રબાત: રક્ષામંત્રી રાજનાથસિંહે સોમવારે મોરોક્કોમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું. તેમણે વિશ્વાસ પ્રગટ કર્યો કે ભારત પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (પીઓકે)ને કોઈપણ આક્રમક પગલાં વગર પાછું મેળવી લેશે. તેમણે કહ્યું કે, હવે ત્યાંના લોકો જાતે જ વર્તમાન શાસનથી આઝાદીની માગ કરી રહ્યા છે.
સંબોધનમાં રક્ષામંત્રીએ કહ્યું, પીઓકે તો એની જાતે જ આપણું થઈ જશે. તમે સાંભળ્યું હશે કે ત્યાં હવે અવાજ ઊઠી રહ્યા છે. સૂત્રો પોકારાઈ રહ્યાં છે. તેમણે 5 વર્ષ પહેલાં પણ આવી જ વાત કહી હતી, જ્યારે તેઓ જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેનાના એક કાર્યક્રમને સંબોધતા હતા.
રાજનાથસિંહે કહ્યું, હું 5 વર્ષ પહેલાં કાશ્મીર ખીણમાં સેનાના એક કાર્યક્રમમાં બોલતો હતો. ત્યારે પણ મેં કહેલું કે, આપણને પીઓકે પર હુમલો કરીને કબજો કરવાની જરૂર નહીં પડે. એ તો પહેલાંથી જ આપણું છે. પીઓકે જાતે કહેશે, હું પણ ભારત છું. એ દિવસ ચોક્કસ આવશે. ભારતીય સમુદાયના લોકોને સંબોધતાં રાજનાથસિંહે કહ્યું, આપણું ભારત માટેનું સમર્પણ, સ્નેહ અને પ્રેમ સ્વાભાવિક છે. આપણે દુનિયામાં ક્યાંય પણ રહીએ, એ ન ભૂલવું જોઈએ કે આપણે ભારતીય છીએ.
મોરોક્કોમાં બખ્તરબંધ વાહનો બનશે
રાજનાથસિંહે હાલમાં જ 2 દિવસનો મોરોક્કો પ્રવાસ ખેડ્યો. જ્યાં તેમણે તાતા એડ્વાન્સ્ડ સિસ્ટમના નવા નિર્માણ એકમનો શુભારંભ કરવ્યો. આ એકમમાં 8 પૈડાંવાળાં બખ્તરબંધ સૈન્ય વાહનો તૈયાર કરવામાં આવશે. આ આફ્રિકામાં ભારતનું પ્રથમ સંરક્ષણ નિર્માણ એકમ હશે.

