ભાષા તો ભાવના છે, કોઈ જીવલેણ શસ્ત્ર નથી..

Wednesday 23rd July 2025 09:27 EDT
 
 

આ સનાતન સત્ય આજે પણ વારંવાર કહેવું પડે તેનું એક મુખ્ય કારણ બ્રિટિશ અને મુઘલ શાસન લાંબા સમય સુધી રહ્યું તે છે. બીજું, તેનું પશ્ચિમી ભાષાશાત્રીઓએ કરેલું તથાકથિત વર્ગીકરણ છે. ત્રીજું કારણ લોકશાહીમાં સત્તા મેળવવા માટેનું સાધન ગણી લેવાની વ્યૂહરચના છે.
એક ગણતરી પ્રમાણે ભારતમાં 122 ભાષાઓ છે, અને અન્ય 1599 છે. તેમની કેટલીક પાસે કોઈ લિપિ નથી, પણ અભિવ્યક્તિ તો છે જ. કચ્છી બોલી, મીઠડી બોલીની પોતાની કોઈ લિપિ નથી, પણ તેથી શું? ગુજરાત પ્રદેશમાં એવી 50 જેટલી બોલી છે, તેનું મૂળ ગુજરાતી લિપિમાં સમયેલું છે, અને હોવું જોઈએ.
સૌરાષ્ટ્રમાં બોલી-વૈવિધ્ય ઘણું છે, તેનો લહેકો પણ અલગ અલગ સાંભળવા મળે. પાંચાલનો નિવાસી અલગ મિજાજથી બોલે છે, ઘેડમાં જુદું સ્વરૂપ સાંભળવા મળે. થોડેક દૂર જાઓ તો બરડાઇ બોલીનો પરિચય થાય. દૂર પશ્ચિમે ઓખા-દ્વારિકાનો નિવાસી વાઘેરી બોલીથી સમુદ્ર-સફરને સજાવે છે. કચ્છ ભલે એક હોય, વાગડથી બન્ની સુધી રખડો તો જ તેનો બોલી-વૈભવ અનુભવાય. સાગર-ખેડૂની દૂર સુધીની સમુદ્ર-સફરનો એક સંગાથ તેની ભાષા અને તેનો સામૂહિક સ્વર પણ છે. એક રસપ્રદ લક્ષણ એ જોવા મળે કે સૌરાષ્ટ્ર અને કચ્છના સાગરકાંઠાની યાત્રા-ફિલસૂફી તેની બોલીના ગીતોમાં વ્યક્ત થાય છે. દેશાવરના ખેડાણ પૂર્વેનું તેનું આ ગીત સાંભળો:
હે, માલી જામશા
રામો રામ!
 ગણપતિને હડમાનજતિ
રામો રામ!
 હો, વેલા કિનાર તે
રામો રામ!
 હડમાનને ચાડસા લાડૂ
રામો રામ!
 જાનફેસાની, રામ રખવારી
રામો રામ!
કચ્છના આવા ગીતો અને કથાઓનો રામસિંહજી રાઠોડે અદ્દભુત સંગ્રહ કર્યો છે. ઝવેરચંદ મેઘાણીએ આ કામ કાઠિયાવાડમાં કર્યું. ભગવાનદાસ પટેલ દક્ષિણ ગુજરાતમાં અને જોરાવરસિંહ જાદવને પણ યાદ કરવા પડે. ગુજરાતે પોતાની ભાષાનું સ્વાભિમાન અક્ષત જાળવી રાખ્યું છે. સિદ્ધરાજ જયસિંહની કથા, માળવા વિજય દરમિયાન પ્રેરિત વ્યાકરણનો ગ્રંથ રચવાની વાત કરે છે, જે જૈન મુનિ હેમચંદ્રાચાર્યે પૂરી કરી હતી. ગ્રંથ-યાત્રાનો એ ઐતિહાસિક પ્રસંગ હતો, તેની સાથે જૈન મુનિઓએ ઇસ્લામી આક્રમણખોરોથી આ હસ્તપ્રતોને જૈન દેવાલયોમાં સુરક્ષિત બચાવી રાખી, કેમ કે તેઓને ખબર હતી કે આ ઝનૂની હુમલાખોરો સૌપ્રથમ તે પ્રદેશના જ્ઞાન, વિજ્ઞાન, સંસ્કૃતિ અને ભાષાને નષ્ટ કરે છે. નાલંદા, વલ્લભીપુર, તક્ષશીલા વિશ્વવિદ્યાલયોના એવા હાલ થયા હતા.
ભાષાની ગરિમાને જાળવવા વિદેશી આક્રમણો નિમિત્ત બન્યા તે પણ એક ઐતિહાસિક વિડંબના નથી? પ્રેમાનંદ ભટ્ટે નાનકડી તાંબાની ગાગર લઈને ગામડાઓ સુધી આખ્યાનો કર્યા (નેતા હોત તો વ્યાખ્યાન કર્યા હોત!) ને ગુજરાતી જીવનશૈલીને બચાવી લીધી. 1857 દરમિયાન બ્રિટિશ શિક્ષણ પ્રથાને ગુલામ ભારતમાં સ્થાપિત કરવાના દિવસોમાં ઘણા બધા બૌદ્ધિકો પણ બ્રિટિશરો પ્રત્યે આકર્ષિત થયા અને તેમની માત્ર રાજ-પદ્ધતિ જ નહિ, સઘળું સ્વીકારવાની મનોવૃત્તિ ઊભી થઈ. તેના આડ-પરિણામ તરીકે સુધારા ચળવળ આવી તેથી સૌથી અધિક રાજી શાસકો હતા. હિન્દુ ધર્મને સંકુચિત, અંધ શ્રદ્ધાળુ, કર્મકાંડી તરીકે ઓળખવવાની શરૂઆત થઈ, તેમાં આપણે પોતે પણ જવાબદાર હતા. પરંતુ પશ્ચિમને વાયા બ્રિટિશ સત્તા - ભારતને સમગ્ર રીતે સંસ્કૃતિના શૂન્યાવકાશ તરફ દોરી જવા માટે આવા નિમિત્તો ઉપકારક નીવડ્યા, એટલે તો હિન્દુ સુધારકો સ્વામી દયાનંદ સરસ્વતી કે સ્વામી વિવેકાનંદની આલોચના બ્રિટિશ સત્તાએ અને બૌદ્ધિકોએ કરવા માંડી હતી. તેના સામે છેડે પાદરીઓને ‘સમાજ સુધારક મસીહા’ તરીકે ભારતમાં મોકલવામાં આવ્યા. મેકસમૂલર જેવા વિદ્વાન કામે લગાડવામાં આવ્યા.
ઈશાન ભારતમાં વેરિયર એલવિને સ્થાનિક ઈતિહાસને વિકૃત કરીને એવું જણાવ્યું કે આ પ્રજા ભારતીય નથી! હવે જો ભારતીય ના હોય તો તેની ભાષા અને ઉપાસના પણ અલગ જ હોય ને! આવું ઠસાવવા ‘સંશોધન’નો ઉપયોગ કર્યો. વનવાસી ગિરિવાસી પ્રજાના હિન્દુ ધર્મથી અલગ પોતાના દેવીદેવતાઓ છે તેવું ઠસાવવામાં આવ્યું. વાસ્તવિકતા જુદી જ છે.
મણિપુરી જેવુ શુદ્ધ ભક્તિ નૃત્ય અહીંનું છે. મિશિમી આદિવાસી સમાજના શિવ, પાર્વતિ, વિષ્ણુ, લક્ષ્મી દેવતાનું નામ છે ખીંજીમ. મારા પ્રવાસમાં ખબર પડી કે અરે, આ ખીંજીમ તો હિન્દુ પ્રિય દેવતા છે, તેની સાથે રૂકમણીનો સંગાથ છે. બાથો, તત્ર રંબુગા, ઉબ્લેઇ નોગથો, અરનેમ કેથે, પથિએન... આ નામો તો તેમની કલ્પનાના પણ તેનું મૂળ શિવ, પાર્વતી, વિષ્ણુ, લક્ષ્મી, ઇન્દ્ર અને બીજા દેવી દેવતાઓમાં પડ્યું છે. કથાઓ પણ તેની જ. કામાખ્યા, અર્જુન, ભીમ, ચિત્રાંગદા, રૂકીમણી, હિડિંબા, કામરૂપ, ઉષા (જે અનિરુદ્ધની પ્રેયસી પત્ની, તે અગ્નિગૃહ (તેજપુર)માં બાળપણ વીત્યું હતું. ગુજરાતમાં રાસ પ્રચલિત કરનારી ઉષા હવે કાઠિયાવાડી ભાષામાં ‘ઓખા’ બની ગઈ છે.
હવે આ બધા ભારત-વિરોધી, હિન્દુ-વિરોધી, ભાષા-વિરોધી કઈ રીતે હોય? તામિલનાડુમાં હિન્દી-વિરોધ એ રાજકીય ખેલ છે. અગાઉ તેનું સ્વરૂપ ઉત્તર ભારતના બ્રાહ્મણવિરોધી હતું. પણ, દક્ષિણ ભારતની દરેક ભાષાઓમાં - મલયાલમ, તેલુગુ, કન્નડ - માં વધુમાં વધુ શબ્દો સંસ્કૃતના છે. કેરળના કાલડીઓ સમગ્ર ભારતને સંસ્કૃત અને સંસ્કૃતિના એક તંતુએ બંધનારા આદિ શંકરચાર્યની જન્મભૂમિ છે. સ્વામી વિવેકાનંદ સ્મારક કન્યા કુમારીમાં, વિષ્ણુના અન્ય નામ બાલાજીનું મંદિર, મીનાક્ષીપૂરમ અને રામસેતુ પણ દક્ષિણ ભારતમાં જ.
એટલે ભાષા તો ભાવનાનું માધ્યમ છે. કોઈક વાર જ તેનો સાચા મુદ્દાથી આંદોલનમાં ઉપયોગ થયો છે. હાલના બાંગલા દેશ, અગાઉના પૂર્વ પાકિસ્તાનમાં બંગાળી ભાષાના અસ્તિત્વ માટે આંદોલન કરવામાં આવ્યું હતું, તેને હવે સમગ્ર દુનિયા માતૃભાષા દિવસ તરીકે ઉજવે છે. એ સિવાય જે આંદોલનો થયા તેમાં રાજકારણ વિશેષ હતું. મૂળ તો વ્યાપાર-ધંધા માટે જુદા જુદા પ્રદેશોની પ્રજા સ્થળાંતર થતી હોય છે, ત્યાં તેની ટકરામણ સ્થાનિક લોકો સાથે થાય ત્યારે ભાષાને હથિયાર બનાવવામાં આવે છે. ઉત્તર ભારતીયો અને બિહારીઓને અગાઉ મહારાષ્ટ્રમાં વેઠવાનું આવ્યું હતું. મુંબઈ-મહારાષ્ટ્ર સંયુક્ત રાજ્ય આંદોલન દરમિયાન ‘આમચી મુંબઈ’નું આંદોલન ચાલ્યું ત્યારે ગુજરાતીઓને વેઠવાનું આવ્યું. ગુજરાતી પારસી, ભાટિયા, કચ્છીઓએ તો મુંબઈના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું તે ઈતિહાસમાં નોંધાયેલું છે. ગુજરાતમાં ત્યારે મહા ગુજરાત આંદોલન ચાલ્યું પણ એકાદ ગુજરાતીએ અન્ય કોઈ ભાષા બોલનારને પરેશાન નથી કર્યો, બલ્કે ગુજરાતે તો ગણેશ વાસુદેવ માવલંકર , પ્રા. પુરુષોત્તમ ગણેશ માવલંકર, કાકા સાહેબ કાલેલકર, મધુરીબહેન ખરે, વામનરાવ પરબ જેવા સવાયા ગુજરાતીઓ આપ્યા.
વર્તમાન પરિસ્થિતિમાં ડાહ્યા લોકોએ મહારાષ્ટ્રમાં મરાઠી સિવાયની ભાષાના વિરોધને ટાળવો જોઈએ. કોની કોની સામે તમે દમદાટી મારશો? ના, તારે તો મરાઠીમાં જ બોલવું જોઈએ એવું એકાદ સામાન્ય વેપારીને તો કહીને થપ્પડ મારી શકો, પણ મહાનગરની સેંકડો સંસ્થાઓ અને હજારો વ્યવસાયિકોને તમે ફરજ કઈ રીતે પડી શકો? બોલિવૂડના આટલા ફિલ્મી કલાકારો, સ્ટુડિયો, થિયેટરો, ઉપાસના સ્થાનો... આ બધા તો પોતાની માતૃભાષાનો ઉપયોગ કરે છે તે નિવારી શકો?
તેનો સાચો જવાબ ‘ના’ છે. મહારાષ્ટ્ર સૌનું છે. રાજકીય રીતે મજબૂત થવાનો ઉપાય એ નથી કે એક ભાષાની છાવણીને બીજી ભાષાની છાવણીની સામે ઊભી કરે દેવી. આ તો રાજકીય આપઘાતનો રસ્તો છે!


comments powered by Disqus