નવી દિલ્હીઃ ખાલિસ્તાન સમર્થક આતંકવાદી સંગઠન શીખ્સ ફોર જસ્ટિસ (SFJ)એ દિવાળી પહેલાં પ્રવાસીઓને પંજાબ છોડી દેવાનું અલ્ટિમેટમ આપ્યું છે. તેણે પ્રવાસીઓને 19 ઓક્ટોબર સુધી રાજ્ય છોડી દેવા કહ્યું.
તેણે બાટલા રેલવે સ્ટેશન અને અચલેશ્વરધામ મંદિર પર ખાલિસ્તાની સૂત્રો લખાવ્યાનો પણ દાવો કર્યો છે.
પન્નુએ પોતાનો એક વીડિયો વાઇરલ કર્યો છે. તેમાં તેણે બાટલા રેલવે સ્ટેશનના ફોટો પણ શેર કર્યા છે. તેણે સ્પષ્ટપણે કહ્યું છે કે, જે લોકો દિવાળીની ઉજવણી નથી કરતા અને તે દિવસે દીવા પ્રગટાવીને બંદી છોર દિવસ ઊજવે છે, તેઓ જ પંજાબમાં રહેશે. પન્નુએ ખાસ કરીને પંજાબમાં વાતાવરણને ડહોળવા માટે દિવાળી સુધીનું અલ્ટિમેટમ આપ્યું છે. પન્નુએ વીડિયોમાં અયોધ્યાનો ઉલ્લેખ કર્યો હતો. તેણે દાવો કર્યો હતો કે, તેઓ દિવાળી પર અયોધ્યામાં અંધકાર ફેલાવશે. ખરેખર આ વર્ષે અયોધ્યામાં લાખો દીવા પ્રગટાવીને દિવાળી ઊજવવામાં આવશે. આતંકી પન્નુ પ્રવાસીઓને 19 ઓક્ટોબર સુધીમાં રાજ્ય છોડવાનું અલ્ટિમેટમ આપી રહ્યો છે.
પન્નુના દાવા
પન્નુએ શાંતિ ડહોળવાના દાવાની સાથે એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં બાટલા રેલવે સ્ટેશનના બોર્ડ પર નારા લખવામાં આવ્યા છે. આ સાથે પન્નુએ પ્રવાસીઓને 19 ઓક્ટોબર સુધી પંજાબ છોડવાનો સંદેશ આપ્યો છે.
શીખ્સ ફોર જસ્ટિસ સંગઠને ચેતવણી આપી છે કે, જો આ અલ્ટિમેટમ માનવામાં નહીં આવે તો તેનાં ગંભીર પરિણામો ભોગવવાં પડશે. પંજાબ ભારત નથી. જે લોકો દિવાળી ઊજવતા નથી અને ફક્ત બંદીછોર દિવસ ઊજવે છે, તેઓ જ રાજ્યમાં રહેશે. તેઓ બંદીછોર દિવસ ઊજવતી વખતે દીવા પ્રગટાવે છે.
ડીજીપી અને સીએમને પણ ધમકી
પન્નુએ પંજાબના ડીજીપી ગૌરવ યાદવને પણ ધમકી આપી હતી. તેમણે દાવો કર્યો હતો કે, યાદવ પંજાબમાં હિન્દુ આતંકવાદ ફેલાવનારાને સાથ આપી રહ્યા છે.
વધુમાં પન્નુએ મુખ્યમંત્રી ભગવંત માનને પણ ધમકી આપી હતી કે તેઓ તેમના પક્ષને વેરવિખેર કરી નાખશે, જેવા હાલ તેમણે પંજાબમાં કોંગ્રેસ અને ભાજપના કર્યા છે.

