યુકે-ભારત દ્વિપક્ષીય સંબંધોનું નવું શિખરઃ મુક્ત વેપાર કરાર

Wednesday 23rd July 2025 06:10 EDT
 

ભારત અને યુકે વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં વધુ એક શિખર સર થવા જઇ રહ્યું છે. વાચક મિત્રો ગુજરાત સમાચારનો આ અંક આપના હાથમાં આવશે ત્યાં સુધીમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બ્રિટન મુલાકાત આટોપાઇ ગઇ હશે અને બંને દેશ વચ્ચેના બહુપ્રતિક્ષિત મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર પણ થઇ ગયાં હશે. 2022માં પ્રસ્તાવિત મુક્ત વેપાર કરાર પર મંત્રણાઓ શરૂ થઇ અને 14 રાઉન્ડની સઘન ચર્ચા વિચારણા બાદ 6 મે 2025ના રોજ બંને દેશ મુક્ત વેપાર કરાર પર સહમત થઇ ગયાં હતાં.
યુકે-ભારત મુક્ત વેપાર કરાર બંને દેશ વચ્ચે થયેલા 3 આર્થિક અને વેપાર કરાર પૈકીનો એક છે. જે અંતર્ગત ભારત તબક્કાવાર 90 ટકા બ્રિટિશ ઉત્પાદનો પરનો ટેરિફ ઘટાડશે અને સામે પક્ષે બ્રિટન પણ ભારતીય ઉત્પાદનો પર ટેરિફમાં ઘટાડો કરશે. 2022ના આંકડા અનુસાર બ્રિટન ભારતીય ઉત્પાદનો પરની ટેરિફમાં 400 મિલિયન પાઉન્ડની રાહત આપવાનો છે.
2016માં બ્રેક્ઝિટના અમલ બાદ બ્રિટિશ અર્થતંત્રને વ્યાપક નુકસાન થયું હતું. બ્રિટને વેપાર વધારવા માટે અન્ય દેશો સાથે વેપાર સંધિઓ કરવાની ફરજ પડી હતી. તાજેતરના વર્ષોમાં બ્રિટને ઓસ્ટ્રેલિયા, જાપાન અને સિંગાપોર સહિતના દેશો સાથે વેપાર કરાર કર્યાં અને ભારત સાથે છેલ્લા 3 વર્ષથી વાટાઘાટો ચાલી રહી હતી. 2025માં અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખપદે ચૂંટાઇ આવ્યા બાદ તેમણે શરૂ કરેલા ટેરિફ વોરના પગલે સર્જાયેલી વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાઓ સામે લડવા બ્રિટનને ભારત જેવા વિશાળ બજારની તાતી જરૂર હતી. ભારત બ્રિટનનો 11મો સૌથી મોટો વેપાર ભાગીદાર દેશ છે. 2024માં બ્રિટનના કુલ વેપારમાં ભારત સાથેનો દ્વિપક્ષીય વેપાર 42.6 બિલિયન ડોલર એટલે કે 2.4 ટકા હતો. મુક્ત વેપાર કરારના અમલ બાદ બંને દેશ વચ્ચેના વેપારમાં વર્ષ 2040 સુધીમાં 25.5 બિલિયન પાઉન્ડનો વધારો થશે જેના પગલે બ્રિટનના જીડીપીને 4.8 બિલિયન પાઉન્ડનો લાભ થશે.
બ્રિટન સાથેનો વેપાર કરાર ભારત માટે પણ અત્યંત મહત્વનો છે. ભારતનો ચીન અને અમેરિકા સાથેનો વેપાર બ્રિટન કરતાં વધુ છે તેમ છતાં બ્રિટન ભારત માટે મહત્વનો વેપાર ભાગીદાર દેશ છે. ભારતમાંથી બ્રિટનમાં કરાતી નિકાસો રશિયામાં થતી નિકાસ કરતાં 6 ગણી છે. આ વેપાર કરારથી બ્રિટનમાં ભારતીય નિકાસોને મહત્વનો વેગ મળશે. બંને દેશ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો નવી ઊંચાઇએ પહોંચશે. વેપાર કરારમાં સ્કીલ્ડ ભારતીય પ્રોફેશનલ્સને પણ ઘણી રાહત આપવામાં આવી છે તેથી તેમના માટે બ્રિટનમાં કામ કરવાની તકોમાં વધારો થવાનો છે. ભારત ગ્લોબલ સાઉથમાં બ્રિટનનો મહત્વનો ભાગીદાર દેશ બનવાની ક્ષમતા ધરાવે છે. ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એજ્યુકેશન અને હેલ્થ જેવા સેક્ટરોમાં બ્રિટન સાથેના કરારથી ભારતને ઘણા લાભ થવાની સંભાવના છે.
આજના ડિજિટલ યુગમાં વેપાર અને ટેકનોલોજી અત્યંત મહત્વના પરિબળ છે. પરસ્પરની નિકાસો એકબીજાના અર્થતંત્રોને ધબકતાં રાખવામાં મહત્વના પૂરવાર થાય છે. વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ બની ચૂકેલો ચીન આજે તેની નિકાસોના જોરે વિશ્વને હંફાવી રહ્યો છે. આવી સ્થિતિમાં ભારત અને બ્રિટન એકબીજાની આયાતોમાં વધારો કરીને ચીન પરના આધારને ઘટાડી શકે છે. તેવી જ રીતે ડોનાલ્ડ ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરિફ સામે પણ બાથ ભીડી શકે છે. રશિયા સાથેના સંબંધોના કારણે અમેરિકા અને નાટોની ટેરિફ ધમકીઓ સામે લડવામાં બ્રિટન સાથેનો વેપાર કરાર ભારતને ઘણી મદદ કરશે. આ વેપાર કરાર બંને દેશ વચ્ચેના દ્વિપક્ષીય અને વ્યૂહાત્મક સંબંધોને નવા શિખરો પર લઇ જશે તેમાં કોઇ શંકા નથી.


comments powered by Disqus