તાજેતરમાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં એચ-વનબી વિઝા પર કામ કરતા કુશળ વિદેશી કામદારો પર તવાઇ લાવતા એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા. આ ઓર્ડરને કારણે અમેરિકામાં એચવન-બી વિઝા પર કામ કરતા મુખ્યત્વે ભારતીય સહિતના વિદેશીઓમાં હાહાકાર મચી ગયો છે. અમેરિકામાં જારી થતા આ વિઝામાં 71 ટકા જેવો મહાકાય હિસ્સો ભારતીયોના નામે છે ત્યારે ટ્રમ્પનું આ પગલું સીધા ભારતીયોને નિશાન બનાવવા લેવાયું હોય તેવું વધુ પ્રતીત થઇ રહ્યું છે.
છેલ્લા કેટલાક મહિનાથી ટ્રમ્પના તમામ પગલાં ભારત વિરોધી રહ્યાં છે. એકતરફ અમેરિકી પ્રમુખ ભારત અને તેના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ગાઢ મિત્રતાના દાવા કરી રહ્યાં છે તો બીજીતરફ ભારતને દબડાવવાની એકપણ તક ચૂકી રહ્યાં નથી. તેની પાછળ ટ્રમ્પનો ઇગો મુખ્યત્વે જવાબદાર હોવાનું જણાય છે. વિદેશ નીતિમાં એક પછી એક નિષ્ફળતાએ ટ્રમ્પને ઘાંઘા કરી મૂક્યા છે. મુખ્યત્વે યુક્રેન અને રશિયા વચ્ચેનું યુદ્ધ અટકાવી દેવાની જે ફાંકા ફોજદારી કરી હતી તેમાં પુતિને જરાપણ ભાવ ન આપતા અમેરિકી પ્રમુખ હાંસીપાત્ર બની ગયા છે. પોતાની નિષ્ફળતાઓના દોષનું ઠીકરૂં ફોડવા માટે તેમણે ભારતની પસંદગી કરી છે કારણ કે ભારતે ટ્રમ્પ સામે ઝૂકવાનો ઇનકાર કરી દીધો છે.
ભારતને ઝૂકાવવા માટે ટ્રમ્પ નીતનવા ગતકડાં કરી રહ્યાં છે. સૌથી પહેલાં તો ટ્રમ્પે ભારતીય આયાતો પર 50 ટકાનો ટેરિફ લાદીને નાક દબાવવાનો પ્રયાસ કરી જોયો. ભારતે મચક ન આપતાં હવે તેમણે અમેરિકામાં કામ કરતા ભારતીય એચવન-બી વિઝાધારકોને લક્ષ્યાંક બનાવ્યા છે. તેમના આ પગલાને કારણે ભારતની આઇટી સેક્ટરની કંપનીઓ પર પણ માઠી અસર થવાની સંભાવના છે. ટ્રમ્પ ઇચ્છે છે કે ભારત રશિયા સાથેના સંબંધ તોડી નાખે અને અમેરિકાના કૃષિ ઉત્પાદનો માટે ભારતીય બજારને ખુલ્લું મૂકે. પરંતુ ભારતે ટ્રમ્પની શરતોને આધિન થવાનો ઇનકાર કરી દેતાં તેમણે વિવિધ પ્રકારના દબાણ લાવવાનું શરૂ કર્યું છે. ઇરાનમાં ભારત દ્વારા નિર્મિત ચાબહાર બંદર પરની છૂટછાટો પાછી ખેંચી લઇ ભારતીય વેપારને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ ટ્રમ્પ દ્વારા કરાયો છે. આગામી દિવસોમાં ભારતીય સર્વિસિઝ પર પણ ટ્રમ્પ ટેરિફ લાદે તો નવાઇ પામવા જેવું કશું નથી. ભારતનું નાક દબાવવા અમેરિકી પ્રમુખ આ બધા ધમપછાડા કરી રહ્યાં છે. તેમના આ ધમપછાડાનું વરવું પરિણામ એ આવ્યું છે કે ભારતીય ઉપખંડમાં અમેરિકાએ એક મહત્વનો સાથી દેશ ગુમાવી દીધો છે અને તેથી જ ટ્રમ્પને હવે પાકિસ્તાનને અછોવાના કરવાના દિવસો આવ્યા છે...
