વોશિંગ્ટનઃ ડોક્ટર હોવાર્ડ ટકર કોઈ સામાન્ય માણસ નથી. 103 વર્ષની ઉમરે પણ એક્ટિવ. અને એક્ટિવ એવા કે ભલભલા જુવાનિયાઓને પણ શરમાવે. આપણે ઘણાને કહેતા સાંભળીએ કે, ‘હવે તો ઉમર થઇ ગઇ છે...’. પરંતુ, એવું કશું હોતું નથી. તમે પોતાને માનો તેટલા ‘યંગ’ અને માનો તેટલા ‘ઓલ્ડ’. 1947ની સાલમાં મેડિકલ ડોક્ટરેટની ડિગ્રી મેળવનાર ટકરે 1953માં ન્યૂરોલોજી રેસિડન્સી પૂર્ણ કર્યું હતું. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન યુએસ નેવીમાં ચીફ ન્યૂરોલોજિસ્ટ તરીકે સેવા આપી હતી. અત્યારે, તેઓ સોશિયલ મીડિયા સાઈટ ટિકટોક પર 1,01,000થી વધુ ફોલોઅર્સ સાથે સ્ટાર છે.
ડોક્ટર સાહેબે સ્વસ્થ જીવનના કેટલાક ફંડા શેર કર્યા છે. જેમ કે, એક તો, રિટાયરમેન્ટ લાંબી ઉમરનો દુશ્મન છે. જેટલું તમે કામ કરો તેટલું ડિમેન્શિયાનું જોખમ ઘટે છે. નિર્ણય લેવાની ક્ષમતા સાથે સોશિયલી એક્ટિવ રહેવું મહત્ત્વપૂર્ણ છે. બીજું, ત્રણ મુખ્ય બાબતોનું ધ્યાન રાખોઃ ફિઝિકલી અને મેન્ટલી એક્ટિવ રહો, સિગારેટથી દૂર રહો તેમજ કોઈને નફરત ન કરો.
ડોક્ટર સાહેબ સિગારેટના વ્યસન વિશે કહે છે કે પહેલા માનવા આવતું કે, લંગ કેન્સર પુરુષો અને બ્રેસ્ટ કેન્સર મહિલાઓની બીમારી છે. પરંતુ, હવે મહિલાઓ પણ સિગારેટ પીવે છે, જે કેન્સરનું જોખમ વધારે છે. આ સાથે ગાંજાનું પણ એવું જ છે. તેનાથી મગજમાં ફેરફારની સાથે સાથે સ્ટ્રોકનું જોખમ વધે છે. જ્યારે વાઈન વિશે તેમનું કહેવું છે કે હું આજે પણ વાઈન પીવું છું. પરંતુ, માનું છું કે, તે પ્રમાણમાં ઓછું હોવું જોઈએ. પ્રોસેસ્ડ, તળેલા ખોરાક અને મીઠાઈઓથી દૂર રહેવું જોઈએ. આ જ છે મારી સદાબહાર તંદુરસ્તીનું રહસ્ય.

