરો લક્ષ્યાંક હાંસલ કરવામાં અર્થપૂર્ણ રહી શકે તેવા સવાલના જવાબમાં પેનલિસ્ટોએ એકીકૃત અને જન કેન્દ્રિત અભિગમની જરૂરીયાત પર ભાર મૂક્યો હતો. અનુષાએ નેચર ફર્સ્ટ પોલિસી ફ્રેમવર્ક માટે દલીલ કરતાં જણાવ્યું હતું કે, ક્લાઇમેટ એક્શન ફક્ત કાર્બન ઉત્સર્જન ઘટાડવા પર જ આધારિત ન હોવું જોઇએ પરંતુ તેમાં પર્યાવરણની જાળવણીનો પણ સમાવેશ કરવો જોઇએ. આપણે કુદરતની બાદબાકી કરીને પર્યાવરણની વાતો કરવી જોઇએ નહીં. કુદરતને અગ્રીમ સ્થાન આપીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાનિંગમાં પ્રાથમિકતા આપવી જોઇએ.
ફેશન સેક્ટરની વાત કરતાં રૂબીએ વપરાશમાં યોગ્ય સમજ અને જવાબદાર ઉત્પાદન પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, દરેક બિઝનેસે વપરાશમાં સમજદારીની જવાબદારી નિભાવવી જોઇએ. ગ્લોબલ નોર્થમાં વધુ ઉત્પાદનના કારણે ગરીબ દેશોમાં ટોક્સિક વેસ્ટ નિકાસ કરાય છે. તેમણે સ્થાનિક ક્લાઇમેટ જોખમો પર ચર્ચાના મહત્વ પર ભાર મૂકતાં જણાવ્યું હતું કે, પર્યાવરણનું જોખમ કાલ્પનિક નથી. તે દરેક વયની વ્યક્તિ અને સમુદાય માટે જોખમરૂપ છે.
પેનલિસ્ટોએ યુવાઓ અને વિશેષ પ્રતિનિધિત્વ ન ધરાવતા સમુદાયોના યુવાઓ ક્લાઇમેટ એક્શનને કેન્દ્રમાં રાખે તેના પર ભાર મૂક્યો હતો. અનુષાએ યુવાઓને સૌથી મહત્વના ભાગીદાર ગણાવતા પર્યાવરણલક્ષી ચર્ચાઓને હોનારતમાંથી તકમાં બદલી નાખવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આ ક્ષેત્રમાં પ્રવેશવાનો આ ઉપયુક્ત સમય છે. તમારે ગૌરવ અને તમામ માટે સન્માન સાથે સ્થળોની ફરીથી ડિઝાઇન કરવાની છે.
રૂબીએ જણાવ્યું હતું કે, સગીરો ભવિષ્ય નહીં પરંતુ વર્તમાન છે. આજનો યુવા વિશ્વ સાથે સંકળાયેલો છે અને સુચારૂ જીવનમાં તેનો સમાવેશ વધતો જાય છે. ભારતના હિમાચલપ્રદેશમાં થ્રીડી મેપ અને લિગો મોડેલે શાળા અને કોલેજના વિદ્યાર્થીઓને ધરતીકંપના જોખમો અંગે જાગૃત થવામાં મદદ કરી છે. તમામ પેનલિસ્ટ સહમત થયાં હતાં કે યુવા સશક્તિકરણ માટે વિકેન્દ્રિત નેતૃત્વ, સાંસ્કૃતિક આદાનપ્રદાન અને વિવિધ મંતવ્યોને સમર્થન આપતાં ફંડિંગની જરૂર છે.
પ્રેક્ષકોના મંતવ્યોએ ક્લાઇમેટ ચેન્જની ચર્ચાને નવો આયામ આપ્યો
સવાલ જવાબ દરમિયાન પેનલિસ્ટો અને પ્રેક્ષકોએ મહત્વાકાંક્ષા, સમાનતા અને ક્લાઇમેટ એક્શનમાં જવાબદારીના ચાવીરૂપ તણાવો પર ચર્ચા કરી હતી. નેટ ઝીરો લક્ષ્યાંકમાં યુકેની આર્થિક પ્રતિબદ્ધતા પરના સવાલના જવાબમાં અનુષાએ ક્લાઇમેટ રેઝિલિયન્સને ફાઇનાન્સિયલ અને બિઝનેસ કેસ બનાવવા પર ભાર મૂકતાં જણાવ્યું હતું કે, ક્લાઇમેટ રેઝિલિયન્સ રિજિયન્સ પ્રવાસન, ઇન્વેસ્ટમેન્ટ અને વિકાસમાં વધુ સ્પર્ધાત્મક બની રહેશે.
રૂબીએ જણાવ્યું હતું કે, વીજળીકરણમાં યુકે પાછળ રહી ગયો છે. ચીને 80 ટકા ઇવી અપનાવી લીધાં છે. જોકે અનુષા અને કોમલે ઇવી પર વધુ પડતા આધાર સામે ચેતવણી પી હતી. તેમણે આગ લાગવાના જોખમ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખામીને ઉજાગર કરતાં પબ્લિક ટ્રાન્સપોર્ટ અને શહેરોમાં ચાલવાની જરૂરીયાત પર ભાર મૂક્યો હતો. અનુષાએ સમાનતા અને શહેરી ડિઝાઇનમાં યોગ્ય આયોજનની અપીલ કરતાં જણાવ્યું હું કે, ઇવી કાયમી ઉકેલ નથી. ઘણા પ્રેક્ષકોએ જમીની સ્તર પર ઉકેલ લાવવા પર ભાર મૂક્યો હતો. એક શ્રોતાએ યુવાઓને પોતાની હિસ્સેદારી સમજવા કુદરતની સમીપ જવાનું આહવાન કર્યું હતું. તે સાથે સહમત થતાં અનુષાએ જણાવ્યું હતું કે, આપણને તેની જ જરૂર છે. કુદરત દ્વારા જીવનની કુશળતા શીખીને આપણે ભાવિ નેતાઓ તૈયાર કરી શકીશું. એક અન્ય શ્રોતાએ લંડનની ગરમીને પહોંચી વળવા એક ટૂલકીટનું વર્ણન કર્યું હતું.
ચર્ચામાં વૈશ્વિક હિસ્સેદારી અને કચરાની નિકાસ પરના સવાલો પણ ચર્ચાયા હતા. રૂબીએ જણાવ્યું હતું કે, યુકેએ તેની સરહદો પાર પણ કામ કરવું જોઇએ, લાઇફસાયકલ કાર્બન એકાઉન્ટિંગ અપનાવી કાર્બન ઉત્સર્જનનું આઉટસોર્સિંગ અટકાવવું જોઇએ. આપણે ઘરઆંગણે જ રિસાયકલિંગની ક્ષમતાનું નિર્માણ
કરવું જોઇએ અને આપણા કચરાનો
બોજો વિકાસશીલ દેશો પર નાખવો જોઇએ નહીં.
પર્યાવરણની જાળવણીની જવાબદારી કોણ લેશે તેના પર પેનલે જણાવ્યું હતું કે જવાબદારીઓ વહેંચાવી જોઇએ. કોમલે બાયોચાર રિસાયકલિંગ જેવા સ્થાનિક ઉપાય સૂચવ્યા જ્યારે રૂબીએ જનતા, બિઝનેસ અને સરકારોને સાથે મળીને કામ કરવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, માનવજાત તરીકે આપણે હાલ કરતાં વિશ્વને વધુ સારી સ્થિતિમાં મૂકીને જવું જોઇએ.
ગુજરાત સમાચાર અને એશિયન વોઇસના ચેરમેન અને એડિટર સી બી પટેલે આભાર દર્શન કરતાં લોર્ડ રાજ લૂમ્બા, રોયલ એરફોર્સના સભ્યો અને તમામ આદરણીય મહેમાનોનો ક્લાઇમેટ ચેન્જ પરના પ્રતિભાવો મુદ્દે હૃદયના ઊંડાણથી આભાર માન્યો હતો.
ગુજરાત સમાચારની 53મી જયંતિ નિમિત્તે સી બી પટેલે ક્લાઇમેટ ચેન્જ સહિતની સામાજિક કારણો માટે પબ્લિકેશનના દાયકાઓ લાંબા સમર્થન માટે ગૌરવ વ્યક્ત કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, અમે આ અભિયાન જારી રાખવા, ક્લાઇમેટ ચેન્જના વૈશ્વિક મુદ્દા પર જાગૃતિ વધારવા અમારા મંચોનો ઉપયોગ કરવા પ્રતિબદ્ધ છીએ. સી બી પટેલે સમારોહમાં હાજર રહેલા પેનલિસ્ટોની પારદર્શકતાને બિરદાવી છેલ્લા 4 વર્ષથી આરએએફની મૂલ્યવાન ભાગીદારી માટે ઊંડા આભારની લાગણી પ્રગટ કરી હતી. તેમણે હાજર રહેલા તમામને ઉજ્જવળ ભાવિ માટે રોજિંદા જીવન અને તેમના સમુદાયોમાં કામ કરવા અપીલ કરી હતી.