પેલેસ્ટાઇનને સમર્થન ફક્ત પ્રતિકાત્મક જ પૂરવાર થવાનું છે...

Wednesday 24th September 2025 06:20 EDT
 

આખરે યુકેએ પેલેસ્ટાઇનના અસ્તિત્વ પર મહોર મારી દીધી છે. લેબર પાર્ટીના નેતૃત્વ હેઠળની સર કેર સ્ટાર્મર સરકારે ઘરેલુ રાજનીતિમાં સર્જાઇ રહેલા પ્રચંડ દબાણ અંતર્ગત આ નિર્ણય લીધો હોવાની માન્યતા પ્રબળ છે ત્યારે ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વિવાદનો ઉકેલ ક્યારેય આવી શકશે કે કેમ તે એક અત્યંત મહત્વનો અને જટિલ સવાલ છે. મીડલ ઇસ્ટના આ જમીનના નાનકડા ટુકડા પર પ્રભુત્વની લડાઇ આજકાલની નથી. પૌરાણિક સમયથી યહૂદીઓ અને પેલેસ્ટિનિયનો વચ્ચે આ વિસ્તાર પર પ્રભુત્વ માટે જંગ લડાતો રહ્યો છે. હજારો વર્ષો પછી પણ આ સમસ્યા યથાવત રહી છે.
1948માં બ્રિટને આ વિસ્તારનો કબજો છોડીને યહૂદીઓને વતનનો દેશ આપ્યો ત્યારથી આધુનિક જમાનાનો આ વિવાદ ચાલ્યો આવે છે. હવે 75 કરતાં વધુ વર્ષ બાદ યુકેએ આ વિવાદના ટુ સ્ટેટ સોલ્યુશન પર હામી ભરી છે. યુકેની સાથે કેનેડા, ઓસ્ટ્રેલિયા સહિતના પશ્ચિમના દેશો સહિત વિશ્વના 120 કરતાં વધુ દેશ પેલેસ્ટાઇનની રચનાના સમર્થનમાં છે પરંતુ આ સમર્થન વાસ્તવિકતાની જમીન પર સમસ્યાનો ઉકેલ લાવે તેવી કોઇ સંભાવના નથી.
મીડલ ઇસ્ટની કૂટનીતિ ભલભલા ખેરખાંને ગુંચવી નાખે તેવી છે. જમીનનો આ નાનો ટુકડો દાયકાઓથી વૈશ્વિક કૂટનીતિ પર હાવી રહ્યો છે. વિશ્વના 3 મુખ્ય ધર્મ યહૂદી, ખ્રિસ્તી અને ઇસ્લામના કેન્દ્રમાં હોવાથી આ ટુકડો આ ધર્મોના અનુયાયીઓ માટે અત્યંત મહત્વનો રહ્યો છે અને એટલે જ તે વૈશ્વિક કૂટનીતિમાં કેન્દ્રસ્થાને પણ છે. પેલેસ્ટાઇનની રચનાને આડે અત્યારે તો ઇઝરાયેલ ઉપરાંત અમેરિકા મુખ્ય અવરોધ છે અને તેથી જ યુકે સહિતના દેશોનું સમર્થન ફક્ત પ્રતિકાત્મક પૂરવાર થવાની સંભાવનાઓ મહત્તમ છે. પેલેસ્ટાઇનને વૈશ્વિક માન્યતા અપાવવા માટે સંયુક્ત રાષ્ટ્રની મહોર અત્યંત આવશ્યક છે પરંતુ સૌ કોઇ જાણે છે કે સંયુક્ત રાષ્ટ્ર્માં વીટો પાવર ધરાવતી મહાસત્તાઓ કોઇપણ વિવાદનો ઉકેલ પોતાના હિતમાં જ લાવવાનો પ્રયાસ કરતી રહે છે. આગામી દિવસોમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પેલેસ્ટાઇનને માન્યતાનો ઠરાવ મૂકાશે તો ખરો પણ અમેરિકા તેને વીટો પાવરથી ફગાવી દેશે તે વાતમાં કોઇ શંકા નથી. આમ આ વિવાદ હંમેશની જેમ સતત ઉકળતો રહેવાનો છે. વિશ્વના તમામ વિવાદોનો સાચા અર્થમાં ઉકેલ લાવવો હોય તો સૌથી પહેલાં તો સંયુક્ત રાષ્ટ્રને મજબૂત બનાવી તમામ મહાસત્તાઓને અપાયેલા વીટો પાવર પાછા ખેંચી લેવા જોઇએ અને આંતરરાષ્ટ્રીય સંસ્થાના ઠરાવોનું ચુસ્તતાપુર્વક પાલન થવું જોઇએ. નહીંતર આજ પરંપરા ચાલતી રહેશે અને વિવાદો પણ યથાવત રહેશે...


comments powered by Disqus